Homeપુરુષજીવન એ ઉતાવળ કે દોડધામ નથી એ આપણે ક્યારે સમજીશું?

જીવન એ ઉતાવળ કે દોડધામ નથી એ આપણે ક્યારે સમજીશું?

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

સ્પિરિચ્યુઅલ વેલ્થ વિશેની વાતોમાં આપણે અત્યાર સુધીમાં ઘણા મુદ્દા જોઈ ગયા. એ મુદ્દા એટલે ધ્યાન, યોગ અને ડિજિટલ ફાસ્ટિંગ. એ ઉપરાંત પણ આપણે બીજી કેટલીક વાતો કરી. પરંતુ એ બધીય વાતો કરવાનું જે મુખ્ય કારણ છે એ કારણ છે જીવન પ્રત્યેનો આપણો અભિગમ. અને એ અભિગમ મુજબ આપણે માની લીધું છે કે દોડધામ કરતા રહેવું કે ઉતાવળે જીવનના તબક્કાઓમાંથી પસાર થવું એ જીવન છે. આ કારણે આપણે કારણ વિનાની રેટ રેસ’માં શામેલ થઈ ગયા છીએ, જ્યાં જીવનના એક તબક્કે આપણે એ જ ભૂલી જઈએ છીએ કે આખરે આપણે દોડીએ શું કામ?
પરંતુ એ દોડ આપણને આંતરિક રીતે અત્યંત ખોખલા કરી દે છે અને અંતે આપણને જીવનની અર્થહીનતા નજરે પડવા માંડે છે. પણ એવું નથી. અર્થહીન તો પેલી દોડ છે, જે આપણે લગાવવાની જ નહોતી. પણ આપણે આપણી સમજણ કેળવાઈ એ પહેલાં દોડવાનું શરૂ કરી દીધું હતું અને ઉંમરના આ પડાવ પર આ મેળવવું જોઈએ અને સમાજમાં આ મોભો તો મળવો જ જોઈએ ને આર્થિક રીતે આટલું સ્ટેટ્સ જ જોઈએ જ ને પાંચ માણસ વચ્ચે આપણું વર્ચસ્વ તો રહેવું જ જોઈએ જેવી અનેક બાબતોને પામવા કે સિદ્ધ કરવા આપણે દોડતા રહ્યા.
જેને કારણે જ આપણે મનમાં ઉચાટને જન્મ આપ્યો, જેને કારણે જ આપણે મન અને શરીર બંનેને કષ્ટ આપ્યું અને છેલ્લે જ્યારે આપણે સરવાળો માંડ્યો ત્યારે આપણને સમજાયું કે જીવનની ખરી મજા તો આપણે લીધી જ નથી. એક રીતે જોવા જઈએ તો સાવ નાની લાગે એવી. પરંત જીવન માટે અત્યંત મહત્ત્વની કહેવાય એવી અનેક બાબતો માટે સમય જ નહીં ફાળવી શક્યા.
એ બાબતો એટલે સંતાનોને મોટા થતાં જોવા અને માતા-પિતાને વૃદ્ધ થતાં જોવા. આ બંને ઘટનાઓ આપણા જીવનમાં એકસાથે ઘટી રહી હોય છે, પરંતુ આપણે તો સો કોલ્ડ ટાઈમ જ ક્યાં મળે છે’ના ઓથા હેઠળ એ રીતે દોડતા રહ્યા કે આપણું સંતાન ક્યારે મોટું થઈ ગયું કે આપણા મા-બાપ ક્યારે વૃદ્ધ થઈ ગયા એની ખબર સુદ્ધાં નહીં પડી. આ બંને ઘટનાનું એક આગવું સૌંદર્ય છે. આ બંને ઘટનાઓનો એક આગવો આનંદ છે અને આ બંને ઘટના એ જીવનના એવા એક્સક્લુઝિવ અનુભવો છે કે એ એકવાર મિસ થાય તો ફરી નહીં માણવા મળે.
આ તો ઠીક આપણે શનિરવિની રજાઓને પણ આપણા વીકડેઝ જેટલી જ એવી પેક રાખી હોય છે કે આપણે સૂર્યાસ્ત કે સૂર્યોદય જેવી રોજ ઘટતી ઘટનાઓ ક્યારે અને કેવા સૌંદર્યથી ઘટી જાય છે એ જોવાનું ચૂકી જઈએ છીએ. આમ સાવ નાની બાબત છે. સાવ મફત પણ. પરંતુ આપણે આપણી દોડધામમાં એટલા વ્યસ્ત રહીએ છીએ કે આપણે એવી મહાન ઘટનાઓ આપણી આસપાસ ઘટતી હોવા છતાં એની ચેતનાથી અલિપ્ત રહીએ છીએ.
આ તો બે નાનકડાં ઉદાહરણો આપ્યા. પણ આ સીવાય બીજી અનેક એવી બાબતો છે, જે બાબતો હાથવગી હોવા છતાં, આપણે હ્રદયવગી કરી શકતા નથી. આપણને ખરી શાતા એ બાબતોમાંથી જ મળતી હોય છે. આ બધીય બાબતો કોઈ ચલણી નોટોમાં ખરીદી શકાતી નથી. પરંતુ આપણે છીએ કે ચલણી નોટોમાં ખરીદી શકાતી સગવડોને પામી લેવાની દોડધામાં વ્યસ્ત રહીએ છીએ.
પણ એક વાર પ્રયત્ન કરી જોજો. અલબત્ત, દોડધામ ન કરવી એટલે કામધંધા મૂકીને જૂનાગઢ કે ઋષિકેશ નીકળી પડવાની વાત નથી. પરંતુ જૂનાગઢ અને ઋષિકેશ પહોંચ્યા વિનાય આપણા અંતરને ભીનું રાખવાનું થાય છે અને એ માટે આપણે સહેજ ધીમા પડીને આસપાસના સૌંદર્યને કાન માંડીને સાંભળવાનું છે, ઝીણવટપૂર્વક નીરખવાનું છે. આપણે આપોઆપ સમૃદ્ધ થતાં જઈશું અને એ સમૃદ્ધિની સામે આપણે પૈસાથી મેળવેલું બધુ ય ફીક્કું, ઝાંખુ લાગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular