ગમે તે સ્થિતિમાં જીવનમાં સકારાત્મકતાનો સૂર્યોદય કરી જીવનને રોશન કરીએ

ઉત્સવ

ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા

કેમ છો મારા વહાલા વાચકમિત્રો? સુંદર મજાની સવાર છે. વિમાન યાત્રા કરી રહી છું. આખી ફ્લાઇટ ભરેલી છે. બધાએ માસ્ક પહેર્યાર્ં છે. ફરજિયાત. કહે છેને કે આપણે વાનરમાંથી માનવ બન્યા છીએ! અત્યારે ખરેખર દરેક માનવો માસ્ક સાથે વાનરની ભાવના અને વાનરની અનુભૂતિ ચોક્કસ આપી શકે છે. હાહાહા…
જેને આપણે સુંદર મજાની એરહોસ્ટેસ કહીએ છે તેઓ કોન્સ્ટન્ટ એક જ સૂચના આપ્યા કરે છે કે મોઢા પર માસ્ક રાખી મૂકો ને નાક અને મોં ઢાંકી રાખો. માસ્ક મોઢા પર મૂકો. નાક અને મોં ઢાંકી રાખો. નહીંતર તમને દંડ થશે. બીજી બાજુ દરેક સીટ પર બેઠેલા માણસો નજીક મોઢાં લઈ જઈ એકબીજાની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. માસ્કને કારણે પેલી વાતો કરવામાં તકલીફ પડેને? અને વાતો તો કરવી જ પડે! ભલેને સવારના છ વાગ્યાની ફ્લાઇટ કેમ ન હોય સાહેબ, વાતો તો કરવી પડે! એમાં સૌથી વધારે મજાની કોમેડી: હું બેઠી પહેલી હરોળમાં અને મારી બાજુમાં કોઈ નથી. એટલે ઘણા બધા લોકો મારા પર નજર કરે છે.
એમાં થયું એમ કે જમણી બાજુની મારી સીટ આખી ભરેલી અને ડાબી બાજુની પહેલી હરોળમાં એક જ ભાઈ બેઠા હતા. તેમણે સામેથી મને વિનંતી કરી કે દેવી, તમે સામેની હરોળમાં બેસશો, મને મારા મિત્ર સાથે બેસવા દો.
આપણે તેમને ઉત્તર આપ્યો કે ચોક્કસ તમે ત્રણ મિત્રો આનંદ લ્યો, કારણ માસ્ક પહેરીને પણ બધા એકબીજાની નજીક નજીક મોઢાં લઈ જઈને, ડિસ્ટર્બ ન થવા ને ન કરવા માટે એકબીજાની વધારે નજીક જઈને વાતો કરે છે. હાહાહા…
આ ત્રણ અંકલ ફૂડની વાત કરી રહ્યા છે, જે મારો જાણકારીનો વિષય છે. એક કહે કે હું તો ફ્લાઈટમાં ખાઉં જ નહીં. હું તો આમ કરું જ નહીં. મારી પાછળ જે કપલ બેઠું છે, એ હાથમાં હાથ પરોવીને બહાર આકાશમાં જોઇને પોતાનાં સ્વપ્નો સંજોવી રહ્યું છે. પાછળ થોડું જોવા જઈએ તો અમુક કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્ઝ નીંદર લઈ રહ્યા છે અને અમુક ફ્લાઈટમાં પોતાના કામમાં વ્યસ્ત છે. બીજી બાજુ પાછળથી અનુભૂતિ કરું તો બાળક મમ્મીને હેરાન કરી રહ્યું છે. રડી રહ્યું છે કે મા, મને આ કયા પાંજરામાં લઈ આવી…
આ બધું એકસાથે ધમાધમ ચાલી રહ્યું છે. ફ્લાઇટ ટેકઓફ થવાનો સમય થયો છે. સાથે આપણે પણ ટેકઓફ કરીએ જીવનમાં.
સુપ્રભાતમ્ સાથે શરૂઆત કરીએ. રવિવારને ઘરે બેઠાં ઉત્સવસહ માણવાની તૈયારી કરીએ, કારણ કે બહાર તો બધી જગ્યાએ ધમાધમ થઈ રહી છે. હવે આવી ધમાધમમાં આપણે શાંતિથી આપણી જીવન નૈયા પાર પાડવી હશે તો આંતરિક શાંતિની ખૂબ આવશ્યકતા રહેશે અને શાંતિ આપણને ત્યારે આવે જ્યારે આજુબાજુનું વાતાવરણ શાંતિમય હોય. આપણને જરા કમ્ફર્ટ મળે. આરામ મળે. કંઈક વિચારવાની સ્પેસ મળે.
આપણે જાણીએ છીએ કે હવે ફ્લાઇટ સ્ટેશન બસ સ્ટેશન જેટલાં જ ભીડભાડવાળાં હોય છે અને ત્યાં પણ પોતાનો બોર્ડિંગ પાસ આવ્યો? પોતાનું લગેજ આવ્યું કે નહીં? એની હૈયાવરાળમાં જ લોકોના શ્ર્વાસ ઉપર હોય છે. એમાં જો… ટ્રાફિકમાં મોડું થયું હોય તો પ્રભુસ્મરણ થવાનાં શરૂ થઇ જાય છે અને ઘણી વાર તો શ્ર્વાસ એટલો લોકોનો અધ્ધર ચડી જાય છે કે પ્રભુસ્મરણ પણ ભુલાઈ જાય છે અને સ્ટાફ સાથે ઝઘડાઝઘડી, ધમાચકડી સવાર સવારમાં થતી હોય છે. એવામાં કોઈકની ફ્લાઇટ છૂટી પણ જાય. જેની ટેકઓફ થઈ જાય તે વાદળાંઓને જોઇને સુંદર રીતે સમય પસાર કરે. જેમ આજનું આકાશ કંઈક અલગ કહી રહ્યું હતું. આજની સવાર કંઇક અલગ કહી રહી છે.
