કચ્છમાં અષાઢી મેઘાની ઝમકદાર બેટિંગ: સચરાચર બેથી આઠ ઇંચ વરસાદ

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છ જિલ્લા પર મંગળવારે મેઘરાજા મહેરબાન થયા હતા અને લગભગ તમામ જિલ્લાઓમાં એકથી નવ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.
બપોરે બે વાગ્યા સુધી સૌથી વધુ વરસાદ કચ્છના અંજાર ખાતે આઠ ઇંચ, ભુજ ખાતે ૭ ઇંચ, ગાંધીધામ ખાતે છ ઇંચ, નખત્રાણા ખાતે ચાર ઇંચ જેટલો નોંધાયો છે, જયારે અત્યારસુધી નોંધપાત્ર વરસાદ થઇ ગયો છે તેવા બંદરીય શહેર મુંદરા અને માંડવી ખાતે બેથી ત્રણ ઇંચ વધુ વરસાદ નોંધાયો છે, જયારે સીમાવર્તી લખપતમાં અડધો ઇંચ વરસાદ
નોંધાયો છે.
જો કે રાપર આજે પ્રમાણમાં કોરું રહેવા
પામ્યું છે.
દરમિયાન કચ્છના અંજાર અને ગાંધીધામમાં અનરાધાર વરસાદને પગલે ગાંધીધામ, આદિપુરની મુખ્ય બજારો, રેલવે સ્ટેશન અને બીજા સંખ્યાબંધ વિસ્તારોમાં વરસાદી પાણીના જળભરાવની સમસ્યા ઊભી થવા પામી છે. તેવી જ રીતે ભુજ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સાત ઇંચ જેટલો વરસાદ નોંધાતા ભુજના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયાં છે. ભુજ શહેરની અદાણી હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. મોટાભાગની શાળાઓમાં બે-ચાર કલાક બાદ રજા જાહેર કરી દેવાઈ છે. પાવરપટ્ટીનો નિરોણા ડેમ છલકાઈ જવા પામતાં આ વિસ્તારના ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. મળતી વિગતો પ્રમાણે અંજાર નજીકનો ટપ્પર ડેમ લગભગ ૮૦ ટકા જેટલો ભરાઈ જવા પામ્યો છે અને હવે તે ગમે ત્યારે ઓગને તેમ હોઈ આસપાસના ગામોને એલર્ટ કરાયાં છે.ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.