એક પૈસો પણ નહીં કમાતો અને દારૂમાં પૈસા ઉડાડતો પતિ અને ઘર છોડી નીકળી ગયેલાં બિહારનાં લલિતાદેવી આજે નિરાધાર મહિલાઓ માટે આધાર બનવાની કોશિશ કરી રહ્યાં છે
કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી
દારૂનું વ્યસન છોડવા દ્રઢ મનોબળ જોઈએ પણ કોઈ કામધંધો ન કરતા દારૂડિયા પતિને ત્યજી ત્રણ બાળકો સાથે વગર પૈસે નીકળી જવા માટે કેવું જિગર જોઈએ એ સમજાવવાની જરૂર ખરી? અને કદાચ તમે જો એની કલ્પના ન કરી શકતા હો તો બિહારનાં લલિતાદેવીની આ કથા તમારી સમજણનું વિસ્તરણ કરશે એટલું નક્કી. પતિની કમાણીની આશા રાખવાનું તો દૂર રહ્યું, દારૂના નશામાં ડૂબેલા રહેતા પતિ સાથેનું જીવતર તો ડુબાડશે જ એવું લાગતા લલિતાદેવીએ સામા વહેણે તરી જવાની હિંમત કરી અને આજે અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની કોશિશ કરી રહ્યાં છે જે હરખ થાય એવી વાત છે.
‘મારાં લગ્ન ૧૯૯૩માં થયા અને પરણ્યા પછી ખબર પડી કે મારા વરને દારૂ પીવાની બૂરી લત હતી. પરણીને સાસરે આવી એના પહેલા જ દિવસથી સંઘર્ષ જાણે કરિયાવરમાં આવ્યો હોય એવું લાગી રહ્યું હતું.’ બિહાર આમ પણ શિક્ષણની દ્રષ્ટિએ પછાત રાજ્યની ઓળખ ધરાવે છે અને લલિતાદેવી કે એમના પતિએ નિશાળનું મકાન જોયું હશે પણ એના પગથિયાં નહીં ચડ્યા હોય. શિક્ષણનો અભાવ સમજણ વિકસવા ન દે એવું મોટેભાગે બનતું હોય છે. આ જ કારણસર પાંખી આવક હોવા છતાં ૧૯૯૩માં લગ્ન અને ૨૦૦૦ સુધીમાં ત્રણ સંતાનના જન્મ એવી અવસ્થા લલિતદેવીના જીવનમાં જોવા મળી. ‘બાળકોની ઉંમર વધી રહી હતી એ સાથે ખર્ચ સુધ્ધાં વધી રહ્યો હતો. વાસ્તવિકતાનું ભાન પતિને કરાવવા મેં અનેક પ્રયત્ન કર્યા પણ શરાબના નશાએ તેમની સાન પર પડદો પાડી દીધો હતો. કોઈ વાતે સમજવા તૈયાર નહોતા. તાણીતૂસીને પણ ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું ત્યારે મેં પતિને છોડવાનું નક્કી કર્યું.’
