દેવેન્દ્ર ફડણવીસની જેમ ડેપ્યુટી સીએમ બનીને મન મનાવતા આવડે છે?

રોજ બરોજ

રોજ બરોજ -અભિમન્યુ મોદી

મહારાષ્ટ્રમાં બે વખત સીએમ રહી ચુકેલા દેવેન્દ્ર ફડણવીસનું ડિમોશન થયું છે. એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ફડણવીસે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે. રાજકીય સંતુલનની રીતે જોઈએ તો આ નિર્ણય ભલે ભાજપનો માસ્ટર સ્ટ્રોક કહેવાઈ રહ્યો હોય પરંતુ પાવર બેલેન્સિંગમાં સીએમની સામે ડેપ્યુટી સીએમ ક્યાંય આવતા નથી. તમે ક્યારેય એવું જોયું છે કે સ્કૂલમાં એક ક્લાસમાં બે મોનિટર હોય ?, એક જ ગામડામાં બે સરપંચ હોય ? સોસાયટીમાં બે પ્રમુખ હોય? નહીં ને..?? તો સાલું સીએમ અને ડેપ્યુટી સીએમની પોસ્ટ રાજકારણમાં જ કેમ હોય છે?.. હું હવે જે એક્સપ્લેઇન કરીશ તેના માટે તમારા મનમાં જવાબ તૈયાર જ છે. તમે કહેશો કે ‘રાજનીતિમાં બધું ચાલ્યા કરે !.., પક્ષ બચાવવા આવું કરવું પડે..’, તમારા મનમાં ઉદ્ભવતા આ શબ્દોને ચાલો માની લઈએ પણ તમને ખબર છે આ પ્રથા ભારતમાં ક્યારથી શરૂ થઈ?
વાત ૧ ઑક્ટોબર ૧૯૫૩ની છે. ત્યારની મદ્રાસ પ્રેસિડેન્સીમાંથી તેલુગૂ ભાષી વિસ્તારને હટાવીને આંધ્ર સ્ટેટ બનાવવામાં આવ્યું હતું. ટી. પ્રકાશમ આ નવા રાજ્યના પ્રથમ સીએમ બન્યા. પણ તેમના પક્ષમાંથી જ નીલમ સંજીવ રેડ્ડીને પણ સીએમ બનવું હતું અને એ સમયે નીલમભાઈ આજના શિંદે ભાઉની જેમ તોફાન કરી રહ્યા હતા. એટલે નીલમભાઈને સાચવવા ટી.પ્રકાશમે નીલમ સંજીવ રેડ્ડીને પોતાના ડેપ્યુટી સીએમ બનાવી દીધા. દેશ આઝાદ થયાને હજુ માંડ ૭ વર્ષ થયા હતા. ભોળી પ્રજા તો આ રમતને શું સમજે! પણ પક્ષના નેતાઓને પણ ટી. પ્રકાશમના આ નિર્ણયમાં કાંઈ ખામી ન દેખાઈ. આમ, ભારતના ઇતિહાસમાં નીલમ સંજીવ રેડ્ડીનું નામ એક રાજ્યના ડેપ્યુટી સીએમ તરીકે રાજકીય સ્યાહીથી લખાયું. એક મહિના સુધી પક્ષમાં એક જ ચર્ચા ચાલી કે સીએમ અને ડેપ્યુટી સીએમને વચ્ચે સત્તાની ફાળવણી કઈ રીતે કરવી ?
૧૭ ઓક્ટોબર ૧૯૫૩ના રોજ ટી. પ્રકાશમના સમર્થકો અને નીલવ સંજીવ રેડ્ડીના સમર્થકો આમને-સામને આવી ગયા હતા. મુદ્દો માત્ર એટલો જ હતો કે કઈ ફાઈલ પર સીએમ સિગ્નેચર કરશે અને કઈ ફાઈલ પર ડેપ્યુટી સીએમના હસ્તાક્ષર થશે. આંધ્ર પ્રદેશના સિંહ તરીકે ઓળખાતા ટી. પ્રકાશમનુ માથું પણ ચકરાવે ચડ્યું હતું. જો તેઓ વધુ સત્તા પોતાની પાસે રાખે તો નીલમભાઈ ફરી તેના સમર્થકો સાથે ધીંગાણું મચાવી દે, માંડ તેમના હાથમાં સત્તા આવી હતી અને આંધ્રના તે પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. આવા સમયે તેમણે નીલમભાઈ સાથે બંધ બારણે બેઠક કરીને સત્તાની ફાળવણી કરી લીધી. બધાને લાગ્યું કે ઘીના ઠામમાં ઘી પડી ગયું પરંતુ બાકીના ત્રણ વર્ષ ખૂબ જ વિષમ પરિસ્થિતિઓમાંથી પસાર થયા.
