ચાલો કરુણા અપનાવીએ, કોરોનાથી દૂર રહીએ

આમચી મુંબઈ સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણની સરવાણી -મુકેશ પંડ્યા

દેવોના ગુરુ બૃહસ્પતિ અને દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય. આ બન્નેના ગુરુ શિવ. જેમ કોઇ એક ઉત્પાદક કોઇ વસ્તુનું ઉત્પાદન કરે તો તેનો સારો-નરસો બન્ને પ્રકારનો ઉપયોગ કરવાવાળા હોય એમ શિવ પાસે દેવો સાથે દૈત્યો પણ જ્ઞાન-વરદાન લે. શિવજી બન્ને પ્રકારના લોકોને જેવાં કર્મો કરવાં હોય તેવાં કર્મ કરવાની છૂટ આપે છે, પણ અંતે સત્યનો વિજય થાય એની તકેદારી પણ રાખે. શિવજીને તમે આ દુનિયાના સહુ પ્રથમ શિક્ષક કહી શકો. શિવજીના અનેક સ્વરૂપથી આપણે ઘણું શીખી શકીએ એમ છીએ. ચાલો, ૧ ઑગસ્ટ ને શ્રાવણિયા સોમવારથી શરૂ થયેલી આ શ્રેણીને આગળ ધપાવીએ.
પદાર્થ પાઠ ૬
ચાલો કરુણા અપનાવીએ, કોરોનાથી દૂર રહીએ
ગઇ કાલે કર્પૂરગૌરં વિશે જાણ્યા બાદ આજે આપણે કરૂણાવતારં એવા શંકર ભગવાન વિશે જાણીએ.
દયાભાવ કે કરુણાની બાબતમાં શંકર ભગવાનને કોઇ પહોંચી ન વળે. રાક્ષસો પર પણ દયા દાખવનારા કોઇ ભગવાન હોય તો તે છે કરુણાવતારં દેવાધિદેવ મહાદેવ.
પ્રાણી માત્ર પર કરુણા વરસાવવા માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ છે. આ મહિનાઓમાં માંસાહારીઓ પણ માંસાહાર ત્યજી દે છે. ભાદરવામાં ગણપતિબાપા પધારશે. ઘણા મરાઠી બંધુ-ભગિની જે બારે માસ માંસાહાર કરતા હોય એ લોકો પણ આ સમયગાળામાં એવા ભોજનનો ત્યાગ કરી શાકાહાર અપનાવે છે. લાડુ-મોદક જેવા સાત્વિક આહાર અપનાવી આનંદમાં રહે છે. માંસાહાર અને અધ્યાત્મને તો સંબંધ છે જ, પણ માંસાહારને આરોગ્ય સાથે પણ સંબંધ છે એમ આજનું વિજ્ઞાન કહે છે. કોરોના કે પ્લેગ જેવા ચેપી રોગો વિસ્તરવાનું એક કારણ માંસાહારનો અતિરેક પણ છે.
ભગવાન શંકરે તો લોકો ખેતી કરીને શાકાહાર અપનાવે એ માટે નંદીને પૃથ્વી પર મોકલી દીધો હોવાની કથા પણ તમે સાંભળી હશે. ગાયનું દૂધ અને બળદ દ્વારા થતી ખેતી એ ભારતીય સંસ્કૃતિના અભિન્ન અંગ ગણાતા હતા. ભગવાન પ્રાણીમાત્ર પર પ્રેમ અને કરુણા રાખવાનું શીખવે છે તે એટલે સુધી કે તેઓ સર્પને પણ ગળે લગાડે છે. આપણે ત્યાં શ્રાવણ મહિનામાં નાગપૂજાનો મહિમા છે તે એ દર્શાવે છે કે વિષયુક્ત નાગને પણ પકડીને જંગલમાં છોડી આવો પણ તેને મારશો નહીં. બીજી બાજુ આપણે જોઇએ છીએ કે કેટલાય લોકો માંસાહાર અપનાવે છે અને વિવિધ બીમારીઓનો ભોગ પણ બને છે. શ્રાવણ મહિનો સત્વને પામવાનો મહિમા છે. ઉપવાસ કે ફળાહારનો મહિનો છે તે પણ ઉચિત જ છે. ગીતામાં પણ સાત્વિક આહારની વ્યાખ્યા કરતા શ્રીકૃષ્ણે કહ્યું છે કે જે ભોજનમાં રસ હોય, મધુરતા હોય એ સાત્વિક આહાર છે. મતલબ કે ફળો, ફળોના રસ કે દૂધ-ઘીને ભગવાને સાત્વિક કહ્યા છે. શ્રાવણમાં ભગવાન શંકરનો જે પાંચ તત્ત્વથી અભિષેક કરાવવામાં આવે છે તે તત્ત્વો પણ શાકાહારી છે. દૂધ, ઘી, શેરડીનો રસ, દહીં અને મધ વડે તેેમને સ્નાન કરાવાય છે. વનસ્પતિનો ઉપયોગ કરો. પ્રાણીમાત્ર પર કરુણા રાખો એવો સંદેશ આપણને કરુણાવતાર એવા શંકર ભગવાન પાસેથી શીખવા
મળે છે.
ઘણા શિક્ષિત વિદેશીઓ પણ હવે ભારતની શાકાહારી પદ્ધતિ અપનાવી રહ્યા છે ત્યારે આપણા સંતાનો માંસાહારને ફેશન ગણી અપનાવી રહ્યા છે તેને માટે શંકરનો આ કરુણાવતાર લાલબત્તી સમાન છે. હિંસક પ્રાણીઓ માંસાહાર કરે એ તેમની પ્રકૃતિ છે. માણસ પણ પહેલાં પ્રાકૃત હતો ત્યારે હિંસક હતો, પરંતુ શંકર ભગવાને નંદી મોકલીને માણસને કૃષિ-સંસ્કૃતિ અપનાવવાનો
અનુરોધ કર્યો.
શ્રાવણ મહિનામાં કરુણાવતારં શ્રી શંકરના દર્શન કરીને હવે નક્કી કરવાનું છે કે પ્રકૃતિને વશ એવા આપણે પ્રાણીઓ પર અત્યાચાર કરીને વિકૃતિ તરફ ગતિ કરવી છે કે પછી પ્રાણીમાત્ર પર કરુણાભાવ રાખીને સંસ્કૃતિ તરફ પ્રગતિ કરવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.