LGએ કેજરીવાલની સિંગાપોર મુલાકાતની ફાઇલ ફગાવી, કહ્યું- કાર્યક્રમ CM લેવલનો નથી

દેશ વિદેશ

LGએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સિંગાપુર મુલાકાતની ફાઇલ પરત કરી છે. આ વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો હતો. ઓગસ્ટમાં સિંગાપોરમાં 8મી વર્લ્ડ સિટીઝ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. તેમાં હાજરી આપવા માટે દિલ્હીના સીએમ કેજરીવાલને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કેજરીવાલે આ આમંત્રણ સ્વીકારીને એલજી ઓફિસને તેમની ફાઇલ મોકલી હતી.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ ‘આઠમી વર્લ્ડ સિટીઝ સમિટ અને ડબલ્યુસીએસ મેયર્સ ફોરમ’માં હાજરી આપવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો સીએમ કેજરીવાલનો પ્રસ્તાવ પરત કર્યો હતો. એલજીએ તેમને આ કોન્ફરન્સમાં હાજરી નહીં આપવાની પણ સલાહ આપી હતી. એલજીએ જણાવ્યું હતું કે, પહેલી નજરે જોતા એવું લાગે છે કે આ મેયરોની કક્ષાની મીટિંગ છે. આ મીટિંગ મુખ્ય પ્રધાનની હાજરીને અનુરૂપ નથી.
એલજીએ કહ્યું કે ફોરમની પ્રકૃતિ અને અન્ય ઉપસ્થિતોની પ્રોફાઇલનો કાળજીપૂર્વક અભ્યાસ કરવાની સાથે કોન્ફરન્સમાં શું ચર્ચા થઈ રહી છે એ તમામ બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ મુખ્ય પ્રધાનના સ્તરનો નહીં, પરંતુ મેયરના સ્તરનો છે. LG એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે GNCTD
(Government of the National Capital Territory of Delhi) પાસે કોન્ફરન્સની થીમને લગતા મુદ્દાઓ પર વિશિષ્ટ અધિકારક્ષેત્ર નથી અને તેથી મુખ્ય પ્રધાને આ મીટિંગમાં હાજરી આપવી અયોગ્ય રહેશે.
થોડા દિવસો પહેલા તેમની સિંગાપોરની સૂચિત મુલાકાત માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવામાં વિલંબથી નારાજ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ એક મહિના કરતાં વધુ સમયથી મંજૂરી મેળવવા માટે રાહ જોઇ રહ્યા છે. તેમણે તેમની સિંગાપોરની મુલાકાત માટે પરવાનગી આપવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે આ વર્લ્ડ સમિટમાં ભાગ લઇને તેઓ તેમના વિચારો વ્યક્ત કરશે અને દેશનું નામ રોશન કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.