પ્રાસંગિક-મૌસમી પટેલ

આજકાલ તો કોમ્પ્યુટરનો જમાનો છે અને નાના-મોટા સૌ કોઈ બસ કોમ્પ્યુટર અને કમાન્ડની ભાષા જ સમજે છે, પણ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે કોમ્પ્યુટરમાં ફાઈલ્સ, ફોલ્ડર્સ ડિલિટ કરવા માટેના જે કમાન્ડ આપવામાં આવ્યા છે એનો ઉપયોગ જો આપણે આપણી રોજબરોજની જિંદગીમાં કરીએ તો કદાચ જિંદગી જીવવાનું સહેલું લાગવા લાગશે અને જિંદગી સામે રહેલી આપણી ફરિયાદો ખતમ તો નહીં, પણ મહદંશે ઓછી ચોક્કસ જ થઈ જશે. જે રીતે કોમ્પ્યુટર અને મોબાઈલની મેમરી ફુલ થઈ જાય છે ત્યારે આપણે એમાંથી નકામાં કે પછી વણજોઈતાં ફોટો, વીડિયો અને ફાઈલ્સ ડિલિટ કરીએ છીએ એ જ રીતે આપણી જિંદગીની હાર્ડ ડિસ્કની મેમરી પણ ફુલ થઈ જાય ત્યારે તેમાંથી નકારાત્મક, મોરલ્સ ડાઉન કરતી યાદો કે ઘટનાઓને ડિલિટ કરવાનું એટલું જ જરૂરી બની જાય છે અને આજે આપણે એ વિષય પર જ વાત કરવાના છીએ.
આપણા મગજમાં કોમ્પ્યુટર સિસ્ટમની જેમ જ ઢગલો યાદો હોય છે, અલગ અલગ ફોલ્ડર્સમાં દુ:ખ-સુખ, ઘટના-દુર્ઘટના, ઉપલબ્ધિ-નિષ્ફળતા, પ્રેમ-નફરત, વિશ્ર્વાસ-વિશ્ર્વાસઘાત વગેરે વગેરે… આ બધી જ યાદોને દર થોડાક થોડાક સમયે ડિલિટ કરવી જરૂરી થઈ જાય છે, જેથી નવી વસ્તુઓ, નવી ઘટનાઓ, નવા લોકોની આપણા જીવનમાં એન્ટ્રી થઈ શકે. જોકે કોમ્પ્યુટર અને મગજની મેમરીમાં એક જ તફાવત હોય છે અને એ તફાવત એટલે એ કે કોમ્પ્યુટરની મેમરીની એક મર્યાદા હોય છે, જ્યારે મગજની મેમરી અનલિમિટેડ હોય છે અને તેની રેમ ક્યારેય ફુલ નથી થતી, પરંતુ વિચારો અને યાદોની આ અંતહીન ભૂલભૂલૈયામાં આપણું મગજ ક્યારેક હેંગ ચોક્કસ થઈ શકે છે. બસ આ મગજ હેંગ ન થાય એટલે જ આપણે આપણા જીવનમાં શિફ્ટ, ક્ધટ્રોલ, ડિલિટનો કમાન્ડ આપવાનું જરૂરી બની જાય છે.
યાદોની ટેમ્પરરી ફાઈલ્સ
આપણા બધા પાસે ભૂતકાળની અનેક યાદો હોય છે, કેટલીક સારી તો કેટલીક ખરાબ. બાળપણની કોઈ મીઠી યાદ તો યુવાનીમાં થયેલું પહેલું બ્રેકઅપ કે પછી કસમયે આપણી નજીકની કોઈ વ્યક્તિ અચાનક આપણને છોડી ગઈ હોય વગેરે વગેરે. આ બધા કેસમાં શૉકમાંથી બહાર આવવા આપણને સમય જોઈએ છે અને એક સમયે આપણને એવું લાગે છે કે આપણે એ ઘટનામાંથી બહાર આવી ગયા છીએ, પણ હકીકતમાં એવું હોતું નથી. મનના કોઈક ખૂણે એ દુ:ખભરી યાદો સચવાયેલી હોય છે અને અચાનક એક દિવસ તે માનસપટ પર ઊભરી આવે છે અને આપણને હેંગ કરી નાખે છે.
જોકે નિષ્ણાતોનું એવું માનવું છે કે આપણું મગજ ખરાબ કે દુ:ખી કરી નાખનારી યાદોને જાતે જ ડિલિટ કરી નાખે છે, તો આપણા મનમાં રહેલી કેટલીક યાદોની ટેમ્પરરી ફાઈલ્સ સમયની સાથે જાતે જ ભૂંસાવા લાગે છે. છેલ્લા કેટલાક સમયથી ન્યુરોલોજિકલ સ્કેનિંગ ટેક્નોલોજીમાં એટલી પ્રગતિ થઈ છે કે આવી યાદોને ભૂંસી નાખવાનું પહેલાંની સરખામણીએ વધુ સહેલું બની ગયું છે. આ પરથી શીખવાનું એટલું જ કે કોઈ પણ માણસ ક્યારેય ભૂતકાળમાં જીવી નથી શકતો, યાદો ભલે સારી હોય કે ખરાબ… જીવવાનું તો એને વર્તમાનમાં જ છે. એટલે આપણા વિચારોના કેન્દ્રમાં વર્તમાન જ રહે તો એ આપણા બધા માટે સારું રહેશે.
