હિંસાના ડરથી છોડાવે એ વ્યાઘ્રચર્મધારી, પાશવી બંધનોથી મુક્ત કરે એ પશુપતિ!

આમચી મુંબઈ સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણની સરવાણી -મુકેશ પંડ્યા

ભગવાન શિવનું એક નામ પશુપતિનાથ પણ છે. તેઓ દેવગણ, દાનવગણ અને ભૂતગણોની જેમ પશુગણોના પણ સ્વામી છે. પાળી શકાય તેવા ગાય કે નંદી હોય, વિષેલા સર્પ હોય કે હિંસક સિંહ-વાઘ હોય બધાને કાબૂમાં માત્રને માત્ર શિવ જ રાખી શકે. ભગવાન શિવને એક બાજુ ભોળાનાથ કહીએ, અહિંસક કહીએ છીએ તો બીજી બાજુ તેઓ વાઘને મારીને તેમની ચામડીનાં વસ્ત્રો કેમ પહેરે છે. આસન તરીકે વ્યાઘ્રચર્મનો ઉપયોગ કેમ કરે છે તે જોઈએ.
વાઘ એ હિંસાનું પ્રતીક છે. ભગવાન હિંસાને વિસ્તારવામાં નહીં, પણ એને દબાવી દેવામાં માને છે. હિંસા વકરે તો સર્વનાશ જ થાય છે. આજે વાતવાતમાં દેશમાં અનેક જાતના ભડકાવનારા આંદોલનો થાય છે. ઘણા ટોળાઓ હિંસક હુમલાઓ પણ કરે છે. જો આવી હિંસાખોરીને દબાવવામાં ન આવે તો દેશની માલમિલકત અને નાગરિકોના જાનમાલને જ નુકસાન થવાનું. અહિંસક આંદોલનોથી કોઇની જાનહાનિ થતી નથી. ભગવાન શિવ અહિંંસક નંદીને છૂટો મૂકી રાખે છે. અન્યો સાથે સંદેશાઓની આપ લે કરવા તેઓ આ વૃષભનો જ ઉપયોગ કરે છે, પરંતુ વાઘની હિંસક પ્રવૃત્તિ અને અંહકારને ફાડી તેને દબાવી રાખે છે. કૃષ્ણ ભગવાને પણ ગાયો ચરાવી જ્યારે વિષેલા નાગનું દમન કર્યું. આપણા દરેક દેવીદેવતા અનેક પ્રકારના અસ્ત્રો-શસ્ત્રો ધારણ કરે છે. જોકે તેઓ ક્યારેય હિંસાની શરૂઆત નથી કરતાં, પણ હા જો સામેવાળો બેકાબૂ બનીને હિંસકવૃત્તિ ધારણ કરે તો તેને નાથવા શસ્ત્રોનો ઉપયોગ કરતા અચકાતા નથી.
એક વાર્તા છે. શિવજી એક વાર વનમાં વિહરતા હતા ત્યારે રસ્તામાં એક મોટો ખાડો દેખાયો. આ ખાડામાંથી ઋષિમુનિઓએ ઉછરેલો અને તાલીમ આપેલો વાઘ કૂદીને બહાર આવ્યો અને શિવ પર હુમલો કરવા લાગ્યો. શિવે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેનો નાશ કર્યો અને તેની ચામડીનું વસ્ત્ર બનાવી પહેરવા લાગ્યા. વ્યાઘ્રચર્મને જ આસન બનાવી બેસી ગયા. અહીં વાઘને ડરના પ્રતીક તરીકે જોવાનું છે. ડર તમને દબાવે એ પહેલા ડરને તમે દબાવી રાખો. ઘણા લોકો શરીરની બીમારીથી નહીં, પણ બીમારીના ભયથી મરી જતાં હોય છે. નીડર માણસ એક જ વાર મરે છે. ડરપોક માણસ રોજેરોજ મરતો હોય છે. શિવજી ડરથી છૂટવાનો સંદેશ તો આપે છે સાથે સાથે પાશવી બંધનમાંથી છોડાવી મુક્તિ પણ અપાવવા સક્ષમ છે એટલે જ તેમનું નામ રટતાં આપણે ઓમ પશુપતયે નમ: એમ પણ કહીએ છીએ. પશુને બાંધી રાખવા પડે છે. ભવના ચક્કરમાં પડેલો માણસ પણ અનેક પાશવી વૃત્તિનો શિકાર છે. તેનો વ્યવહાર ક્યારેક જંગલી પશુઓ કરતાં પણ વધુ બદતર હોય છે. માણસ તેની પશુવૃત્તિ છોડીને માનવ બને અને માનવ મટીને દેવકક્ષાએ પહોંચે એ જ કલ્યાણકારી દેવ પશુપતિનાથની ઇચ્છા છે. એ વાઘને મારીને એ સંદેશ આપે છે કે તમે તમારી પાશવી વૃત્તિને મારી નાખો તો પશુ જેવા પાશના બંધનમાંથી મુક્ત થઇ જશો. ભવે ભવે જન્મ લેવો-મૃત્યુ પામવું. જન્મ-મરણના ચક્કરમાં બંધાવું એ પણ માણસ માટે ભયકારક છે. ભવના ડરથી અર્થાત ભવના ભયથી મુક્ત થવું હોય તો પશુપતિનાથને યાદ કરો અને અત્યાચારી, હિંસક પાશવીવૃત્તિ તેમ જ ભયકારી પાશવી બંધનથી મુક્તિ મળે તેવી પ્રાર્થના શ્રાવણ મહિનાના આ છેલ્લા દિવસોમાં જરૂર કરી લેજો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.