Homeઈન્ટરવલજીવનમાં બદલાવ આવશે, ઘણું છોડવું પડશે - જરૂર છે ભીતરથી તૈયાર રહેવાની

જીવનમાં બદલાવ આવશે, ઘણું છોડવું પડશે – જરૂર છે ભીતરથી તૈયાર રહેવાની

કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા

આપણે જયારે બાળક હોઈએ ત્યારે માતા-પિતા કે અન્ય વડીલ વ્યક્તિનો હાથ મજબૂતીથી પકડીને ચાલીએ છીએ. કારણ એ હાથને પકડી રાખવામાં એક પ્રકારની સલામતી લાગે છે. અને જો કદાચ વડીલ હાથ છોડી દે તો બાળકને અસલામતીની ભાવના ઘેરી વળતી હોય છે. પણ બાળ સહજ ચંચળતા કંઈક નવું જુએ તો અનાયાસે જ હાથ છોડીને તેની તરફ કુતૂહલતાથી જવા લાગે છે. ત્યારે પેલી અસલામતી વચ્ચે આવતી નથી. કારણ? કારણ કે, ત્યારે પેલી સલામતીને છોડીને નવા તરફ વધવાની આપણી માનસિક તૈયારી હોય છે.
આ સલામતીની ભાવનાથી વ્યક્તિ કે વસ્તુને પકડી રાખવાની જે આંતરિક ઈચ્છા હોય છે તે મોટા થયાં પછી પણ છૂટતી નથી. તેને આપણે આદત કહીશું કે આપણું વ્યક્તિત્વ? પણ જીવનમાં કેટલીક વસ્તુઓને છોડી દેવાની તૈયારી પણ હોવી જોઈએ. દોડવીરની જેમ શરૂઆતની લઈને છોડીને આગળ દોડતાં આવડવું જોઈએ. કોઈ વસ્તુને છોડી દેવાની આઝાદી પોતાની જાતને આપણે આપવી જોઈએ.
છોડવા જેવું જીવનમાં ઘણું હોય છે. અવ્યવસ્થા, ભરોસાલાયક ન હોય તેવી સંગત અને તેવા લોકોથી દૂર ભાગો જે તમને નિમ્ન દર્શાવવાની કોશિશ કરતા હોય. તેવા લોકોથી પણ દૂર ભાગો જે ઝેરીલી વસ્તુઓને પણ વળગી રહીને તમને ગૂંગળામણની અહેસાસ કરાવતા હોય. આપણી આઝાદીનો ઉપયોગ કરીને આવી પરિસ્થિતિઓથી દૂર જવાની આપણે જરૂર છે. આપણે જેટલું કરીએ છીએ તેનાથી ઘણું વધુ. તમારી ગેરહાજરીની બીજા ઉપર શું અસર પડશે તેવું વિચારીને ડરવાની જરૂર નથી. પહેલા પોતાની જરૂરિયાતો ઉપર ધ્યાન આપો. ક્યારેક તો આપણને એ પણ ખબર નથી હોતી કે આપણે શા માટે ભાગી રહ્યા છીએ. જો તેના વિશે વિચારો તો સમજાશે કે તમે એ સ્થિતિનો સામનો નહોતા કરી શકતા. એવું પણ બની શકે કે ઘણી વધુ સામાજિક, આર્થિક અને રાજનૈતિક તાકાત રાખનારાઓ વચ્ચે તમે પોતાને અસહાય સમજતા હો અથવા મહેસૂસ કરતા હો.
પણ જે તમારા માટે ખોટું છે તેને છોડવું એક પોઝિટિવ નિર્ણય છે. વર્ષો પછી તમને એ સમજાશે કે તમે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવાથી ઇનકાર કર્યો હતો. તમે ઝૂકવા, ઢસડાવા અને લઘુતાના ભાવના દબાણથી પોતાને દૂર કર્યા હતા. પાછું વાળીને જોશો તો તમારી ચિંતા, કમજોરીની નિશાની નહીં લાગે.
હકીકતમાં તો તમારું સમગ્ર અસ્તિત્વ એ સ્થિતિનો વિદ્રોહ કરી રહ્યું હતું, જેને તે તમારા માટે યોગ્ય નહોતું માની રહ્યું. એ સમજી લો કે લોકો સાથે પણ તમારી હદ નક્કી કરી લેવી બહેતર રહેશે. લોકોથી અલગ પડી જવાના તમારા ડરથી બહાર આવતા શીખશો. જે લોકો નારાજ થવા ઉપર ભાર આપે છે, તેઓ મોટે ભાગે તે માટેના બહાના ગોતતાં હોય છે. કોઈને તમારી ભાવનાઓ સાથે રમત રમવા ન દો. તમને એ જાણીને આશ્ર્ચર્ય થશે કે તમે જે પ્રકારના લોકોથી ડરતા હતાં, એ તમારા મોટા બનવાની સાથે જ તમારી સાથે મિત્રભાવે વર્તશે. તમને એ વાતનું આશ્ર્ચર્ય થશે કે બદલાયું કોણ છે – તમે કે તેઓ?
