આચમન -અનવર વલિયાણી
જગતકર્તા ઈશ્ર્વરે બ્રહ્માંડનું સર્જન કર્યા બાદ જો સૌથી વધુ બુદ્ધિશાળી પ્રાણીનું સર્જન કર્યું હોય તો એ માનવી છે.
પૃથ્વી પર રબ (પાલનહાર ઈશ્ર્વર)ની સૌથી મૂલ્યવાન ભેટ સમાન માનવીએ પોતાની અક્કલનો ઉપયોગ કરીને અનાદિકાળથી અત્યાર સુધી વિવિધ ક્ષેત્રે પ્રગતિ સાધી છે.
– આજના આધુનિક યુગમાં આપણું આરામદાયક જીવન આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે સાધેલી પ્રગતિ અને કરેલી વિવિધ શોધોનું પરિણામ છે.
– જિંદગી અર્થાત્ જીવન સુખદાયી બન્યું છે.
– જિંદગી જીવવાનો આપણે લહાવો માણી રહ્યા છીએ.
– જિંદગી ખૂબસૂરત છે.
– માણવા લાયક છે.
– સુખ અને દુ:ખ તો જીવનના બે પાસાં છે.
– તકલીફો, અવરોધો અને મુસીબતોનો પ્રતિકાર કરે, મુકાબલો કરે, એ જ ખરો માનવી ગણાય.
– ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે પણ જીવી જાણે એજ સાચો મનુષ્ય.
તહેવારો અને ઉત્સવો પાછળ ભલે ધાર્મિક શ્રદ્ધા અને આસ્થા સમાયેલી હોય, પરંતુ તેની પાછળનો ખરો મર્મ આપણે સમજીએ તો માનવીના જીવનમાં ખુશી હાંસલ કરવાનો તે ધ્યેય ધરાવે છે.
– તહેવારો એવો પ્રસંગ છે, જ્યારે અમીર (શ્રીમંત) અથવા ગરીબ દરેક તેને આનંદ સાથે ઉજવે છે.
– દિવાળી હોય કે ઈદ કે પછી નાતાલ અથવા પતેતી કે પછી ઓનમ અથવા અન્ય કોઈ પણ ધાર્મિક તહેવાર હોય. દરેક તહેવાર માત્ર સંબંધિત કોમ માટે જ આનંદનો અવસર બની રહેવા પામતો નથી, પરંતુ પરધર્મીઓ પણ તેમાં એટલા જ ઉત્સાહ અને ઉમંગની સાથે સામેલ થતા હોય છે અને એકબીજાને મુબારકબાદ (શુભેચ્છા) પાઠવતા હોય છે.
– બંધુત્વની અને સર્વધર્મ સદ્ભાવની દરેક ધર્મ શીખ આપતો હોવાની આપણને પ્રતીતિ થવા પામે છે.
– એ પ્રસંગ પૂરતી ખુશી પણ આપણને જીવન જીવવા માટેનું નવું જોમ અને મનોબળ પૂરાં પાડે છે.
વ્હાલા શ્રદ્ધાળુ વાચક મિત્રો!
આજે આપણા દેશમાં નિર્માણ થયેલી અમુક પ્રકારની પ્રતિકૂળ પરિસ્થિતિએ આપણા જીવનને અમુક હદે ડહોળાવી મુક્યું છે, પરંતુ છતાં આપણે વિષમ પરિસ્થિતિમાં પણ આવા અનિચ્છનીય પરિબળોની સામે ટકી રહ્યા હોવાની હકીકત આપણી સહિષ્ણુતા, એખલાસ અને સર્વધર્મ સદ્ભાવ પ્રત્યેની પ્રતિબદ્ધતાને જ આભારી છે.
બોધ:
વિશ્ર્વભરમાં અજંપાભરી પરિસ્થિતિ વચ્ચે પણ માનવી જિંદગી વ્યતિત કરી રહ્યો છે, કારણ કે તે મનોબળ અને આત્મવિશ્ર્વાસ ધરાવે છે.
– કદાચ અમુક જણ મનોબળ અને આત્મવિશ્ર્વાસના અભાવે (જેમાં આ લખનાર પણ ઓછાવત્તા અંશે સામિલ છે) પડી ભાંગતા હશે, પરંતુ મોટા ભાગના લોકો હિંમત હારતા નથી.
– જીવન તો ઈશ્ર્વરની એક અણમોલ દેણ છે અને તેને સદાચાર, વિનમ્રતા અને એખલાસ સાથે વ્યતિત કરવી રહી.
– કુબુદ્ધિ અને કુમાર્ગ ત્યજીને સદ્બુદ્ધિ અને સદ્માર્ગે ચાલીએ તો આપમેળે જીવન જીવવા જેવું, માણવા જેવું, પરોપકારી બનવા જેવું ભાસવા માંડશે.