બ્રાઝિલ: બ્રાઝિલના દિગ્ગજ ફૂટબોલર પેલેનું નિધન થયું હતું. . તેઓ ૮૨ વર્ષના હતા. તેમની દીકરી કેલી નેસિમેન્ટો ઇન્સ્ટાગ્રામ પર આ અંગેની જાણકારી આપી હતી. પેલે કોલોન કેન્સર સામે લડી રહ્યા હતા. પેલેને તાજેતરમાં જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પેલેને અત્યાર સુધીના મહાન ફૂટબોલ ખેલાડીઓમાંના એક ગણવામાં આવે છે અને તેમણે ત્રણ વખત ફિફા વર્લ્ડ કપ જીત્યો હતો.
બ્રાઝિલના મિનસ ગેરૈસ રાજ્યમાં જન્મેલા મહાન ફૂટબોલર હજુ પણ સેલેકાઓ (બ્રાઝિલ) માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. તેમણે ૯૨ મેચમાં ૭૭ ગોલ કર્યા છે. એક પ્રોફેશન્સ ફૂટબોલર તરીકે પેલેએ કુલ ત્રણ
વખત (૧૯૫૮, ૧૯૬૨, ૧૯૭૦) ફીફા વર્લ્ડ કપ જીત્યો છે. ત્રણ વર્લ્ડ કપ જીતનાર પેલે એકમાત્ર ખેલાડી છે.
પેલેનું અસલી નામ એડસન અરાંતેસ ડો નેસિમેન્ટો હતું, પરંતુ તે પેલે તરીકે જાણીતા હતા. તેમનો જન્મ ૨૩ ઑક્ટોબર, ૧૯૪૦ના રોજ બ્રાઝિલના ટ્રેસ કોરાકોએસમાં થયો હતો. તેમને ફિફા દ્વારા ‘ધ ગ્રેટેસ્ટ’નો ખિતાબ પણ મળ્યો હતો. પેલેએ ત્રણ લગ્ન કયાર્ં હતા. તેમને કુલ સાત બાળકો છે.
પેલેને ૨૯ નવેમ્બરે શ્વાસની તકલીફ સાથે સાઓ પાઉલોની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમણે કીમોથેરાપીનો જવાબ આપવાનું બંધ કરી દીધું. પેલેને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમના આંતરડામાંથી ગાંઠ કાઢી નાખવામાં આવી હતી અને ત્યારથી તેઓ નિયમિત હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. .
પેલેએ તેની મોટાભાગની કારકિર્દી (૧૯૫૬-૧૯૭૪) માટે બ્રાઝિલિયન ક્લબ સાંતોસનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ક્લબ માટે તેમણે ૬૫૯ મેચમાં ૬૪૩ ગોલ કર્યા છે. તેમની ફૂટબોલ કારકિર્દીના છેલ્લા બે વર્ષ પેલે યુએસએમાં ન્યૂ યોર્ક કોસ્મોસ માટે રમ્યા હતા.
પેલેએ છ વખત (૧૯૬૧, ૧૯૬૨, ૧૯૬૩, ૧૯૬૪, ૧૯૬૫ અને ૧૯૬૮) બ્રાઝિલિયન લીગનો ખિતાબ (કેમ્પિયોનાટો બ્રાસિલીરો સેરી એ) જીત્યો હતો અને ૧૯૬૨ અને ૧૯૬૩માં કોપા લિબર્ટાડોરેસ જીત્યો હતો. તેઓ સાંતોસના ગોલ્ડન એરા (૧૯૫૯-૧૯૭૪)ના મુખ્ય ખેલાડીઓમાંના એક હતા. તેમણે ૧૯૬૨ અને ૧૯૬૩માં બે ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ જીતાડ્યા હતા. બંને વખતે સાંતોસે ફાઇનલમાં પોર્ટુગીઝ ક્લબ બેનફિકાને હરાવ્યું હતું.