સ્વાતંત્ર્યવીર હરિદાસ દત્ત-૪

ઉત્સવ

ઈતિહાસ પાછળનો ઈતિહાસ -પ્રફુલ શાહ

હરિદાસ દત્તના પગ ભલે કોન્સ્ટેબલ અલી હુસૈનનું અનુકરણ કરતા હતા, પણ મગજમાં ભળતા વિચારોનું રમખાણ જામ્યું હતું. જો પોતે પકડાઈ જાય તો મોટી ઉપાધિ ઊભી થાય. ગમે તેમ કરીને આનાથી પીછો છોડાવીને ભાગવું જ પડે. પણ શું કરવું… કરવું શું?
અચાનક હરિદાસે આગળ ગલીમાં રેતીનો ઢગલો જોયો. મગજમાં એક ચમકારો થયો. તેમણે જોરથી રેતીના ઢગલામાં પોતાનો પગ ખોંસી દીધો. પછી બૂટ બહાર કાઢવા અને રેતી ખખેંરવાના દેખીતા બહાના સાથે નીચે નમ્યા. અલી હુસૈનના ધ્યાનમાં ન આવે એ રીતે તેમણે મુઠ્ઠીભર રીતે ઊંચકી લીધી પછી હરિદાસે પગની ઝડપ વધારી. અલી હુસૈનની સાથે ચાલવા માંડ્યા. તક મળતા જ રેતી કોન્સ્ટેબલની આંખ પર ફેંકી અને પછી મુઠ્ઠીવાળીને પાછળ જોયા વગર ભાગવા
માંડ્યા.
કોન્સ્ટેબલ અલી હુસૈનને કંઈ ખબર ન પડી. આંખ ચોળતા ચોળતા તેણે બૂમાબૂમ શરૂ કરી: ‘પકડો, પકડો… ગુંડા, ડાકુને પકડો…’ એવો અવાજ સાંભળીને બે નૌજવાન હરિદાસ પાછળ દોડ્યા. હરિદાસે એકને તો એવો મુક્કો ઝિંકી દીધો કે એ નીચે બેસી પડ્યો અને બીજા પરથી કૂદીને ગલીની અંદર ઘૂસી ગયા.
હવે નવી સમસ્યા સામે આવી, હરિદાસ દત્ત આ વિસ્તારની ભૂગોળથી અજાણ. મુઠ્ઠીવાળીને ગલીમાં ભાગ્યા પણ આગળ જતા ખબર પડી કે આગળ જતાં ગલી પૂરી થતી હતી. હવે? આ તરફ કોન્સ્ટેબલની બૂમાબૂમ અને બે યુવાનો સાથે થયેલી ઘટનાને કારણે મહોલ્લામાં ધાંધલધમાલ મચી ગઈ હતી. હવે બે-પાંચને બદલે લગભગ ૧૦૦ જેટલા માણસો ભાગેડુ ગુનેગારને પકડવા માટે ભેગા થઈ ગયા હતા. એમની ચકળવકળ નજર ચારે તરફ ફરી રહી હતી.
આ તરફ અન્ય કોઈ વિકલ્પ ન દેખાતા હરિદાસ પોતે જ રસ્તેથી ભાગીને આવ્યા હતા એ જ રસ્તે પાછા જવા માટે મજબૂર થઈ ગયા. આમાં એક જ શક્યતા હતી અને એ જ થયું. હરિદાસ પકડાઈ ગયા.
પોલીસ મથકે લઈ જવાયા બાદ હરિદાસ દત્તે નિડરતાથી પોતાનું સાચું નામ જણાવી દીધું. તરત પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે સ્પેશ્યલ બ્રાંચના પોલીસ સુપરિનટેન્ડન્ટ ટેગાર્ટને માહિતી આપી. હરિદાસ દત્ત નામ સાંભળતા જ ટેગાર્ટે તાકીદ કરી કે પૂરેપૂરા સલામતી બંદોબસ્ત સાથે પકડાયેલા આરોપીને કેદમાં રાખો. એના નામે રોબર્ટ ઓબ્રાઈન કેસનું વોરંટ પણ છે.
બ્રિટીશ શાસન માટે આ શાસ્ત્રોની લૂંટ મોઢા પર સણસણતા તમાચા જેવી હતી એટલે ખુદ ટેગાર્ટની હાજરીમાં ગોદામમાંથી બૉક્સ જપ્ત કરાયા, જેમાંથી ૨૧,૨૦૦ કારતૂસ મળી આવી. પછી તો આ લૂંટ કેસમાં કુલ ચૌદ જણાની ધરપકડ કરાઈ આમાંથી ચાર ક્રાંતિકારીને જ કોર્ટમાં સજા થઈ. હરિદાસ દત્તને આર્મ્સ એક્ટ હેઠળ બે વર્ષની અને રોડ્ડા કોન્સપીરન્સી કેસમાં બે વર્ષ મળેને કુલ ચાર વર્ષની સજા થઈ.
