એકધારા રહેતા અને ડચકા ખાતા લોકોને ઓળખતાં શીખો…

લાડકી

સંબંધોને પેલે પાર-જાનકી કળથિયા

દુનિયામાં એવું કયું પ્રાણી છે જેને ઓળખવું અઘરું હોય? જે પરિસ્થિતિને આધીન સતત બદલાયા કરે? જેનો મૂડ ક્યારે સ્વિંગ થશે એનું અનુમાન પણ ન લગાવી શકાય? જેના ચહેરાની માસૂમિયત પાછળ કંઈક જુદું છુપાયેલું હોય? જવાબ એક જ શબ્દમાં છે. ‘માણસ’.
માણસ એક એવું અદ્ભૂત સામાજિક પ્રાણી છે જેને સંપૂર્ણપણે સમજી શકવું અશક્ય છે. જેનો આંતરિક ચહેરો અને દુનિયા સામેનો ચહેરો બંને જુદા છે. કારણ કે એનું જીવન એકધારું નથી હોતું, પણ ડચકાતું હોય છે. એ પળે પળે બદલાય છે. માણસ તરીકે આપણે ક્યાં સમયે કેવા પ્રકારનું વર્તન કરીશું એનાથી એકદમ અજાણ હોઈએ છીએ. ક્યારેક કોઈને ખૂબ પ્રેમ કરીએ તો ક્યારેક એને નફરત કરી બેસીએ. ક્યારેક અચાનક જ કોઈ પર વ્હાલ ઊભરાઈ જાય તો ક્યારેક હદ બહારની ચીડ ચડે. ક્યારેક કોઈકના ખૂબ વખાણ થાય તો ક્યારેક શબ્દોની સુરાવલી જુદી જ દિશામાં વહેતી હોય એવું લાગે. ટૂંકમાં આપણને સમજાતું જ નથી કે આપણું અથવા તો આપણી વચ્ચેના કેટલાંક લોકોનું વર્તન આવું કેમ હોય છે. રંગ બદલતાં પ્રાણીઓમાં માણસ કદાચ પ્રથમ ક્રમે આવતો હોવો જોઈએ. અને એટલે જ માણસ સાથે જોડાયેલ પરિબળોનો અભ્યાસ કરવાનો થાય ત્યારે એના તારણોમાં ભિન્નતા હોય છે.
આવા લોકોને જુદી જુદી રીતે વિભાજિત કરી શકાય. એવા કેટલાંક લોકો જે પરિસ્થિતિવશ કરેલા કામોનો અફસોસ કરતા હોય છે. ‘મારાથી આવું કેમ થઈ ગયું?’, ‘મારે આવું નહોતું કરવું જોઈતું’, ‘આવી ભૂલ ફરી ક્યારેય નહીં થાય’ આવું પોતાની જાતને કહીને મન તો મનાવી લે છે પણ સમય જતાં ફરી ફરીને જૂના ટ્રેક પર આવી જતા હોય છે. વળી પાછી એ જ ભૂલો રિપીટ કરતા હોય છે.
બીજા એવા લોકો છે જે આપણી વિચારધારાને ખૂબ એપ્રિસિએટ કરે. સાથે આપણાથી જુદી વિચારધારાને પણ વખાણે. આ બેયથી સાવ જુદી પરિસ્થિતિમાં પણ હામાં હા મિલાવે. ઈન શોર્ટ એ માણસ આપણી સાથે છે કે નહીં એ જાણવું ખૂબ અઘરું થઈ પડે. આપણને એમ થાય કે જે તે માણસ આટલો કંઈ રીતે બદલાઈ શકે? ફેસ પરથી એકદમ માસૂમ લાગે પણ અંદરનું વ્યક્તિત્વ પ્રશ્નાર્થ ચિહ્ન સમાન ભાસે. જ્યાં પોતાનો લાભ છે, જ્યાં પોતાનો સ્વાર્થ પૂરો થઈ શકે એમ છે, જ્યાં પોતાનું સ્થાપિત હિત જળવાય એમ છે એ દિશામાં આવી વ્યક્તિના કદમ ઓટોમેટિક વળી જાય છે. કદાચ બાય બોર્ન એવી કોઈ ચિપ ફિટ થયેલી હશે જે એને એક જગ્યાએ, એક દિશામાં ટકવા જ નહીં દેતી હોય…!