વર અને ઘર છોડવાનો ચોંકાવનારો પણ હિંમતભર્યો નિર્ણય ૨૦૦૩માં લેનાર લલિતાદેવીને ક્યાં જવું કે શું કરવું એની કોઈ ગતાગમ નહોતી. બસ એટલી ખબર હતી કે અહીંથી નીકળીશ તો બાળકોના સુંદર ભવિષ્યનું નિર્માણ કરી શકીશ. એક જગ્યાએથી છેડો ફાટે ત્યારે બીજી જગ્યાએ એ સંધાઈ જવાની સંભાવના ઊભી થતી હોય છે. વિચાર કરી જુઓ કે ખિસ્સામાં રાતી પાઈ કે બે ટંક ચાલે એટલું ખાવાનું ન હોવા છતાં માત્ર ખભે એક ઝોળો લટકાવી ત્રણ નાના બાળકો (સૌથી મોટો પુત્ર પાંચ વર્ષનો) સાથે નીકળી પડેલી સ્ત્રીની અને વિશેષ તો એક માની માનસિક સ્થિતિ કેવી હશે. ક્યાં જવું છે એની પોતાને જ ખબર નહોતી એટલે પોતાના ગામથી ટ્રેન તો પકડી, પણ રસ્તામાં અઢી વર્ષની દીકરી ગુંજન ભૂખ લાગતાં રડવા લાગી એટલે લલિતા દેવીજે પહેલું સ્ટેશન આવ્યું ત્યાં ઊતરી ગયાં. અજાણ્યું શહેર અને અનુકંપાના અભાવનો સરવાળો થતા મા અને બાળકો પાસે નિસાસો ખાઈને રહેવા સિવાય બીજો વિકલ્પ પણ નહોતો. સ્ટેશન પર લોકોનો આવરો જાવરો હતો, પણ લલિતાદેવી હાથ લાંબો કરતા અચકાતાં હતાં, કારણ કે હાથ ઝાલનાર ક્યારેક ગેરલાભ લેનારા પણ હોય છે. અલબત્ત રણમાં સુધ્ધાં મીઠી વીરડી મળી આવે એ કવિ ન્યાયે પેટિયું રળવા કપડાં વેચતી એક સ્થાનિક મહિલાનું ધ્યાન લલિતાદેવી અને ભૂખે ટળવળતાં બાળકો પર ગયું. ‘સ્ત્રી જ સ્ત્રીની સૌથી મોટી દુશ્મન હોય છે’ એમ ભલે કહેવાતું હોય, પણ એ જ સ્ત્રીમાં રહેલી મમતા જાગે છે ત્યારે એક આંગળી અનેકની આંગળી ઝાલી એનો આધાર બનવાની તાકાત પણ ધરાવે છે એ પણ હકીકત છે. એક સ્ત્રી બીજી સ્ત્રી સમક્ષ હૈયું ખોલતા અચકાતી નથી. લલિતાદેવીએ પેલી અજાણી મહિલાને પોતાની વીતક કથા સંભળાવી અને એ અજાણી મહિલાએ ‘એક રોટલો અડધો અડધો કરી ખાશું’ એ ભાવના સાથે લલિતા દેવીને પોતાના ઘરે લઈ ગઈ. આધાર મળી જતા લલિતાદેવીમાં હિંમત આવી અને યજમાનના ઘરની દેખરેખ કરવા ઉપરાંત એના કપડાં વેચાણના કાર્યમાં પણ મદદરૂપ થવા લાગ્યાં.
મદદ ભલે સામે ચાલી આવીને મળી હોય, પણ કોઈને જીવનભર ઓશિયાળા બની જીવવું તો ન જ ગમે. ‘તારે રહેવું હોય એટલા દિવસ બાળકો ભેગી અહીં રહેજે’ એવો સધિયારો અજાણી મહિલાએ આપ્યો હોવા છતાં લલિતાદેવી પોતાની પાંખે ઊડવા મળે એવા આકાશની શોધમાં સતત રહેતાં હતાં. અને એક દિવસ ‘વો ઘડી આ ગઈ આ ગઈ’ જેવો ઘાટ થયો. એક દિવસ બજારેથી પાછા ફરતા લલિતાદેવીએ ઘર નજીક આવેલી દરજીની દુકાનમાં ‘કોઈ કામ બામ હૈ ક્યા’ એવું પૂછવાની હિંમત કરી નાખી. દરજીને પણ સહાયકની જરૂર હતી અને બીજે જ દિવસથી બે પૈસા કમાઈ લેવાની કોશિશ લલિતાજીએ શરૂ કરી દીધી. આત્મનિર્ભર બનવાની દિશામાં પહેલું કદમ મંડાઈ ગયું હતું. એક નવી દિશા ઉઘડી અને પુરુષાર્થ જોઈને પ્રારબ્ધ પણ આળસ મરડીને ઊભું થઈ જતું હોય છે. સદનસીબે લલિતાજી જે દરજીને ત્યાં કામે લાગ્યા હતા એની નજીકમાં તેમને મદદરૂપ થયેલી મહિલાના કોઈ સંબંધીની એક હોટેલ હતી. એ પરિવારમાં વૃદ્ધ માતા હતી અને એમનાં ત્રણ બાળકો હતા ંજે હોટેલ વ્યવસાયની દેખરેખ કરતા હતા. તેમને એક એવી મહિલાની તલાશ હતી જે તેમની ગેરહાજરીમાં માતાની સારસંભાળ અને ઘરની દેખરેખ કરી શકે. બંને પક્ષની જરૂરિયાતનો મેળ બેસી ગયો અને દિવસ દરમિયાન ઘરકામ અને માતાની દેખભાળ કરવાનું આર્થિક વળતર આપતું કામ લલિતાદેવીને મળી ગયું. સાંજે ત્યાંથી છૂટી લલિતાજી દરજીને ત્યાં જઈ સીવણ કામ કરી બે પૈસા તો ઉમેરતા જ પણ તેમને ક્યાં ખબર હતી કે આ અનુભવ એક દિવસ તેમના માટે એક નવો દરવાજો ખોલશે. ‘કાંકરે કાંકરે પાળ બંધાય ને ટીપે ટીપે સરોવર ભરાય’ એ ન્યાયે છ એક
વર્ષમાં તો લલિતાદેવી પાસે એટલી મૂડી તો જમા થઈ ગઈ કે તેઓ નવું સાહસ કરી શકે.
વિધિના ખેલ તો જુઓ કે એક ઝોળો ખભે લટકાવીને પતિત્યાગ અને ગૃહત્યાગ કરનારાં લલિતાદેવીએ હવે ભર બજારમાં એક નાનકડી દુકાન ભાડે રાખી ઝોળા વેચવાનો વ્યવસાય શરૂ કરી દીધો. દિવસે દુકાન અને રાત્રે રહેવાનું ઘર એવા ડબલ રોલમાં દુનિયા ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધવા લાગી. અલબત્ત ખુદનો વ્યવસાય શરૂ કરવો એ બોલવામાં બહુ સહેલી લાગતી વાત હકીકતમાં કેટલી જહેમત અને નસીબનો પણ સાથ માગે છે એનાથી લલિતાજી પરિચિત હતાં. દિવસ દરમિયાન બે હાથ પરિશ્રમ કરતા અને રાત્રે એ બે હાથ સફળતા માટે પ્રાર્થના પણ કરતા હતા. ’શરૂઆતમાં કેટલાક મહિના તો બધી શક્યતા – સંભાવના ચકાસવામાં જ પસાર થઈ ગયા,’ લલિતાદેવી જણાવે છે, ‘કાચો સામાન ક્યાંથી મેળવવો, ઝોળા કેવી રીતે બનાવવા જેથી એ ટકાઉ અને ગ્રાહકને રસ પડે એવા બને અને એનું વેચાણ કેવી રીતે કરવું જેવી બાબતો જાણવી – સમજવી જરૂરી હતી. ઘર છોડ્યું ત્યારે મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે એક દિવસ મારો પોતાનો બિઝનેસ હશે. જોકે, કામ શરૂ કર્યા પછી હિંમત વધતી ગઈ અને હું એક એક ડગલું ભરી આગળ વધતી ગઈ.’ શરૂઆતમાં કેટલોક સમય તો સમ ખાવા પૂરતો એક થેલો પણ વેચાયો ન હોય એવા દિવસો સુધ્ધાં જોવા પડ્યા, પણ ઘરકામ અને દરજીકામની કમાણીની બચેલી મૂડીની હૈયાધારણને કારણે હિંમત ભાંગી ન પડી.
