ક્ષમા દ્વારા મનનો ભાર હળવો કરીએ

ધર્મતેજ

કોઈનાં પ્રત્યે દુર્ભાવ હોય ત્યાં સુધી સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત થાય નહીં

જિનદર્શન -મહેન્દ્ર પુનાતર

પર્વાધિરાજ પર્યુષણ પર્વનો મહોત્સવ તપ અને આરાધના સાથે પૂરો થવા આવ્યો અને સંવત્સરી મહાપર્વની ઉજવણી માટે આપણે સજ્જ થઈ રહ્યા છીએ. સંવત્સરી એટલે પ્રાયશ્ર્ચિત્ત અને ક્ષમાનું પર્વ જીવનનો મહામૂલો અવસર. ઉતરાધ્યન સૂત્રમાં કહ્યું છે તેમ “ક્ષમા માગવાથી અને આપવાથી ચિત્તમાં પ્રસન્નતા થાય છે અને આત્મા જગતના સર્વ પ્રાણી પ્રત્યે મૈત્રીનો ભાવ કેળવી શકે છે. મિત્ર ભાવને પામીને પોતાના ભાવની વિશુદ્ધિ કરીને નિર્ભય બને છે. દશ પ્રકારના શ્રમણ ધર્મમાં સૌ પ્રથમ ઉત્તમ ક્ષમા બતાવેલ છે. સમ્યગદર્શનપૂર્વક કરવામાં આવતી ક્ષમાપના ઉત્તમ છે. સમ્યગ દૃષ્ટિ આત્માને કોઈની પણ સાથે વેર -વિરોધ હોતો નથી. સાચો જૈન ભગવાન મહાવીરના આદર્શોને અનુસરે છે. પ્રભુના જીવનમાં વાત્સલ્ય, પ્રેમ, કરુણા અને ક્ષમા પરાકાષ્ટાએ હતા. આ સદ્ગુણોનો સંગમ જેના જીવનમાં હોય છે તેની આરાધના સફળ થાય છે.
જૈન ધર્મમાં ક્ષમાનું જે મહત્ત્વ છે તેની કોઈ તુલના થઈ શકે તેમ નથી. અબૂધ ગોવાળિયાએ ભગવાન મહાવીરના કાનમાં શૂળ ભોક્યા છતાં તેમણે એક શબ્દ ઉચાર્યો નહીં અને ક્ષમા બક્ષી. કટ્ટરમાં કટ્ટર દુશ્મન અને વિરોધીઓ પ્રત્યે પણ ક્ષમાનો ભાવ રાખવાનું ધર્મ શાસ્ત્રોમાં કહ્યું છે. ક્ષમા એ વીરનું ભૂષણ છે. આ ક્ષમા ભાવના વ્યવહારની નહીં પણ દિલની હોવી જોઈએ. ભયંકર વિષધારી ચંડકોશિયાએ ભગવાનને ડંખ દીધો પણ તેમને જરા પણ ગુસ્સો કે ક્રોધ આવ્યો નહોતો. તેઓ શાંત અને સ્થિર રહ્યા હતા. ક્ષમા અને કરુણા વરસાવી હતી. ભગવાન મહાવીરે અનુભવ્યું હતું કે શત્રુ બહાર નથી. બહારના શત્રુઓથી ડરવાની જરૂર નથી. જે કંઈ ભયભીત થવા જેવું છે એ અંદર છે. આપણી વાસના અને વિકાર જ આપણા મુખ્ય શત્રુઓ છે. એમના શમન વગર વિજય મેળવી શકાય નહીં. કોઈ પણ જીવ પ્રત્યે દુર્ભાવ હોય ત્યાં સુધી સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત થવાની નથી. પર્યુષણ પ્રસંગે આપણે અનેક આરાધના કરી હોય પણ અંતરાત્મામાં રાગ દ્વેષ અને વેરઝેરની ગાંઠ છૂટી નહીં હોય તો બધું વ્યર્થ બની જશે.
