જડત્વ છોડો, જળત્વ અપનાવો

ઇન્ટરવલ

ચાલો, ચાતુર્માસમાં પાણીને ગુરુ બનાવીએ

ફોકસ -મુકેશ પંડ્યા

હાલ ચોમાસું પુરબહારમાં છે. નદીઓ ગાંડીતૂર બની છે. દરિયાનાં મોજાં હિલોળા લઈ રહ્યાં છે. તળાવો છલકાઈ રહ્યાં છે. ચારેબાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ત્યારે પાણી પાસેથી જેટલું શીખવા મળે તેટલું શીખી લેવું જોઈએ. દત્તાત્રેય ભગવાને જે ૨૪ ગુરુ બનાવ્યા હતા એમાંના એક ગુરુ એટલે પાણી. ગયા અઠવાડિયે જ આપણે ગુરુપૂર્ણિમા ઊજવી. ચાલો, આજે પાણી પાસેથી પૂર્ણતા પામવાના પાઠ શીખી હાલના ચોમાસાને સાર્થક બનાવીએ.
પાણી પાસેથી પહેલો પાઠ એ શીખી શકાય કે એ ગમે તેટલી મુસીબતો સામે ગભરાયા વગર પોતાનો માર્ગ શોધી લે છે. ખળખળ વહેતાં નદી-ઝરણાં આડે અનેક પથ્થરો-ખડકો આવે, ગમે તેટલા ભારે ચઢાવ-ઉતાર આવે, એ પોતાનાં વહેણ બદલીને પણ પોતાના માર્ગે આગળ વધતાં જ રહે છે. ગંતવ્યસ્થાને પહોંચીને જ રહે છે. આપણે પણ દરેક મુસીબતોને પાર કરી જરૂરિયાત અનુસાર પોતાનામાં બદલાવ આણી લક્ષ્યાંકની પ્રાપ્તિ અર્થે આગળ વધતા જ રહેવું જોઈએ.
પાણી પાસેથી શીતળતાનો ગુણ શીખી શકાય. ગમે તેવા સંજોગોમાં જે વ્યક્તિ ક્રોધિત નથી થતી. મન-મસ્તિષ્કને ઠંડાં રાખે છે એ વ્યક્તિ જીવનમાં વહેલી-મોડી સફળતા પ્રાપ્ત કરીને જ રહે છે.
પાણી શુદ્ધતા લાવે છે. પાણીથી કોઈ પણ મલિન વસ્તુને ધોઈને સાફ કરી શકાય છે. પાણીથી કપડાં, વાસણ, ફર્શ કે દીવાલ કોઈ પણ વસ્તુને સાફ તો કરી જ શકાય છે એટલું જ નહીં, આપણા શરીરને પણ સાફ કરી શકાય છે.
શરીરની જ શું કામ, મનની ગંદકીને પણ પાણીથી સ્નાન કરીને શુદ્ધ કરી શકાય છે. આપણા ધર્મમાં કોઈ પણ પાઠ-પૂજા હોય, યજ્ઞકાર્ય હોય કે પછી મરણ પછીની શ્રાદ્ધ ક્રિયા હોય, જળસ્નાન કરવાનું અતિ મહત્ત્વ છે. દેવદેવીઓને પણ જળાભિષેક અતિ પ્રિય હોય છે, કારણ કે પાણી જ એવું તત્ત્વ છે જે તન-મનને શુદ્ધ કરે છે. તમારા મનમાં થતું હશે કે પાણી કોઈ વસ્તુ કે શરીરને તો શુદ્ધ કરે, પણ મનને કેવી રીતે શુદ્ધ કરી શકે તો ચાલો આપણે એ પણ જોઈ લઈએ.
તમારા મનમાં ક્યારેક ગુસ્સો આવે તો બોલીને બફાટ કરવાને બદલે શીતળ જળ પી લેજો. ક્રોધની માત્રા ઘણી ઓછી થઈ જશે. તમારા મનમાં ખોટી વાસના પેદા થાય તો તરત મસ્તક પર શીતળ પાણી રેડી દેજો. વાસનાનું શમન થઇ જશે. તમે કોઈ માઠા સમાચાર સાંભળો તો સ્નાન કરી લેજો. આઘાત સહન કરવાની શક્તિ આવશે. સ્વજનના મરણથી જે શોકની લાગણી કે આઘાત ઉત્પન્ન થાય છે તેને દૂર કરવા જ આપણે ત્યાં સ્નાન કરવાનો રિવાજ છે.
પાણીથી આપણે ફ્લેક્સિબિલિટી અર્થાત્ લવચિકતાનો ગુણ પણ શીખી શકીએ છીએ. જેમ પાણીને કોઈ પણ આકારના પાત્રમાં ભરીએ તો એ સરળતાથી તેમાં ઢળી જાય છે એમ આપણે પણ જીવનમાં આવતી પરિસ્થિતિ કે સંજોગોમાં આપણી જાતને ઢાળી દેવી જોઈએ.