કામ કામને શીખવે અને સારું કામ બીજું કામ ખેંચી લાવે એ શિરસ્તા અનુસાર લલિતાદેવીને કામ મળવા લાગ્યું. માત્ર વધુ કામ મેળવી તેઓ ખુશ ન થયા, લોકોને કેવા ઝોળા વધુ પસંદ છે, માર્કેટમાં નવી ડિઝાઇન કઈ આવી છે અને કઈ વધુ ચાલે છે અને કેવી કેવી વરાયટી તૈયાર કરી શકાય જેવી બાબતો પર તેઓ સતત ધ્યાન આપતા રહ્યાં. આવા અભિગમને કારણે ટૂંક સમયમાં માર્કેટમાં તેમના ઝોળાની ડિમાન્ડ વધી ગઈ અને તેમણે વ્યવસાયનો ફેલાવો કરવાનું નક્કી કર્યું. બે પૈસાના ફાંફાં હતાં એ પરિસ્થિતિમાંથી બે રૂપિયાની બચત સુધીની મજલ કાપી, પણ લલિતાજી પોતાનો કપરો કાળ વિસર્યા નહોતાં. કેટલાંક વર્ષ પહેલા અજાણ્યા સ્ટેશને ભૂખથી ટળવળતા બાળકો સાથે ઉતર્યાં હતાં ત્યારે એક અજાણી મહિલાએ તેમનો હાથ ઝાલ્યો હતો એ વાત તેમનામાં હૈયામાં કોતરાઈ ગઈ હતી. લલિતાજીએ સંકલ્પ કર્યો કે વિકસી રહેલા પોતાના બિઝનેસનો ઉપયોગ તેઓ મુશ્કેલી અનુભવતી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કરશે. આજે તેમના નાનકડા વ્યવસાયમાં ૧૩ મહિલા જોડાઈ છે અને ખભે ઝોળો લટકાવી નીકળી પડેલા લલિતાદેવીના ઝોળા આજે બિહારની સીમા વટાવી અન્ય રાજ્યના શહેર સુધી પહોંચી રહ્યા છે. આવતીકાલે કદાચ એમાંથી બીજા કઈ લલિતાદેવી તૈયાર થશે અને સ્વતંત્ર વ્યવસાય ચલાવી બિહારના લલિતાદેવીની જેમ જ પરેશાની અનુભવતી મહિલાઓને પગભર કરવાની કોશિશ કરશે એવી આશા અસ્થાને નથી.
બીજી એક મહત્ત્વની વાત એ પણ છે કે લલિતાદેવીના બે દીકરા માને વ્યવસાયમાં મદદરૂપ થઈ રહ્યા છે અને સૌથી નાની દીકરી ગુંજન સિવિલ સર્વિસની પરીક્ષા માટે તૈયારી કરી આંખમાં એક નવું સપનું આંજી રહી છે. આ બધું જોઈ લલિતાદેવીને આનંદ થાય એ સ્વાભાવિક છે. ‘બાળકો સાથે ઘરનો ઉંબરો છોડી હું નીકળી ગઈ ત્યારે નોકરી તો છે નહીં ત્યારે ત્રણ બાળકો સાથે કેમ નિર્વાહ થશે’ એવો ટોણો મારનાર લોકો જ આજે મારી મહેનત અને નસીબના સરવાળાના ગુણગાન ગાઈ રહ્યા છે,’ લલિતાદેવી સસ્મિત કહે છે, ‘હું ક્યારેય હિંમત ન હારી એનો મને ગર્વ છે અને સાંજે હવે શું ખાશું એવી અનેક સવારે વધુ મહેનત કરી આગળ વધતી રહી તો આજે આ દિવસ જોવા પામી છું.’ લલિતાદેવીની વાત પ્રેરણાદાયક પુસ્તકો કરતા વધુ પ્રભાવી અને અનુસરવા જેવી છે એવું જો તમને લાગતું હોય તો તમે ખોટા નથી.