Homeઆમચી મુંબઈચલો રાણીબાગ!!! ફૂલ, પાનથી બનેલાં કાર્ટૂન્સને જોવા.

ચલો રાણીબાગ!!! ફૂલ, પાનથી બનેલાં કાર્ટૂન્સને જોવા.

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ભાયખલામાં આવેલા વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાનમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ઉદ્યાન-પ્રદર્શન યોજવાનું છે. આ પ્રદર્શનમાં ફૂલ, પાનથી બાળકોનાં પ્રિય કાર્ટૂનનાં પાત્ર બનાવવામાં આવવાના છે. આગામી ત્રણ ફેબ્રુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધી આ પ્રદર્શન યોજાવાનું છે.
આ વર્ષે રાણીબાગમાં યોજાઈ રહેલું પ્રદર્શન લોકોમાં ખાસ આકર્ષણરૂપ બની રહેવાનું છે. દર વર્ષે એક નવી થીમ પર પાલિકાના ઉદ્યાન ખાતા દ્વારા વાર્ષિક ઉદ્યાન પ્રદર્શન રાખવામાં આવે છે, જેમાં આ વર્ષે નાનાં બાળકોને ધ્યાનમાં રાખીને કાર્ટૂન્સનાં પાત્રો ફૂલ અને પાન પરથી બનાવવામાં આવવાના છે. પેપા પિગ ફેમિલી, માશા એન્ડ ધ બિયર, સિલ્વહેસ્ટર વગેરે ફૂલ-પાનથી બનેલા જોવા મળશે. એ સાથે જ પાન-ફૂલથી સેલ્ફી પોઈન્ટ આકર્ષણરૂપ બની રહેશે.
એ સિવાય કુંડામાં મોટા કરવામાં આવેલાં ફળ, શાકભાજી, મોસમી ફૂલઝાડ, ઔષધિ વનસ્પતિ, બોનસાય જેવા સેંકડો પ્રકારનાં ઝાડ-વનસ્પતિ પણ જોવા મળશે. તેમ જ મુંબઈ પરિસરમાં અત્યંત દુર્લભ કહેવાતા કૃષ્ણવડ જેવા અનેક દુર્લભ દેશી પ્રજાતિના ઝાડ સહિત આ વખતે પ્રદર્શનમાં ‘જી-૨૦’ સભ્ય દેશના ઝાડ અને શાકભાજી તથા ફળો પણ જોવા મળશે.
કોવિડ મહામારીને કારણે બે વર્ષ બાદ આ વર્ષે આ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. ૨૦૧૬ની સાલથી રાણીબાગમાં આ પ્રદર્શન યોજાઈ રહ્યું છેે, જેમાં ૨૦૨૦માં મુંબઈના ઐતિહાસિક સ્થળો જેવા કે ગેટ-વે ઓફ ઈન્ડિયા, ભારતની પહેલી ટ્રામ ટ્રેન, કાપડની મિલ અને તેના પરની ચીમની જેવી પ્રતિકૃતિ પાન-ફૂલથી ઊભા કરવામાં આવે છે. ૨૦૧૮માં જળચર થીમ પર પ્રદર્શન હતું, જેમાં જલપરી, ડોલ્ફિન, સ્ટારફિશ, ઓક્ટોપસ, કાચબા, બતક, મગર, ખેકડા જેવાં જળચર પ્રાણીઓ ફૂલ-પાનથી ઊભા કરવામાં આવ્યાં હતાં. ૨૦૧૭ની સાલમાં ‘સ્વચ્છ મુંબઈ-સુંદર મુંબઈ’ની થીમ પર પ્રદર્શન હતું.
પાલિકાના આ ઉદ્યાન પ્રદર્શનમાં આવનારા પર્યટકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ૨૦૧૬માં ૫૦,૦૦૦ મુંબઈગરાએ તેની મુલાકાત લીધી હતી. તો ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦ની સાલમાં લગભગ દોઢ લાખ નાગરિકોએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રદર્શનમાં સવારના ૧૨ વાગ્યાથી સાંજના ૮ વાગ્યા સુધી રહેશે. તેમાં પ્રવેશ વિનામૂલ્ય હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular