જીવન ઘસાઈને ઊજળા થવા માટે છે: કરુણામૂર્તિ રવિશંકર મહારાજ

ઇન્ટરવલ

નવી સવાર-રમેશ તન્ના

સંવેદનશીલતાને જન્મ લેવાનું મન થાય તો ચોક્કસ મૂકસેવક રવિશંકર મહારાજના સ્વરૂપમાં તે જન્મ લે. ગુજરાતને એકથી એક ચડિયાતા અનેક સમાજસેવકો મળ્યા છે, તેમાં રવિશંકર મહારાજ શિરમોર છે. તેમના વરદ્ હસ્તે પહેલી મે, ૧૯૬૦ના રોજ અમદાવાદના ગાંધી આશ્રમમાં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. કેવા હતા રવિશંકર મહારાજના વિચારો? તેમના વિશેની કેટલીક અજાણી અને હૃદયસ્પર્શી વાતો જાણીએ.
૧) રવિશંકર મહારાજે આખું જીવન લોકોને સાથે રાખીને લોકો માટે કામ કર્યું અને છતાંય એકલપંડે જ કામ કર્યું. તેમણે ક્યારેય કોઈ સંસ્થા સ્થાપી નહીં કે આશ્રમ ઊભો કર્યો નહીં. તેઓ ‘રવિશંકર મહારાજ’ કે ‘દાદા’ના લાડકા નામે ઓળખાતા હતા.
૨) ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ રવિશંકર વ્યાસનું વતન હતું. જોકે તેમનો જન્મ ૨૫મી ફેબ્રુઆરી, ૧૮૮૪ને મહાશિવરાત્રિના દિવસે મોસાળ રઢુ ગામમાં થયો હતો. તેમના પિતાજી શિવરામ વ્યાસ શિક્ષક હતા અને માતા નાથીબા ખૂબ જ ધાર્મિક વૃત્તિનાં હતાં.
૩) રવિશંકર મહારાજ ૧૯ વર્ષના હતા ત્યારે પ્લેગના ફાટી નીકળેલા રોગમાં તેમના પિતાજીનું અવસાન થયું હતું. એનાં ત્રણ વર્ષ પછી ફરીથી પ્લેગ ફેલાયો એમાં તેમનાં માતાનું મૃત્યુ થયું હતું. યુવાન રવિશંકરે પ્લેગ જેવા રોગને કારણે પોતાનાં માતા-પિતાને રિબાઈ રિબાઈને મરતાં જોયાં હતાં. એ પછી તેમણે આજીવન જનસેવાનો માર્ગ પસંદ
કર્યો હતો.
૪) ૨૧ વર્ષની ઉંમરે ૧૯૦૫માં બોરસદ તાલુકાના નાપા ગામનાં સૂરજબા સાથે તેમનાં લગ્ન થયાં હતાં. તેમને ચાર સંતાનો – મેઘાવ્રત, વિષ્ણુભાઈ, મહાલક્ષ્મી અને લલિતા હતાં.
૫) ૧૯૨૧માં ઘર છોડ્યા પછી તેમનું જીવન એક સંન્યાસી જેવું થઈ ગયું હતું. કોઈ પણ વાહનનો ઉપયોગ કર્યા વગર તે પગપાળા એક ગામથી બીજા ગામ જતા. ચંપલ કે બૂટ પણ પહેરતા નહીં.
૬) તેઓ કહેતા: ઘસાઈને ઊજળા થઈએ. જેમ કોશ ઘસાઈને ઊજળી થાય છે તેમ. કોશ જેમ જેમ ઉપયોગમાં આવતી જાય તેમ તેમ વધુ ને વધુ ઊજળી થતી જાય.
૭) તેઓ એમ પણ કહેતા કે… ઝાઝું ખાવું મહત્ત્વનું નથી, ઝાઝા લોકો ખાય તે મહત્ત્વનું છે.
૮) તેમને કેવાં કેવાં ઉપનામ મળ્યાં હતાં? સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક…
૯) ૧૯૨૦માં તેમનાં પગરખાં ચોરાઈ ગયાં, ત્યારથી તેમણે પગરખાં પહેરવાનું બંધ કર્યું હતું. ચાલી ચાલીને તેમના પગની ચામડી એવી જાડી થઈ ગઈ હતી કે કાંટો વાગતો તો કાંટો પણ ભાંગી જતો.
૧૦) ગુજરાતમાં સૌથી વધુ ચાલનારી વ્યક્તિમાં પૂજ્ય રવિશંકર મહારાજનો સમાવેશ કરવો પડે. એ ખૂબ ચાલતા. એક ગામથી બીજા ગામ તેઓ ચાલતા જ જતા. તેમને ચાલવામાં કદી થાક ન લાગતો. ભૂદાનમાં ૭૧ વર્ષની વયે તેઓ ૬,૦૦૦ કિલોમીટર ચાલ્યા હતા. ચાલતાં ચાલતાં ઊંઘ ખેંચી લેતા.