હરિદાસ બાબુએ આગઉ પણ મોટી હિમ્મત બતાવી હતી. એ કેસ ૧૯૧૨નો હતો. એલેકઝાન્ડર જ્યુટ મિલના અંગ્રેજી એન્જિનિયર રોબર્ટ ઓબ્રાયનની હત્યાના પ્રયાસમાં તેમનું નામ બહાર આવ્યું હતું. આ ઈજનેરે એક ભારતીય કલાર્કને લાત મારી હતી એટલે એને સબક શીખવવાનો ઈરાદો હતો. આ યોજના અમલમાં મૂકાય એ અગાઉ પોલીસને જાણકારી મળી ગઈ હતી અને બધાએ ભૂગર્ભાવસ્થામાં જતા રહેવું પડ્યું હતું.
હરિદાસ દત્તને ચાર વર્ષની કઠોર સજા દરમિયાન મિદનાપુર સેન્ટ્રલ જેલ, પ્રેસિડન્સી, સેન્ટ્રલ, બકસા અને ઢાકાની જેલમાં રખાયા. ક્રાંતિકારીને એક જ સ્થળે લાંબા સમય સુધી રખાતા નહોતા. ૧૯૧૮માં સજા પૂરી કરીને બહાર આવ્યા કે તરત હરિદાસને ફરી પકડીને રાજકીય કેદી તરીકે કૃષ્ણનગર જેલમાં ધકેલી દેવાયા. ત્યાંથી બિહારની હઝારીબાગ જેલમાં લઈ જવાયા.
ઈ.સ. ૧૮૨૨માં જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમનું આઠ વર્ષની કેદમાં તેમનું વજન ૬૦ કિલો ઘટીને ૪૯ કિલો જેટલું થઈ ગયું હતું, પરંતુ ત્યાર બાદ તેઓ સતત ભૂગર્ભમાં સંતાતા રહ્યા.
આ અવધિમાં તેઓ આઠ મહિના વઝિરીસ્તાન રહ્યા ત્યાંથી આવીને એક જહાજમાં નોકરીએ લાગી ગયા, જેમાં ફિલિપાઈન્સ, જાવા, સુમાત્રા સહિતના દેશોમાં ગયા. ૧૯૨૮માં આ નોકરી બાદ પોતાના ઘરે પાછા ફર્યા.
પરંતુ અંદરનો ક્રાંતિકારી કંઈ શાંત થોડો બેસે? ૧૯૩૦માં ઢાકામાં વિનય બોસની આગેવાનીમાં પોલીસ વડા લોમનની હત્યા થઈ, એમાંય હરિદાસ દત્ત સામેલ. ૧૯૩૦થી ૧૯૩૫ વચ્ચે ક્રાંતિકારીઓએ એક પછી એક પાંચ મોટા ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટને મારી નાખ્યા. બંગાળના મિદનાપુરમાં તો બ્રિટિશરો સામે એટલો ભયંકર આક્રોશ કે કોઈ ગોરો અધિકારી ત્યાં મેજિસ્ટ્રેટ તરીકે જવા તૈયાર ન થાય.
આવા સંજોગો વચ્ચે ફરી ૧૯૩૧માં પોલીસે હરિદાસ દત્તની ધરપકડ કરી, તે છેક ૧૯૩૮ સુધી જેલમાં રાખ્યા. ત્યાંથી છૂટ્યા બાદ હરિદાસ આસામના ગાઢ જંગલમાં જતા રહ્યા અને કંઈને કંઈ કામ કરતા રહ્યા.
પાંચ વર્ષ બાદ એટલે ૧૯૪૩માં અંગ્રેજોની હકાલપટ્ટી માટે લગભગ આખો દેશ કમર કસી ચૂક્યો હતો, ત્યારે હરિદાસ કલકત્તા પાછા ફર્યા.
ધોળા દિવસે એકે ગોળી ચલાવ્યા વગર કે લોહીનું ટીપું પાડ્યા વગર થયેલી રોડ્ડા કંપની આર્મ્સ હેઈસ્ટને આપણે ભૂલાવી દીધી છે. હરિદાસ દત્ત (૧૬ નવેમ્બર, ૧૮૯૦-૨૯ ફેબ્રુઆરી ૧૯૭૬)ને દિલથી સલામ. (સંપૂર્ણ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.