દિલમાં દીવો કરો

ધર્મતેજ

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

ઈ.સ.૧૭૧૦ થી ઈ.સ.૧૭૩પના સમયગાળામાં જેમની રચનાઓ સાંપડે છે એવા ભક્તકવિ રણછોડ કે જેમનો જન્મ ખેડા જિલ્લાના ખડાલ ગામે ખડાયતા વૈષ્ણવ નરસિંહદાસ મહેતાને ત્યાં થયેલો, ને દર
પૂનમે ડાકોર રણછોડરાયના દર્શને જવાનો
પાકો નિયમ ધારણ કરેલો એવા ભક્ત-સર્જકે ગાયું છે:
દિલમાં દીવો કરો રે તમે, દિલમાં દીવો કરો;
કૂડા કામ ક્રોધને પરહરો રે, તમે દિલમાં દીવો કરો…
દયા દીવેલ પ્રેમ-પરણાયું લાવો, માંહી સુરતાની દીવેટ બનાવો;
હાં રે એમાં બ્રહ્મ અગ્નિને ચેતાવો રે, તમે દિલમાં દીવો કરો…
સાચ દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારૂં મટી જાશે;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે, તમે દિલમાં દીવો કરો…
દીવો અનભે પ્રગટે એવો, ટાળે તનનાં
તિમિર તેવો;
હાં રે એને નયણે નીરખી લેવો રે, તમે દિલમાં દીવો કરો…
દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કુંચી ને ઘડયું તાળું;
થિયું ભોમંડળ અંજવાળું રે, તમે દિલમાં દીવો કરો…
જે માણસ જશ મેળવ્યા વિના જીવ્યો એ ન જીવ્યા જેવો જ માનવો. પણ જે આ જગતમાં જશ મેળવીને આથમી જાય છે એની યાદ- એનું
સ્મરણ આ જગતના લોકો સૂરજ ઊગ્યા પહેલાં એટલે કે પ્રાત:કાળે કરતા રહે છે. એનું નામ સૂર્યદેવતાની પહેલાં જ સંસાર આકાશમાં ઉદય
પામે છે.
અનુભવની વાતું છે અટપટી,
યોગ કળાની ગતિ છે ઝીણી રે,
સત્ગુરુજીના વેંચ્યા વેંચાઈ જઈએ,
આપે ઓહંમ્ સોહંમ્ની એંધાણી.
– અનુભવની વાતું છે અટપટી,…૦
નાભિ કમળથી સુરતા ચાલી, જઈ ત્રિવેણીમાં ઠેરાણી;
માનસરોવર મુક્તા મોતી, મરજીવા સંત કોઈ લીયે વીણી
– અનુભવની વાતું છે અટપટી,…૦
ચડી ફોજને માંઈ હુવા નગારાં, નિરભે નામની નૌબત ગડી રે;
નુરત સુરત લઈ શિખરે ચડિયા, બ્રહ્મ અગ્નિમાં જઈ હોમાણી.
– અનુભવની વાતું છે અટપટી,…૦
પાડયો કોટ કબુદ્ધિ કેરો, માર્યો માયલો મન મેવાસી રે,
બ્રહ્મજ્ઞાનનો ર્ક્યા ભડાકા, તો આસને બેઠા ગુરુ અવિનાશી.
– અનુભવની વાતું છે અટપટી,…૦
ત્રણ ગુણને ઘેરી લીધા, ભૂલ ભ્રમણાં ભે
ભાંગી રે;
ચાર વેદ પર ચોપાટ ખેલી, ત્યાં અલખ પુરુષ્ાની લે લાગી.
– અનુભવની વાતું છે અટપટી,…૦
સૂન મંડળથી શોધી કાઢયો, અખે મંડળમાં ઉરમી જાગી રે,
દેવ ડુંગરપુરી સંતની સેવા, જાહેર આ વસ્તુ છે બહુ ઝીણી.
– અનુભવની વાતું છે અટપટી,…૦
સત્ગુરુ ઓહમ્-સોહમ્ દ્વારા પ્રાણની ગતિ સ્થિર કરવાની યોગકળા શીખવે છે. સૌ પ્રથમ સાધકની સુરતા-લગનીને નાભિકમળથી ચલાવીને ઈડા, પિંગલાને સુષ્ાુમ્ણા નાડીના સંગમ સ્થાને સ્થિર કરાવે છે. ત્યાંથી પ્રાણને સુષ્ાુમ્ણા નાડી દ્વારા કુંડલિની શક્તિને ઊંચે ચડાવવામાં આવે છે. જ્યારે સુરતા શૂન્યશિખરે પહોંચે ત્યારે સાધકની દરેક એષ્ાણાઓ બ્રહ્મઅગ્નિમાં બળીને ખાખ થઈ જાય છે.