ક્ષમાના ત્રણ પ્રકાર છે. ક્ષમા રાખો, ક્ષમા માગો અને ક્ષમા આપો. કોઈએ તમારા તરફ અનુચિત વર્તન કર્યું હોય કે તમારી અવગણના કરી હોય તેને ભૂલી જાવ અને ક્ષમાનો ભાવ રાખો. તમારા તરફથી કોઈનું દિલ દુભાયું હોય તો ક્ષમા માગો. અને કોઈએ તમારા તરફ અયોગ્ય વર્તન કર્યું હોય અને પાછળથી તેને પોતાની ભૂલ સમજાય અને પસ્તાવો વ્યક્ત કરે તો ઉદારતાથી ક્ષમા આપો. પ્રાયશ્ર્ચિત્ત અંતરનું હોવું જોઈએ. પશ્ર્ચાત્તાપ જ્યારે પ્રાયશ્ર્ચિત્ત બની જાય છે ત્યારે તે તપ બને છે. પશ્ર્ચત્તાપ અને પ્રાયશ્ર્ચિત્તમાં મોટો ફરક છે. પશ્ર્ચાત્તાપનો સંબંધ બીજાની સાથેનો છે, જ્યારે પ્રાયશ્ર્ચિત્તનો સંબંધ પોતાની સાથેનો છે. પ્રશ્ર્ચાતાપનો સંબંધ કૃત્ય અને કરણી સાથે છે, જ્યારે પ્રાયશ્ર્ચિત્તનો સંબંધ અંતર પરિવર્તન સાથે છે. પશ્ર્ચાત્તાપ એક સામાન્ય ઘટના છે. કોઈ પણ માણસ એવો નહીં હોય તેને કદી પણ કોઈ પણ બાબત અંગે પસ્તાવો થયો ન હોય. કંઈ પણ ખોટું કામ થાય ત્યારે પસ્તાવો થાય છે, પણ આપણે વારંવાર પાછું એનું એ જ કરતા રહીએ છીએ. બીજાનું અપમાન કરીએ, તેનું દિલ દુભાવીએ, તેને કટુ વચનો કહીએ અને હાનિ પહોંચાડીએ અને પછી સોરી કહી દઈએ, માફી માગી લઈએ પણ તેનાથી આપણામાં કશો ફરક પડતો નથી. પાછા આવા સંજોગો ઊભા થશે, એવું જ કારણ અને બહાનું મળશે તો પાછું આપણે એનું એ જ કરવાના છીએ. અને પાછી માફી માગી લઈશું. પશ્ર્ચાત્તાપ ભૂલની કબૂલાત છે, જ્યારે પ્રાયશ્ર્ચિત્ત આ ભૂલ ફરીથી નહીં થાય તેની પ્રતિજ્ઞા છે. આપણે બીજા પ્રત્યે માત્ર પશ્ર્ચાત્તાપ નહીં પણ ખરા દિલથી પ્રાયશ્ર્ચિત્ત કરવાનું છે. અને સામા માણસને એવો અહેસાસ કરાવવાનો છે કે તમારા સમક્ષ ઊભેલો આ માણસ પહેલાના જેવો રહ્યો નથી. આવો ભાવ હશે તો સામા માણસનું દિલ પણ દ્રવી ઊઠશે.
