Homeધર્મતેજગુલતાન બનીએ

ગુલતાન બનીએ

ગીતા-મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં જાણ્યું કે ભગવાનના સ્વરૂપમાં પક્ષપાત વગેરે કોઈ જ દોષ નથી. હવે ગીતા ભગવાનમાં અનન્યભાવથી જોડાવાની ચાવી આપે છે.
વનમાં ખીલેલું કાચું કુસુમ હોય કે બગીચાનું વિકસિત પુષ્પ, તેમાં સુગંધ ને રંગ તો જોઈએ જ. એક કક્ષને અજવાળતો નાનો ‘બલ્બ’ હોય કે પૃથ્વી પટના તમને વિદારતો ‘સૂર્ય’ હોય પ્રકાશ તો જોઈએ જ. કૃષિક્ષેત્ર હોય કે ઋષિક્ષેત્ર, અભ્યાસ હોય કે ઉદ્યોગ, જો પ્રગતિ કે સફળતા જોઈએ તો તે ક્ષેત્રમાં અનન્યભાવ અનિવાર્ય છે. નિમ્ન કે ન્યૂન વ્યક્તિ પણ જો પોતાના ક્ષેત્રમાં ગુલતાન થાય તો આગળ વધે જ છે.
હા, જો રસ-રુચિ-એકવૃત્તિ હોય તો આંધળો પણ હિમાલય સર કરે ને તે વિના દેખતો કેવળ આંધળાને જ જોયા કરે. પોતાના ક્ષેત્રમાં અનન્ય રુચિ દુર્બળને પણ બળવત્તર કરી દે અને તે વિના બળવાન પણ માયકાંગલો ઠરે. આ જ અનન્યતાનો મહિમા કહેતાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-
अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् ?
साधुरेब स मन्तव्यः स्मयग्वयवसितो हि सः
(૯-૩૦)
અર્થાત જો અતિશય દૂરાચારી પણ ભગવાનને અનન્ય રીતે ભજે તો તે સાધુ જ સમજવો કારણકે તેની સમગ્ર વૃતિ-ક્રિયા એ પરમાત્માના આકાર થઈ ગઈ છે.
આ જ અનન્યતાની વાતને ઓજસ્વી અંદાજથી આંકતાં માર્ટિન લ્યુથર કિંગે
કહ્યુ હતું-
Set out to do such a good job that the living, the dead or the unborn couldn’t do it any better. If it falls your lot to be a street sweeper, sweep streets like Michelangelo painted pictures, sweep streets like Beethoven composed music. So the heaven people may say, ‘Here lived a great street sweeper who did his job well.
અર્થાત્ આપણે સૌ શ્રેષ્ઠ કાર્ય ક૨વા માટે જ સર્જાયા છીએ અને પ્રત્યેક કાર્ય એવી સારી રીતે કરો કે જીવતા કે મૃત્યુ પામેલા કે ન જન્મેલામાંથી કોઈને તે સુધારવું ન પડે. જો તમારા ભાગ્યમાં હાથમાં ઝાડુ લઈ શેરી સાફ કરવાનું આવે તો નીકળી પડો અને તે શેરી પણ એવી રીતે સાફ કરો કે જાણે માઇકલ એન્જેલો શિલ્પ તૈયાર કરી રહ્યો હોય, રાફેલ ચિત્ર દોરી રહ્યો હોય, બિથોવન સંગીતને સુરબદ્ધ કરતો હોય કે શેક્સપિયર કવિતા લખી રહ્યો હોય. તે શેરી એવી રીતે વાળો કે તમને જોઈ પ્રત્યેક પૃથ્વીવાસી અને સ્વર્ગવાસી ઘડીક થંભી જાય અને બોલી ઊઠે કે ‘જુઓ, જુઓ, અહીં એક મહાન શેરી વાળનારો છે, જે તેનું કાર્ય સારી રીતે કરી
રહ્યો છે.’
ત્રેતાકાળના વાલિયા અનન્ય રીતે પ્રભુમાં ગુલતાન થયા તો વાલ્મિકી’ સર્જાયા ને રામાયણની ભેટ મળી. આફ્રિકા દેશમાં પોલીસ કર્મચારી જેનાથી ડરતા એ સુભાષભાઈ પટેલ કુખ્યાત હતા પરંતુ વિશ્ર્વવંદનીય પ્રમુખસ્વામી મહારાજમાં એવા ગુલતાન થયા કે ઉચ્ચ ભક્ત થયા અને તેઓના ધામગમન સમયે અખિલ બી.એ.પી.એસ સંસ્થાએ શ્રદ્ધાંજલિ આપી.
હા, આંબાને કેરી આપતાં સમય તો લાગે તેમ પરિવર્તન પણ દીર્ઘકાળ અપેક્ષિત છે. છતાં જે સંપૂર્ણત: પોતાનાં કાર્યમાં જ ગુલતાન થાય તેને સ્વયં મહાનતા શોધતી આવે છે. તેથી જ આગળના શ્ર્લોકમાં ગીતા કહે છે;
“જે મારામાં જ ગુલતાન બને છે તે શીઘ્રતાથી ધર્મશીલ બની શાંતિ પ્રાપ્ત કરે છે અને મારા ભક્તની ક્યારેય અધોગતિ થતી નથી.
ખરેખર જે ગુલતાન બને છે તેને તરત જ સિદ્ધિઓ વરદાન રૂપે મળે છે અને તેની રક્ષા સ્વયં ભગવાન કરે છે. આપ સુજ્ઞ વાંચકોને જરૂર જિજ્ઞાસા થાય કે ગુલતાન બનવા કરવું શું? તો ગીતામાતા ચોથા અધ્યાયમાં ત્રણ પગથિયાં દર્શાવે છે શ્રદ્ધા, તત્પરતા અને સંયત-ઇન્દ્રિયતા (સંયમ)
જેમ બાલ્યાવસ્થામાં ધ્રુવે છ માસ સુધી કઠિન તપ આદર્યું એ ખરેખરી શ્રદ્ધા છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ એકવાર કહ્યું, “હૈયામાં જ્ઞાન તો ઘણું છે પણ કોઈ પાત્ર થાય તો દઈએ. ત્યારે તત્ક્ષણે શિષ્ય પ્રાગજી ભક્તે કહ્યું શું મને એ જ્ઞાન ન આપો? એ જ્ઞાન એમણે સિદ્ધ કર્યું. અદ્ભુત તત્પરતા અને સંયમ એટલે પાંચ ઇન્દ્રિયોને પોતાના ધ્યેયથી વિરુદ્ધ જતી અટકાવવી ને કેવળ લક્ષ્યમાં જ પરોવવી.’ રામાયણમાં લક્ષ્મણજીએ સીતા માતાના ચરણ સિવાય બીજે દૃષ્ટિ પણ નહોતી કરી ને સતત ૧૪ વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કર્યો હતો. કેવો અદભુત સંયમ ?!
તો ચાલો, પોતપોતાના પુણ્યક્ષેત્રમાં ગુલતાન બની આ વિશ્ર્વને એક આનંદમય સ્થાન બનાવીએ. મહાન સતપુરુષોના આ માર્ગે આગળ વધીએ.

RELATED ARTICLES

Most Popular