મેમરીનું સ્ટોરેજ
જ્યારે આપણે યાદોને ડિલિટ કરવા વિશે વિચારી રહ્યા છીએ ત્યારે એ જાણી લેવું પણ જરૂરી બની જાય છે કે આખરે આ યાદો તૈયાર કઈ રીતે થાય છે. વિશેષજ્ઞોના મતે પહેલાં મેમરી કોઈ ચોક્કસ જગ્યા પર સ્ટોર થાય છે એકદમ ન્યુરોલોજિકલ ફાઈલ કેબિનેટની જેમ જ, પણ વર્ષોના સંશોધન બાદ એવું જાણવા મળ્યું કે યાદોનો સીધેસીધો સંબંધ મગજ સાથે જ છે. કોઈ વસ્તુને યાદ કરવા માટે મગજ એનકોડિંગ, સ્ટોરેજ અને રિટ્રિવિલ જેવાં સ્ટેપ્સમાંથી પસાર થાય છે. વાત જાણે એમ છે કે મગજ અનેક પ્રકારના ન્યુરોન્સ અને બ્રેઈન સેલ્સને મળીને બને છે, ન્યુરોન્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે. કોઈ પણ નવી જાણકારી કે પછી ઘટના આ ન્યુરોન્સના નેટવર્કમાં આવી જાય છે, પરંતુ ઘટનાઓ ફિલ્ટર પણ થાય છે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે મગજમાં રહેલા હિપ્પોકેમ્પસ અને ફ્રંટલ કોર્ટેક્સની મદદથી મગજ એ જાણી શકે છે કે કઈ ઘટના કે યાદને સ્ટોર કરવાની છે અને કઈ ઘટનાને બહાર કાઢી નાખવાની છે. બીજી રીતે જોવા જઈએ તો હિપ્પોકેમ્પસ કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કનું કામ કરે છે મગજ માટે. એનકોડિંગના માધ્યમથી યાદો બને છે અને પછી તે સ્ટોર થાય છે. પહેલા સ્ટેપમાં ઘટનાઓ, યાદો શોર્ટ ટર્મ મેમરીમાં સ્ટોર થાય છે, પછી તે ફિલ્ટર થાય છે અને મહત્ત્વની વસ્તુઓ લોન્ગ ટર્મ સ્ટોરેજમાં સ્ટોર થાય છે. ત્રીજી પ્રક્રિયા હોય છે રિટ્રિવલની એટલે કે જ્યારે પણ આપણે કોઈ ઘટનાને યાદ કરવાનો પ્રયાસ કરીએ છીએ તો સ્ટોરેજમાં મેમરીની રિટ્રિવ કે રિકૉલ કરીએ છીએ.
ટૂંકમાં કહેવાનું થાય તો દિલ અને દિમાગને ખ્યાલ હોય છે કે કઈ વસ્તુને સ્ટોર કરવાની છે કે પછી ડિલિટ કરી નાખવાની છે. આ વસ્તુઓ ઈનબિલ્ટ હોય છે, તો પછી સારા-ખરાબના ચક્કરમાં મગજની મેમરીને ફાલતુમાં શું કામ વેડફવી?
શિફ્ટ, ક્ધટ્રોલ અને ડિલિટ
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાત એટલે શિફ્ટ, ક્ધટ્રોલ અને ડિલિટ… સાવ સીધી ભાષામાં વાત કરવાની થાય તો કોઈ ઘરમાં જો કોઈ દુ:ખદ ઘટના બને છે તો પરિવારના સભ્યોનો પ્રયત્ન એવો જ હોય છે કે એક વર્ષની અંદર જ કોઈ સારા પ્રસંગ કે પછી સારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે જેથી એ ખરાબ યાદોમાંથી બહાર આવી શકાય. માનવસહજ સ્વભાવ છે કે જ્યારે પણ આપણી સાથે કંઈક સારું થાય છે તો આપણે ઓટોમેટિકલી ખરાબ યાદો-ઘટનાઓને વિસારે પાડી દઈએ છીએ.
સંશોધકોની વાત પર વિશ્ર્વાસ કરવામાં આવે તો યાદોનું અસરકારક હોવું એ જ મહત્ત્વનું છે. એટલે કે સારી-ખરાબ બંને પ્રકારની યાદો મગજમાં પોતાની એક અલગ સર્કિટ બનાવે છે. વૈજ્ઞાનિકોએ માણસની મેમરી ટ્રાન્સફર કરવાની, તેને શિફ્ટ, ક્ધટ્રોલ અને ડિલિટ કરવામાં સફળતા મેળવી છે. એટલે કે નકારાત્મક યાદોને તેની સાથે સંકળાયેલા નર્વ સેલ્સને ઉત્તેજિત કરીને દવાની મદદથી તેનો નાશ કરી શકાય છે કે પછી તેના માધ્યમથી એડિટિંગ કરી શકાય છે. ખાસ કરીને ડિમ્નેશિયા, ડિપ્રેશન, અલ્ઝાઈમર, એન્ક્ઝાઈટી, પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ જેવી તમામ બાબતોમાં મેમરી એડિટિંગ જેવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. હમણાંની જ વાત કરવાની થાય તો બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આ સંબંધિત જ એક મોટું સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એક એવું પ્રોટીન છે જે ખરાબ યાદોને ભૂંસી નાખવામાં મદદરૂપ સાબિત થાય છે.
આ આખી આટલી લાંબી રામાયણ તમારી સમક્ષ કરવાનો અર્થ એટલો જ કે માણસ ઈચ્છે તો ખરાબ યાદો, ખોટા નિર્ણયો કે પસ્તાવા સાથે સંકળાયેલી યાદોને માત્ર શિફ્ટ કે ક્ધટ્રોલ જ નહીં, પણ જરૂર પડે તો ડિલિટ પણ કરી શકે છે. સો લાઈફમાં એક જ વાત મહત્ત્વની છે અને એ એટલે શિફ્ટ, ક્ધટ્રોલ અને ડિલિટ!

Google search engine