મિચ્છામ્ દુક્કડમ અને ક્ષમાપના સાથે હૃદયનું પરિવર્તન થવું જોઈએ. આપણે વહેવારમાં જેમની સાથે સારા સંબંધો હોય મનમેળ હોય તેમની સમક્ષ હાથ જોડીને ઊભા રહીએ છીએ પણ જેમની સામે વાંધો પડ્યો હોય, બોલવાનો વહેવાર ન હોય, મનદુ:ખ થયું હોય તેમની સામે હાથ જોડીને ક્ષમા યાચના કરવાનું મન થતું નથી. આમાં આપણો અહંમ આડો આવે છે. ભૂલ ગમે તેની હોય પણ આપણે જો પહેલ કરીએ તો તેનો ચોક્કસ યોગ્ય પ્રતિભાવ મળશે. સંબંધો કોની સાથે બગડે છે? આપણાં લોકો સાથે. પારકા લોકો સાથે તો સંબંધો હોતા નથી પછી બગડવાનો સવાલ ક્યાં આવે? તો આપણાં જ સ્વજનો સામે વેરઝેર અને વૈમનસ્યની ગાંઠો ક્યાં સુધી બાંધી રાખીશું ? ક્ષમા એવું વિશુદ્ધ ઝરણું છે જે તમારા હૃદયને નિર્મળ બનાવી નાખશે. મન અને દિલ પરનો ભાર હળવો થઈ જશે. જેમની સામે વેર બંધાયું હોય, સંબંધો બગડ્યા હોય, બોલવાનો વહેવાર ન હોય તેના પ્રત્યે પૂર્વગ્રહ ઘેરો થતો જશે. તેના તરફ ઈર્ષા થશે. તેનું કાંઈ સારું થશે તો જલન થશે. આમ આ વ્યક્તિ આપણાં મનનું કેન્દ્ર બની જશે. અને આપણને આ બધી વાતો ખટકતી રહેશે, જ્યારે પણ આ બધી વાતો યાદ આવશે ત્યારે આપણે નિરાંતે ઊંઘી નહીં શકીએ. બીજાને વાંકે આપણે પોતાને સજા કરતા રહીશું. ઉદાર મને સામા માણસને ક્ષમા આપી દઈએ તો આમાંથી મુક્ત થઈ જઈશું. ક્ષમાપના સંજીવની અને સર્જનાત્મક શક્તિ છે. તે આપણને અનેક યાતનામાંથી ઉગારીને નવું જીવન બક્ષે છે.
જીવનમાં યાદ કરવા કરતાં ભૂલવાનું મુશ્કેલ છે. મોટા ભાગના દુ:ખો જે બાબતો ભૂલી જવાની છે તેને વારંવાર યાદ કરીને અને જે બાબતે યાદ રાખવાની છે તેને ભૂલી જઈને સર્જાતા હોય છે. મોટેભાગે સારું સ્મરણીય યાદ રહેતું નથી અને ખરાબ ભૂલાતું નથી. પરસ્પરના સંબંધોમાં પ્રેમ, સ્નેહ અને મૈત્રીનું અનોખું મહત્ત્વ છે. સ્વાર્થના પાયા પર રચાયેલા સંબંધોમાં પ્રેમ અને સ્નેહ હોતો નથી. સ્નેહનાં કાચા તાંતણે જે સંબંધો બંધાયેલાં હોય તે લાંબો સમય ટકતાં નથી. પ્રેમ અને મૈત્રીમાં જ્યારે ક્ષમાનો ભાવ ઉમેરાય છે ત્યારે કોઈ શત્રુ રહેતો નથી. પ્રેમ હોય ત્યાં બીજાને દુ:ખ અને કષ્ટ આપવાની વાત હોઈ શકે નહીં. પ્રેમ હોય ત્યાં ક્ષમાનો ભાવ આપોઆપ પ્રગટે. ક્ષમા એ જ મોટું દાન, જ્ઞાન, તપ, શક્તિ અને બળ છે. બીજાની ભૂલ માફ કરી-કરવી સહેલી છે, પરંતુ આપણી ભૂલ અને દોષ કાઢનારા માણસને માફ કરવા મુશ્કેલ છે. મને ગાળો દીધી, મને માર્યો, મને જીતી ગયો, મારું લઈ ગયો આ બધી વાતોની જે મનમાં ગાંઠ વાળી રાખે છે તેનું વેર શમતું નથી. વેર ક્ષમે છે માત્ર પ્રેમ અને ક્ષમાથી. સમર્થ વ્યક્તિ જ ક્ષમાવાન બની શકે છે. જીવનમાં જય, પરાજય, હાર જીત નું કોઈ મહત્ત્વ નથી. આ એક પરિસ્થિતિ છે. બંનેનો સ્વીકાર કરે છે તે જ માણસ કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે છે. કોઈને દુ:ખ આપીને, હેરાન કરીને, તેને પાછો પાડીને જીત મેળવી શકાય નહીં. એ તો મનુષ્યની મનુષ્યતા અને સભ્યતાનો પરાજય છે. બીજાને પ્રેમથી જીતી શકાય. દુષ્ટતાને સજ્જનતાથી, કૃપણતાને ઉદારતાથી અને જૂઠને સત્યથી જીતી શકાય. આ સાચી જીત છે. તેમાં કોઈનો પરાજય નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.