૪૮ની ઉંમરમાં પહાડ ચડવાનું શીખ્યાં અને ૫૦ વર્ષની ઉંમરમાં પૂરું કર્યું પર્વતારોહી બનવાનું સ્વપ્ન

લાડકી

સ્પેશિયલ- નિધિ ભટ્ટ
મળો ભોપાલ (મધ્ય પ્રદેશ)નાં ૫૩ વર્ષીય જ્યોતિ રાત્રેને જેમના જુસ્સાએ તેમને ૫૦ વર્ષની ઉંમરમાં માત્ર પર્વતારોહી નથી બનાવ્યાં, પરંતુ તેમણે યુરોપના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એલ્બ્રુસને આ ઉંમરે ફતેહ કરી એક રેકોર્ડ પણ બનાવ્યો. સપના પૂરા કરવા માટે શું ઉંમર મહત્ત્વ ધરાવે છે? ભોપાલની જ્યોતિએ ૫૨ વર્ષની ઉંમરમાં રેકોર્ડ બનાવીને આખી દુનિયાને આનો જવાબ બખૂબી આપ્યો છે. વાસ્તવમાં આમ કરનાર તેઓ ભારતનાં સૌથી મોટી ઉંમરનાં મહિલા છે. ૫૦ વર્ષની ઉંમરે મોટા ભાગના લોકો પોતાની નિવૃત્તિ વિશે વિચારતા હોય ત્યારે જ્યોતિએ પોતાના સપના વિશે વિચાર્યું અને તેને પૂરું કરવા મહેનત કરવાનો વિચાર કર્યો.
જોકે આ બરફવાળા પહાડોના શિખર પર પહોંચવાનું કંઈ આસાન કામ નથી. તેમણે આ માટે ઘરની જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં તાલીમ લેવાનું શરૂ કર્યું અને પડકારોને ઝીલી સફળતા સુધી પહોંચ્યાં. આ વિશે વાત કરતાં જ્યોતિ કહે છે કે ‘કોઈ પહાડ પર પહોંચવાનો અનુભવ એક મોટી ઉપલબ્ધિ છે. ૪૮ વર્ષની ઉંમરે એક પર્વતના શિખરે પહોંચી મેં નક્કી કરી નાખ્યું હતું કે મારે આ જ કરવું છે.’
જ્યોતિને પહેલેથી જ એવરેસ્ટ ચડવાનું અને તેના વિશે વિચારવાનું રોમાંચિત કરતું હતું, પણ પોતે પહાડ ચડવા વિશે વિચાર્યું નહોતું. ૪૮ વર્ષની ઉંમરે તેમણે અમુક યુવાનો સાથે એક ટ્રેકિંગમાં ભાગ લીધો. આ સમયે તેમને પર્વતના શિખરે પર ઊભાં રહીને જે દૃશ્ય જોવા મળ્યું તે અલગ જ લાગ્યું. તેમણે વિચારી લીધું કે બાળપણનું સ્વપન પૂરું કરવાનો સમય પાકી ગયો છે.
ત્યાર બાદ એક પર્વતારોહીની જેમ દુનિયાનાં અલગ અલગ પર્વતનાં શિખરો પર ચડવાનું તેમણે નક્કી કર્યું, પરંતુ આ પ્રવાસ એટલો સહેલો પણ નહોતો. જ્યોતિએ એક પર્વતારોહક બનવા માટે તાલીમ લેવાની જરૂર હતી. નિયમિત તાલીમ લીધા બાદ તેઓ એક સફળ પર્વતારોહક બની શકે તેમ હતાં. જ્યોતિએ અલગ અલગ ટ્રેઇનિંગ સેન્ટરનો સંપર્ક સાધ્યો, પરંતુ તમામે ૪૦ વર્ષની ઉંમર બાદ ટ્રેઇનિંગ આપવાની ના પાડી દીધી. જ્યોતિ કહે છે કે ‘મને બધાએ તાલીમ આપવાની મનાઈ કરી તો મેં ઘરે જ તાલીમ લેવાની શરૂઆત કરી દીધી. એક જેકેટ બનાવ્યું અને હું જ મારી કોચ બની ગઈ. નિયમિત કસરત અને ભોપાલમાં જ નાના નાના ટ્રેકિંગ પર જવાનું પણ મારી તાલીમનો ભાગ હતું.’
જ્યોતિ ઘરે જ પોતાના જેકેટમાં દસ કિલો વજન લઈને ચાલતી હતી. આ કામમાં તેમના પરિવારે પણ સાથ આપ્યો. તેમના પતિ વીજળી ખાતામાં અધિકારી છે, જ્યારે જ્યોતિ ગૃહિણી છે. પોતાની તાલીમ બાદ તેમણે સૌપ્રથમ ૨૦૨૦માં ઓક્ટોબરમાં ભારતના માઉન્ટ દેવ ટિબ્બા (૬૦૦૧)ને સર કર્યું, ત્યાર બાદ તેમનો જુસ્સો ઘણો વધી ગયો. પછી તેઓ ભોપાલના એડવેન્ચર ગ્રુપનો ભાગ બની ગયાં અને યુરોપના સૌથી ઊંચા શિખર એલ્બ્રુસ (૫૬૪૨મીટર)ને ફતેહ કરવા નીકળી પડ્યાં. માઉન્ટ એલ્બ્રુસ એક સુષુપ્ત જ્વાળામુખી છે. તેમનું એક સપનું સાતેય મહાદ્વીપોને ફતેહ કરવાનું છે. આ ટ્રિપ તે સપનાને પૂરું કરવાની એક પહેલ છે. માઉન્ટ એલ્બ્રુસ પર ચડીને તેઓ નીચે આવ્યાં ત્યારે તેમના સાથીઓએ તેમને કહ્યું કે તેમણે રેકોર્ડ બનાવ્યો છે. ત્યાર બાદ તેમણે માઉન્ટ કિલિમાંજારો પણ ફતેહ કર્યો. આ સાથે તેમણે ૩૯ દિવસમાં બે મહાદ્વીપના શિખરને ફતેહ કરી ફરી રેકોર્ડ બનાવ્યો. જોકે બાળપણમાં એવરેસ્ટ ચડવાનું સપનું જોનારી જ્યોતિએ પોતાનું આ સપનું પૂરું કરવાની તૈયારી પણ ચાલુ રાખી હતી. આ વર્ષમાં જ તેઓ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી ચડી આવ્યાં. હાલમાં તેઓ ૨૦૨૩માં એવરેસ્ટની સૌથી ઊંચી ચોટી પર પહોંચવાની તૈયારી કરી રહ્યાં છે. પોતાના જેવા દરેક પર્વતારોહકને જ્યોતિ એક જ સલાહ આપે છે કે ૫૦ વર્ષની ઉંમરે પણ જીવનનાં સપનાં પૂરાં થઈ શકે છે. તમે જો કોઈ સપનું જોઈ શકો છો તો તેને પૂરું પણ કરી શકો છો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.