૧૧) તેમનું જીવન અત્યંત સાદું હતું. સાદગીને પણ શરમ આવે એટલું સાદું. તેઓ દીવાલને ટેકો દઈને એટલે ન બેસતા કે જેથી ઝભ્ભો ઘસાય નહીં અને ઝભ્ભો એટલો વધારે ચાલે.
૧૨) ઘણા લોકો એમ કહેતા કે ગાંધીજી અને રવિશંકર મહારાજ વચ્ચે માત્ર અંગ્રેજી ભાષાની જાણકારીનો જ ફરક હતો.
૧૩) રવિશંકર મહારાજ એક ટંક જ ખાતા. મુઠ્ઠીભર ખીચડી. એ પણ લુખ્ખી. એક વાર ગાંધીજીએ તેમનો મળ પણ તપાસેલો. મળ તપાસીને કહ્યું હતું કે મહારાજનું સ્વાસ્થ્ય સારું છે.
૧૪) તેમણે પોતાનાં પત્ની સૂરજબાને કહ્યું કે મકાન અને જમીન વેચીને રાષ્ટ્રને સમર્પિત કરી દઈએ. પત્ની ન માન્યાં તો પોતાના હક્ક જતા કરીને તેમણે રાષ્ટ્રને જીવન સમર્પિત કરી દીધું.
૧૫) ઝવેરચંદ મેઘાણીએ તેમના જીવન પર આધારિત નવલકથા ‘માણસાઈના દીવા’ લખી તેની બધાને ખબર છે, પણ પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર ‘જેણે જીવી જાણ્યું’ (૧૯૮૪) નવલકથા લખી હતી. યશવંત શુક્લએ પણ ‘વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ’ નામનું પુસ્તક લખ્યું છે.
૧૬) પહેલી મે, ૧૯૬૦ના રોજ અમદાવાદના ગાંધી આશ્રમમાં તેમના વરદ્ હસ્તે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું હતું.
૧૭) એ પછી તો છેક ૧૯૮૪ સુધી જે કોઈ વ્યક્તિ ગુજરાતના મુખ્ય મંત્રી બને તે સોગંદવિધિ પછી તરત જ મહારાજના આશીર્વાદ લેવા જાય તેવી પ્રણાલી થઈ હતી. જોકે પછી એ પરંપરા બંધ પણ થઈ.
૧૮) તેઓ શતાયુ થયા હતા. જન્મ: ૨૫ ફેબ્રુઆરી, ૧૮૮૪, (વિ. સં. ૧૯૪૦, મહા વદ ચૌદશ (મહા શિવરાત્રિ), જન્મ સ્થળ: રઢુ, ખેડા જિલ્લો, મૃત્યુ: પહેલી જુલાઈ, ૧૯૮૪, બોરસદ.
૧૯) તેમને પદ્મશ્રી કે એવો કોઈ એવોર્ડ અપાયો નહોતો. હા, ૧૯૮૪માં તેમની સ્મૃતિમાં ટપાલ-ટિકિટ બહાર પડી હતી.
૨૦) ‘જો ઈશ્ર્વર અદલાબદલી કરવા દે અને તમે ઉદાર થઈ જાઓ તો તમારી સાથે જરૂર અદલાબદલી કરું.’ ગાંધીજીએ તેમના માટે આવું કહ્યું હતું.
૨૧) જે કોટિના તુકારામ હતા, તે જ કોટિના આપણા રવિશંકર મહારાજ છે. – વિનોબા ભાવે
૨૨) ગુજરાતને બે રવિશંકર જબરજસ્ત મળ્યા. એક રવિશંકર મહારાજ, જેમણે સમાજની સંવેદનાને શિખરે પહોંચાડી. બીજા કલાગુરુ રવિશંકર રાવળ. જેમણે કલાને શિખર બક્ષ્યું.
૨૩રૂ ગાંધીનગરમાં ઘ-પાંચના સર્કલે રવિશંકર મહારાજની પૂર્ણ કદની ઊભી પ્રતિમા છે. એક જાણકારે કહ્યું હતું કે તેમના હાથમાં જે લાકડી છે, તેવી લાકડી મહારાજ ક્યારેય રાખતા નહોતા. લાકડીનું કદ નક્કી કરવામાં શિલ્પીની ભૂલ થઈ, મહારાજનું કદ માપવામાં આખા ગુજરાતની ભૂલ થઈ.
૨૪) એક જમાનામાં ગુજરાતમાં ગાંધીજી, સરદાર જેટલી જ લોકપ્રિયતા રવિશંકર મહારાજ ધરાવતા હતા. જોકે સ્વતંત્રતા પછી તેમણે ક્યારેય રાજકારણમાં આવવાનો વિચાર નહીં કરેલો…
૨૫) તેમની હાજરીમાં મહિલાઓ નીડર થઈને તેમની પાસે સૂઈ શકતી. મહિલાઓનો આટલો વિશ્ર્વાસ બીજો કોઈ પુરુષ ભાગ્યે જ જીતી શક્યો હતો…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.