પાણીનો પોતાનો કોઈ રંગ નથી. તેમાં જે રંગ નાખીએ એ રંગનું તે બની જાય છે. અત્રે હિન્દી ફિલ્મ ‘શોર’નું એક ગીત યાદ આવે છે:
પાની રે પાની… તેરા રંગ કૈસા?
જિસ મેં મિલાયે… લગે ઉસ જૈસા.
પાણીને કોઈ સ્વાદ પણ નથી. તેમાં સાકર નાખો તો એ ગળ્યું બની જાય. મીઠું નાખો તો એ ખારું બની જાય છે. તો વળી લીંબુ નીચોવીએ તો ખાટું બની જાય છે. આ જ તો એનું જળત્વ છે. કોઈ પણ સ્થળ, સમય કે સંજોગો સાથે અનુકૂલન સાધી લે છે. જડ ચીજવસ્તુઓ પોતાનામાં કોઈ જાતનો ફેરફાર લાવી શકતી નથી. તેમનું અક્કડપણું તેમને ભારે પડે છે. જડ ચીજવસ્તુઓ પર તલવારનો ઘા કરીએ તો તેમના ટુકડેટુકડા થઈ જાય છે, પરંતુ પાણી પર કેટલાય ઘા કરો એને ખંડિત કરી શકાતું નથી.
જડ પદાર્થ એક જ જગ્યાએ સુસ્ત થઈને પડ્યો રહે છે. જ્યારે પાણીનો વહેવાનો ગુણ તેને ચેતના અર્પણ કરે છે. પાણીની પ્રવાહિતા જ સૃષ્ટિને ગતિમાન કરે છે. માર્કેટમાં પણ રોકડ નાણાંનો સરળતાથી વિનિમય શક્ય બને ત્યારે લિક્વિડિટી (પ્રવાહિતા) જેવો શબ્દ વપરાય છે. જીવનમાં ગમે તેટલી સમસ્યાઓ આવે ત્યારે જડ બની જવા કરતાં તેમના કારમા ઘાને સહન કરતા રહેવું અને વહન કરતા રહેવું એ આપણને પાણી પાસેથી શીખવા મળે છે.
વનસ્પતિ હોય કે પ્રાણી, દરેકના પોષણ માટે પાણી અનિવાર્ય છે. માણસનું શરીર હોય કે પૂરી જગતસૃષ્ટિ, સિત્તેર ટકા ભાગમાં પાણી રહેલું છે. આ જ વાત તેની ઉપયોગિતા અને અનિવાર્યતા સમજાવે છે. આપણે પણ આપણાં કાર્યોની સુવાસ વડે ઘરમાં, ઓફિસમાં, સમાજમાં કે દેશ માટે આપણી ઉપયોગિતા અને અનિવાર્યતા સાબિત કરવી જોઈએ.
ગુરુ-શિષ્યની વાત આવે. કશુંક શીખવા-શીખવવાની વાત આવે ત્યારે પરીક્ષા કે કસોટીનો સમય પણ આવે.
પાણી ઉત્તમ શિક્ષક તો છે જ, પણ તેનામાં ઉત્તમ પરીક્ષક બનવાનો ગુણ પણ છે. આજકાલ અસંખ્ય પ્રમાણમાં મકાનો બંધાઈ રહ્યાં છે. આ બાંધકામની ગુણવત્તાની કસોટી ચોમાસા દરમ્યાન થઈ જાય છે. મકાનની દીવાલ કે છતમાંથી જો પાણી ગળતું હોય તો સમજી લેવું કે બાંધકામમાં ક્ષતિ રહી ગઈ છે.
ઉનાળા કે શિયાળા દરમ્યાન રસ્તાઓની ગુણવત્તાનો ખ્યાલ નથી આવતો, પરંતુ જેવો વરસાદ શરૂ થાય ત્યારે ખબર પડી જાય કે આ રસ્તાઓ પાસ થયા કે નાપાસ.
આપણી બહાદુરી કે સાહસિકતાની કસોટી થતી હોય ત્યારે એવો વાક્યપ્રયોગ થાય છે કે કોનામાં કેટલું પાણી છે એ મપાઈ જશે. કમજોર વ્યક્તિને નપાણિયાની ઉપમા અપાય છે. અહીં ‘પહચાન’ ફિલ્મનું એક ગીત યાદ આવે છે:
કૌન કૌન કિતને પાની મેં સબકી હૈ પહચાન મુજે.
પાણી શિક્ષક પણ છે અને પરીક્ષક પણ છે.
‘ચાલો, પાણી પાસેથી ઘણું શીખીએ,
જડત્વ છોડીએ, જળત્વ અપનાવીએ!’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.