માત્ર એક ફાઈલને પાસ થવા માટે એક મહિના સુધી ડેપ્યુટી સીએમના દફ્તરે બેસવું પડે, જે વ્યક્તિની ફાઈલ પડી છે તે વ્યક્તિ ઈચ્છે તો પણ ફાઇલ આગળના ટેબલ સુધી ન જઈ શકે. પછી પેલો ખાસ ટી. પ્રકાશમને પત્ર લખે અને તેમને જ્યારે માહિતી મળે ત્યારબાદ તે અટકેલી ફાઈલને ટી. પ્રકાશમ પોતાના દફ્તરે લઈ આવે.. આ તો તેમના છબરડાનો એક જ કિસ્સો છે. આવા કિસ્સાઓ પર તો ફીચર ફિલ્મ બની શકે પણ આપણે મૂળ ટોપિક પર આવીએ. ત્રણ વર્ષ સુધી આવી ધીંગામસ્તી ચાલી. ૧ નવેમ્બર ૧૯૫૬ના રોજ હૈદરાબાદનો એક મોટા હિસ્સો આંધ્રમાં ભળી ગયો અને આંધ્રસ્ટેટ હવે નવું રાજ્ય આંધ્રપ્રદેશ બની ગયું. એ સમયે પક્ષ અને પ્રજાની માંગણીથઈ નવા સીએમ બન્યા નીલમ સંજીવ રેડ્ડી, સત્તામાં આવતા જ તેમણે ડેપ્યુટી સીએમના પદને હટાવી દીધું. પછીથી દેશના રાષ્ટ્રપતિ બનેલા નીલમ સંજીવ રેડ્ડીએ એ સમયે ડેપ્યુટી સીએમની પોસ્ટને બિનજરૂરી કરાર આપ્યો હતો. પણ તેમની આ પોસ્ટ દેશની રાજનીતિમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ હતી.
આપણા બંધારણમાં તો ડેપ્યુટી સીએમ જેવી કોઈ પોસ્ટની વ્યવસ્થા જ નથી. તે શપથ પણ રાજ્યના મંત્રીના રૂપમાં લે છે. બંધારણના અનુચ્છેદ-૧૬૪ અનુસાર સીએમ અને તેના મંત્રીઓની નિમણૂકની વાત કરે છે, જોકે તેમાં ડેપ્યુટી સીએમ જેવા પદનો કોઈ ઉલ્લેખ જ નથી.
તમને ખબર છે ડેપ્યુટી સીએમ પાસે કેટલા અધિકાર છે. આમ જોઈએ તો ડેપ્યુટી સીએમ પાસે એટલી જ સત્તા હોય જેટલી એક મંત્રી પાસે હોય છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં સીએમ હોમ અને વિજિલન્સ જેવા ખાસ ડિપાર્ટમેન્ટ પોતાની પાસે રાખે છે. હોમ મિનિસ્ટ્રી દ્વારા સીએમ રાજ્યની પોલીસ અને કાયદો વ્યવસ્થાનું સંચાલન અને વિજિલન્સ દ્વારા ભ્રષ્ટાચારને સીધો પોતાના કાબૂમાં રાખે છે. રાજ્યમાં ક્લાસ વન અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગનો એકમાત્ર અધિકાર મુખ્યમંત્રીને હોય છે. આ મુદે ડેપ્યુટી સીએમને કોઈ અધિકાર નથી. ડેપ્યુટી સીએમને સરકારના કેબિનટ સ્તરના બાકીના મંત્રીઓ જેટલી સેલેરી અને ભથ્થું મળે છે. ડેપ્યુટી સીએમ પાસે સીએમએ મંજૂર કરેલી ફાઈલો જોવાનો અધિકાર પણ નથી. ડેપ્યુટી સીએમ કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી શકતા નથી. ડેપ્યુટી સીએમ કોઈ વિશેષ પરિસ્થિતિમાં સીએમના લેખિત નિર્દેશ પર જ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી શકે છે. સીએમ આવા નિર્દેશ કોઈ બીજા મંત્રી માટે આપી શકે છે. ડેપ્યુટી સીએમ પોતાના ડિપાર્ટમેન્ટ્સ સિવાય બીજા ડિપાર્ટમેન્ટ્સને કોઈ નિર્દેશ ન આપી શકે. બીજા મંત્રીઓની જેમ ડેપ્યુટી સીએમએ પણ ડિપાર્ટમેન્ટમાં બજેટથી વધુ ખર્ચ કરવા માટે સીએમની પરવાનગી લેવાની હોય છે.
છતાં પણ ફણણવીસ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બન્યા છે. પ્રવર્તમાન સમયમાં ભારતમાં મહારાષ્ટ્ર ઉપરાંત ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડેપ્યુટી સીએમ અને મુખ્યમંત્રી સાથે કામ કરી રહ્યા છે. તેમાંય જ્યાંથી ડેપ્યુટી સીએમના પદનો ઉદ્ભવ થયો છે તેવા આંધ્ર પ્રદેશે અત્યારે બીજો ઇતિહાસ પણ પોતાને નામે કર્યો છે. હાલ આંધ્ર પ્રદેશમાં સીએમ જગન રેડ્ડીની સરકારમાં એક-બે નહીં પણ કુલ ૫ ડેપ્યુટી સીએમ નિમાયા છે. સીએમ જગન રેડ્ડીએ અલાનાની, અજમત પાશા શેખ, કે નારાયણ સ્વામી, પિલી સુભાષચંદ્ર બોસ અને પુષ્પશેરવાની પલુમાને આંધ્ર પ્રદેશના ડેપ્યુટી સીએમ બનાવ્યા છે.
