એકનાથ શિંદેને શિવસેનાના વિધાનસભાના ગ્રુપ લીડરમાંથી હટાવવાનું કાયદેસર: ઉપાધ્યક્ષ

આમચી મુંબઈ

વફાદાર વિધાનસભ્યો: શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે હજી પણ પક્ષ સાથે રહેલા ૧૭ સંનિષ્ઠ વિધાનસભ્યોને રજૂ કરીને ગુરુવારે પત્રકાર પરિષદ સંબોધી હતી. (અમય ખરાડે)

મુંબઈ: બળવો કરનારા શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેને મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાના ગ્રુપ લીડર તરીકે હટાવવાની કામગીરી કાયદેસર તથા અજય ચૌધરીની નિમણૂકને માન્યતા આપવામાં આવી છે, એમ વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ જિરવાલે જણાવ્યું હતું.
શિવસેનામાં બળવો કરીને પોતાના પક્ષના અન્ય વિધાનસભ્યોને લઈને ગુજરાતના સુરત પહોંચનારા એકનાથ શિંદેને થોડા કલાકોમાં જ પક્ષે ગ્રુપ લીડરમાંથી હટાવી લીધા હતા અને શિવસેનાની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકારને જોખમમાં મૂકી દીધી હતી. જિરવાલે ગુરુવારે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે મને શિવસેના તરફથી પત્ર મળ્યો છે, જેમાં જણાવ્યું હતું કે વિધાનસભાના ગ્રુપ લીડરના નેતા તરીકે અજય ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે અને શિંદેને તાત્કાલિક ધોરણથી હટાવવામાં આવ્યા છે. આ પત્ર મેં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરને પણ મોકલ્યો છે અને આ પત્ર પણ સ્વીકારી લેવામાં આવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
જિરવાલે કહ્યું હતું કે શિવસેનાના ગ્રુપ લીડર તરીકે હટાવવામાં આવ્યા છે, જે કાયદેસર છે. અહીં એ જણાવવાનું કે બુધવારે વિધાનસભાના ઉપાધ્યાક્ષને એક પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં ૩૫ વિધાનસભ્યના હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા, જેમાં સુનીલ પ્રભુની જગ્યાએ ગોગાવલેને શિવસેનાના વ્હિપ બનાવવાનું જણાવ્યું હતું.
શિંદેના પત્ર અંગે જિરવાલે જણાવ્યું હતું કે પક્ષના સંબંધમાં અપક્ષ વિધાનસભ્યોની કોઈ ભૂમિકા નથી. બળવો કરનારા સુરત જનારા શિવસેનાના વિધાનસભ્ય નીતિન દેશમુખે દાવો કર્યો હતો કે તેમને શિંદેને આપેલા પત્રમાં હસ્તાક્ષર કર્યા નહોતા. હું તેનો અભ્યાસ કરીશ અને કાયદાકીય નિષ્ણાતની સલાહ પણ લઈશ ત્યાર બાદ તેના અંગે નિર્ણય કરીશ, એમ તેમણે જણાવ્યું હતું. મહારાષ્ટ્રના વિધાનસભ્ય નીતિન દેશમુખે બુધવારે દાવો કર્યો હતો કે તેમને સુરતમાં બળજબરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને હૃદયરોગનો હુમલો પણ આવ્યો નહોતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.