આપણે અત્યારે અંતરીક્ષનો ખૂબ અભ્યાસ કરી રહ્યા છીએ. એક તાદૃશ્ય જોયેલા અનુભવની વાત કરું. સ્પેસ આપણામાં છે ને આપણે સ્પેસમાં છીએ. બધું એકબીજાની અરસપરસ, આજુબાજુ, એકબીજાની અંદર, એકબીજાની સાથે ફરી રહ્યું છે. આ બધા તાણાવાણા કદાચ જોડાયેલા છે. પિક્ચર હોત તો દેખાડત. એક જ ફ્રેમમાં સૂર્ય દાદા, અંતરિક્ષ, આકાશ, વાદળાં, પર્વતો, પાણી, માનવ વસાહતો અને ઊંડી ખીણ. આ બધું જ એકસાથે મેં જોયું. એક ફ્રેમમાં. માટે હું કહું છું કે જેમ આપણે ભાઈભાંડુંઓ માટે ખાસ વપરાય છે કે ‘એ બે એક સ્વરૂપ અંતર નવ ધરશો. ભોળા ભવાનીને ભજતાં ભવસાગર તરશો’ એવું જ કંઈક મને પણ થયું કે આપણે બધા એકમાંથી અને એકમેક સાથે સંકળાયેલા છીએ અને સમાયેલા છીએ એટલે કહી શકાય કે આપણી હાનિ, કુદરતની હાનિ. કુદરતની હાનિ આપણી હાનિ. આપણું જીવન કુદરતની સુંદરતા અને કુદરતની સુંદરતા આપણું જીવન.
આપણા જીવનની વાત થઇ છે તો પહેલું પગલું માંડીએ વિચારો અને મનની સુંદરતા તરફ. મનની સુંદરતા જીવન અને સ્વાસ્થ્ય સારું કરે છે. તો ચાલો અમુક સારા વિચારો તમારી સામે વહેતા મૂકીએ. વાંચી અંદરના આકાશને ઉઘાડીએ અને ગમે તે પરિસ્થિતિ કેમ ન હોય આપણે આપણા જીવનમાં સકારાત્મકતાનો સૂર્યોદય કરીએ અને એના તેજથી આપણા જીવનને રોશન કરીએ, સાથે પ્રેમની વર્ષામાં ભીંજાઇએ. થોડું હાસ્ય વિખેરીએ જેથી મન હળવું થાય, જેમ કે…
૧) વિશ્ર્વ યોગ દિવસનો સંદેશ.
તમે ઊંડા શ્ર્વાસ લો કે ન લો તો ચાલશે, પણ બીજાને રાહતના શ્ર્વાસ લેવા દો… હાહાહા!
૨) જજ: હું તમારાં પત્નીને ભરણપોષણના ૧૦ હજાર મંજૂર કરું છું.
પતિ : થેંક્યુ જજ સાહેબ, એમ તો વચ્ચે વચ્ચે હું પણ થોડા થોડા મોકલતો રહીશ! હાહાહા…
૩) બૈરાંઓની માગણી છે કે કૂકર એવું હોવું જોઈએ જે સીટી સાથે નંબર પણ બોલે…
૧… ૨… ૩… એમ… કેમ કે આ વોટ્સએપ, ફેસબુક વગેરેના ચક્કરમાં કેટલી સીટીયું થઈ તે ભુલાઈ જાય છે! હા હા, સાચી વાત છે.
૪) પુત્ર: પપ્પા, તમને ડાયાબિટીસ નથી તો મને કેમ થયો?
પપ્પા: બેટા, ડાયાબિટીસ વારસાગત નહીં, પણ સંગતથી આવે છે. તારી બાનું નામ કડવીબહેન છે એટલે મને ડાયાબિટીસ ન થયો અને તારી ઘરવાળીનું નામ સ્વીટી છે અને વળી પાછો તું આખો દિવસ હની, હની કહીને બોલાવ્યે રાખે છે એટલે તને થયો!
૫) માણસ પોતાનો એ ચહેરો તો ખૂબ સજાવે છે જેના પર લોકોની નજર હોય છે, પણ આત્માને સજાવવાની કોશિશ કોઇ નથી કરતું જેના પર પરમાત્માની નજર હોય છે.
૬) જીવવું થોડું ને મનમાં શું લેવું.
છે બધું આપણું, એ ભ્રમમાં શું રહેવું!
બહુ વધુ નફરતનો ડેટા
રાખવામાં રિસ્ક છે.
આપણામાં માત્ર એક જ હાર્ટ છે
ક્યાં વધારાની ડિસ્ક છે…
૭) કાલે સાંજે મેડિકલ સ્ટોરવાળો જોર જોરથી હસતો હતો.
મેં કીધું કાં લ્યા, શું થ્યું? કાં આટલા બધા દાંત કાઢે?
તો ઈ કે યોગ દિવસ હતોને… તો મારે બધાય કમરના બામ વેચાઈ ગ્યા..! (જ્યોત સે જ્યોત જલાતે ચલો)
યોગ સે યોગ જગાતે ચલો…
પ્રેમ કી નૈયા બહાતે ચલો.
નોંધ: સાતે દિવસની એક એક હાસ્ય કેપ્સૂલ ખાતા રહેજો.
જીવનને સકારાત્મક બનાવતા રહેજો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.