તમારી નબળાઈઓની જેમ તમારા ગુણો પણ અલગ અલગ સંજોગોમાં અલગ અલગ પ્રતીત થશે. તમારા કામના સ્થળે તમારી સંવેદનશીલતાની કોઈ કિંમત ન પણ હોય. તમારો સંયુક્ત પરિવાર તમારી સહાનુભૂતિનો ફાયદો ઉઠાવી શકે છે. અને તમારા વિચારો જાણે તમારા માટે અવરોધ ઉત્પન્ન કરતા હોય તેવું પણ લાગે. સાથે એ પણ યાદ રાખો કે અયોગ્ય સંબંધો કે પરિવાર જ આપણને નુકસાન નથી પહોંચાડતા. યોગ્ય વ્યવસ્થા ન હોય તો સ્કૂલ કે કાર્યસ્થળ પણ આપણને નુકસાન પહોંચાડી શકે છે. દુનિયા પૂર્ણ નથી અને તમારો અંતરાત્મા તે સમજે છે. પણ મૂડીવાદી જીવન વ્યવસ્થા આપણી વિચારવાની ક્ષમતા બુઠ્ઠી કરી નાખે છે. આપણા માટે સમૃદ્ધિનો મતલબ ઘણા બ્રાન્ડેડ ઉત્પાદનો અને તેનો ઉપભોગ જ રહી ગયો છે. તેને કારણે જ આપણે તેનાથી દૂર થઇ શકતા નથી.
શું તમે પોતાના ઉપરથી સંયમ ગુમાવી બેસો છો? શું તમે સ્વયંને સારી રીતે ઓળખો છો? લોકો તમારા વિશે પૂછે ત્યારે તમે શું જવાબ આપો છો, તેના ઉપર ક્યારેય ધ્યાન આપ્યું છે? સંભવ છે કે દરેક પ્રશ્ર્નનો તમને યોગ્ય જવાબ ન ખબર હોય, પણ પ્રશ્ર્નો ઉપર વિચાર કરો, તે તમને તમારા પોતાના વિશે વધારે જાણકારી આપશે. જે જીવન હજી બાકી છે તેને નવી રીતે ફરીથી જીવવાની યાત્રા છે.
આપણા વિચારો બહારના સંજોગોથી પ્રભાવિત થઇ જાય છે. રાજનૈતિક દળો ઈચ્છે છે કે તમે સમજ્યા વિચાર્યા વિના વફાદારી નિભાવો. તો મીડિયાનો પ્રભાવ તમારી તટસ્થ વિચારવાની શક્તિને હણી નાખે છે. તેને કારણે આપણામાંથી ઘણા લોકો પોતાની વાત કહેવાનો વિશ્ર્વાસ ધરાવતા નથી અને પોતાના ઉપર વિશ્ર્વાસ કરવો પણ મુશ્કેલ બને છે. આપણને શું જોઈએ છે તે તો આપણે સમજી શકીએ છીએ, પણ એ નક્કી નથી કરી શકતા કે આપણે જે ઇચ્છીએ છીએ એ પામવા યોગ્ય છીએ કે નહીં. જે આપણું છે, આપણા માટે છે, તેના ઉપર પણ આપણે દાવો નથી કરી શકતા.
મોટા થવાનો અર્થ ભીતરના બાળપણને જીવતું રાખવો છે. જે માનસિકતાને કારણે સમસ્યા સર્જાઈ હોય, એ જ માનસિકતા તમારામાં જીવતી રહે તો તેનું સમાધાન કેવી રીતે મળે? અર્થાત કે આપણે આપણા અંતરાત્મામાં ડોકિયું કરીને, પરિસ્થિતિને માપી-તોલીને જવાબ ગોતવો પડશે.
મોટા થવાનો અર્થ એ પણ નથી કે હવે આપણું નુકસાન નહીં થાય. આપણને નકારવામાં પણ આવશે. આપણે જ્યાં રહેવા માંગતા હોઈએ ત્યાંથી આપણને જવા માટે પણ કહેવામાં આવી શકે.
મોટા થવાનો અર્થ દુ:ખ સહન કરવાની આપણી ક્ષમતા વધારવાનો છે. ગમે તે પરિસ્થિતિમાં ધીરે ધીરે આપણે પોતાને ફરી સંભાળી શકીએ છીએ. જો આપણે મનથી પરિવર્તન માટે તૈયાર હોઈશું તો ગુમાવેલું હાસ્ય પાછું મેળવી શકીશું. વધતી ઉંમરની અસર તમારા મન ઉપર નહીં થાય.
જો તમે તમારા ભીતર સાથે જોડાયેલા હશો તો તમે હંમેશાં નવેસરથી જીવવા ઉત્સાહિત થવાનો સ્ત્રોત પ્રાપ્ત કરતા રહેશો.

 

RELATED ARTICLES

Most Popular