નિરભે નામની નોબત ગગડી ઊઠે છે. વૃત્તિઓનું ઊર્ધ્વીકરણ થઈ જાય છે. કુબુદ્ધિરૂપી કોટ પડી જાય છે. માયલું મન મરી જાય છે. બ્રહ્મજ્ઞાનનો ભડાકો થાય છે. ત્રિગુણી માયાની ભ્રમણાઓ ભાંગી
થાય છે.
આપણા સંત- ભક્તો – વિચારકએ આત્મસાક્ષ્ાાત્કાર તથા બ્રહ્મ સાક્ષાત્કાર માટે અભ્યાસ, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ એમ ચાર રસ્તાઓ દ્વારા ચિત્તવૃતિઓનો નિરોધ કરવો એવો ઉપદેશ પ્રાચીન કાળથી જ આપ્યો છે. ને એ પંરપરા મુજબ સગુણ અને નિર્ગુણની ઉપાસના સદીઓથી થતી આવી છે.
સગુણોપાસક ભક્ત જે પરમ તત્ત્વને બહારના જગતમાં સાકાર સ્વરૂપે જુએ છે. એનાં દર્શન કરે છે એ જ તત્ત્વને પોતાના અંતરમાં કોઈ અકળ, અનિર્વચનિય, નિરંજન જયોત સ્વરૂપે જોનાર સંત નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક ગણાય છે. જ્યાં સુધી અવિદ્યાની ભ્રમણામાં જીવ આથડતો હોય ત્યાં સુધી એને આત્માની ઓળખ નથી થતી. પોતાનું સ્વત્વ (અહમ્) ઓગાળીને પોતાના આત્માની ઓળખાણ માટે પ્રભુમાં લીન થવું.
નિરંહકારી બનવું, સુખ કે દુ:ખની લાગણીનો અનુભવ ર્ક્યા વિના મનની સમતુલા જાળવી રાખવી અને હમેશાં પ્રભુ સ્મરણમાં રત રહેવું. જેમ જેમ મન સંસારમાંથી દૂર થઈને ભગવાનમાં લાગવાની તૈયારી કરે છે. તેમ તેમ સંસારના મોહ – માયાનાં બંધનો એને ઘેરી લેવા ડાચાં ફાડીને ઊભા જ હોય છે. એમાંથી તો સતગુરુ જ છોડાવી શકે. એટલે તો એક જૈન ધર્મના સિદ્ધ સંતકવિ બુદ્ધિસાગરજી મહારાજે ગાયું છે :
(કાફી)
એવા અજ્ઞાની અથડાણા, અથડાણા રે, સત વાતું નો સમજી શકે,
ઈ તો પોતાની હઠ પકડી, પકડી રે, મનમાં માને એવું બકે..
-એવા અજ્ઞાની અથડાણા…૦
સત્ય ન શોધ્યું અંતર નયણે, જડમાં માને ધર્મ,
ધરમ મરમનો ખ્યાલ કરે નૈ, બાંધે ઉલટાં કર્મ,
એવું અંધારૂં અજવાળે રે, કેજો કેમે ટકી રે શકે?
-એવા અજ્ઞાની અથડાણા…૦
જાનડીયા જેમ વર વિના, તેમ જ્ઞાની વિનાના ગ્રંથ,
નાક વિના જ્યમ મુખ ના શોભે, અનુભવી વિણ ત્યમ પંથ,
એવાં છીપલાં ચાંદી જેવાં રે, આઘે જોતાં ચકચકે..
-એવા અજ્ઞાની અથડાણા…૦
આપમતિ ત્યાં યુક્તિ ખેંચી, મતની તાણાતાણ,
કરતા કર્મ વધારે લોકો, સપ્ત નયોથી અજાણ,
એવા જ્ઞાનીની આગળ આવા રે, ક્યોને ક્યાંથી ટકી રે શકે..
-એવા અજ્ઞાની અથડાણા…૦
ભૂલ્યો કહેતાં ભૂલ ન ભાગે, પ્રગટે જો ઘટ જ્ઞાન,
ત્યારે ભ્રમણા ભ્રાંતિ ભાગે, આવે આતમ સાન,
એવું બુદ્ધિસાગર બોધે રે, અંતર સૂરે ઝગમગે..
-એવા અજ્ઞાની અથડાણા…૦

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.