ત્યારબાદ કર્ણાટકનો નંબર આવે છે જ્યાં સી.એન. અશ્ર્વત નારાયણ, ગોવિંદ કરજોલ, લક્ષ્મણ સાવદીને ડેપ્યુટી સીએમનું પદ સોંપવામાં આવ્યું છે. આ યાદીમાં યુપી ત્રીજા સ્થાને છે. જેમાં એક સીએમ અને ૨ ડેપ્યુટી સીએમ છે. જેમાં યોગીને પ્રબળ લોક્ચાહનાને કારણે સીએમના પદે બેસાડવામાં આવ્યા છે. અને કૉંગ્રસ સામે અનુક્રમે ૨૦ અને ૪૧ વોટથી કારમી હાર પામેલા કેશવ મૌર્ય અને બ્રિજેશ પાઠકને ડેપ્યુટી સીએમ બનાવામાં આવ્યા છે. તમને થશે આ બન્ને બાજીગર છે ? કે હારેલી બાજીને પણ જીતીને ડેપ્યુટી સીએમનું પદ મેળવી લીધું. હવે બન્યું એવું કે કેશવ મૌર્ય દલિત સમાજના કદાવર નેતા છે.. જો તેમને ડેપ્યુટી સીએમનું પદ ન મળે તો દલિત સમાજનો રોષ સહન કરવો પડે અને બ્રિજેશ પાઠક યુપીમાં સેવાક્ષેત્રમાં મોટી નામના ધરાવે છે. શિવસેનાની જેમ તેમના સમર્થકો પણ તમને યુપીની ગલીએ ગલીમાં જોવા મળશે. આવા રાજકીય ગણિતને ધ્યાને લઈને ભાજપે બન્ને હારેલા ઉમેદવારને ડેપ્યુટી સીએમ બનાવી દીધા.
આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશમાં ચાઉનામેન, બિહારમાં રેણુદેવી અને તાર કિશોર પ્રસાદ, દિલ્હીમાં મનિષ સિસોદિયા, હરિયાણામાં દુષ્યંત ચૌટાલા, મેઘાલયમાં પ્રેરેસ્ટોન શ્યાંગ, મિઝોરમમાં તાઉનલિયા, નાગાલેન્ડમાં યંથુંગો પટ્ટો, રાજસ્થાનમાં સચિન પાયલટ, તામિલનાડુમાં ઓ.પન્નીરસેલ્વમ, ત્રિપુરામાં જિશ્નુ દેવ વર્મા ડેપ્યુટી સીએમના પદ પર કાર્યરત છે.
આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં ઉદ્ધવ સરકારને પછાડ્યા બાદ સીએમ એકનાથ શિંદેએ વિધાનસભામાં પ્રથમ શક્તિ પરીક્ષણ જીતી લીધું છે. ભાજપના રાહુલ નાર્વેકરને વિધાનસભાના નવા સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સીએમ એકનાથ શિંદેએ શિવસેનામાં મચેલા ઘમસાણને જોતા, વિધાનસભાની અંદરની તેની ઓફિસને સીલ કરી દીધી છે. આ બધામાં ફડણવીસ મૌન સેવીને બેઠા છે. હવે શિંદેની આ સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ તરીકે તેઓ પોતાની સત્તાનો ઉપયોગ કરી શકશે કે નહીં એ તો સમય જ બતાવશે.

1 thought on “દેવેન્દ્ર ફડણવીસની જેમ ડેપ્યુટી સીએમ બનીને મન મનાવતા આવડે છે?

  1. If a prime minister can be remotely controlled, anything is possible. CM Shinde must be acutely aware that his party is a junior partner in the coalition. As far as Deputy CM Fadnavis is concerned his party is disciplined and considers national interests top priority. That is why he has made the sacrifice that he has. Shinde is a realist. He will do nothing that will rock the boat and precipitate Presidential rule followed by general elections in the state.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.