એવા કેટલાંક વ્યક્તિઓ પણ આપણી આસપાસ હોય છે જેની સાથે વાત કરતા પહેલાં વિચારવું પડે. એના મૂડ પ્રમાણે આપણી સાથેનું વર્તન નક્કી થાય. એ ખભ્ભે હાથ દેશે કે હાથતાળી મારશે કે પછી કોઈપણ જાતના રીપ્લાય વગર ચાલતી પકડશે એ બધું એના મૂડ પર ડિપેન્ડ કરતું હોય. આપણે માત્ર એ જ વિચાર કર્યે રાખવાનો કે એ આપણને મળશે તો આમાંથી શું કરશે? કલ્પના ન થઈ શકે એવા અચાનક થતાં વર્તનથી આપણી જાતને ટેવ પાડવી પડે. ઘણીવાર સાવ નજીકના લોકો સ્વભાવગત આવા હોય ત્યારે એને વેંઢારવા અઘરા થઈ પડતાં હોય છે.
માણસ જેટલું અનએક્સપેક્ટેડ વર્તન કરી શકે એવું કદાચ અન્ય કોઈ પ્રાણીનું હોતું નથી. એકવાર એક કપલને નાની વાતમાં મોટો ઝગડો થઈ ગયો. કારણ માત્ર એટલું જ કે પોતાના પાર્ટનરની ગેરહાજરીમાં એનો ફોન ચેક કર્યો. સોશ્યલ મીડિયા પરની પોતાના પાર્ટનરની હાજરીથી એ વ્યક્તિનું વર્તન એ હદે ચેન્જ થયું કે કલ્પના ન કરી શકાય. પોતાને સૌથી ગમતી વ્યક્તિને પોતાના ઈશારે નચાવી શકવાની વૃત્તિ ધરાવતો માણસ જો એવું સમજતો હોય કે એનું ધાર્યું જ થાય છે તો આ એની સૌથી મોટી ભૂલ છે. અન્ય પર ભરોસો મૂકીને, પોતાનું સઘળું આપીને હારી જતો માણસ ખરેખર આ મહોરા ઓળખવાની ગેમમાં બાજી મારી જતો હોય છે.
એમાં પણ આજના ડિજિટલ યુગમાં માણસ પોતાની જાતને કેટલી બધી અલગ રિતોથી પ્રેઝન્ટ કરે છે કે વાત ન પૂછો. એક તો મેકઅપ ઇન્ડસ્ટ્રી અને બીજું હાઈ મેગા પિક્સેલ કેમેરા- આ બે મહાન શોધના લીધે માણસને ઓળખવો મુશ્કેલ થઈ પડે છે. ઈવન ક્યારેક સામે મળે તો વિચાર આવે કે આ એ જ છે કે કોઈ બીજું? વળી લોકોને છેતરે એ પ્રકારની જાહેરાતો દરેક માધ્યમોમાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે એમાં ૧૦ ટકા પણ સાચું નથી હોતું. છતાં ઘણાં લોકો આવી લોભામણી જાહેરાતોમાં બહુ ઈઝીલી ભરાઈ જતા હોય છે. પોતાના ચહેરા પર પ્રામાણિકતાનો કાયમી નકાબ ધારણ કરીને રાખે છે જ્યારે હકીકતમાં તો એ નકાબ પાછળ બેઇમાનીનો ખદબદતો જ્વાળામુખી હોય છે. પોતાની સેફ ઝોનમાં રહેનારા અને ગામને માથે ફૂલેકુ ફેરવી જનારા લોકોના મહોરાને તો ઉખાડીને અન્ય ગ્રહમાં ફેંકી દેવું જોઈએ.
સોશ્યલ મીડિયા પર પોતાની સંસ્કારી છબી ઉપસાવી કાઢી હોય. એવા ગ્રુપનો એડમીન હોય જ્યાં માત્ર દયા, દાન, સુધારણાની વાતો થતી હોય. વળી પાછી એ જ વ્યક્તિ એમાંના કેટલાંક લોકો સાથે મળી ખાનગીમાં નોનવેજ ગ્રૂપ ચલાવતી હોય જ્યાં તમામ પ્રકારની થર્ડ કલાસ વાતો ખુલ્લી રીતે થઈ શકે. જો ઘડો ફૂટ્યો તો ઘડીભર તો એવું થાય કે આ વ્યક્તિનું સાચું ચિત્રણ કયું? બહાર ઓઢીને રાખેલી ચારિત્ર્યરૂપી ચાદર કે પછી અંદરખાને ટપકતી વાસનાની લાળો? સ્ત્રીએ શરીર ઢંકાય એવા કપડાં પહેરવાની તરફદારી કરતાં લોકો એ જ સ્ત્રીના ન્યૂડ શરીરને જોવા ખાનગીમાં લિંક મંગાવતા હોય છે. વળી આવા લોકોનું જોરદાર બોન્ડિંગ પણ હોય જ્યાં ઓર્ડર કર્યો કે સ્ટોક હાજર જ હોય. નિર્દોષ અને ભોળો લાગતો ચહેરો અંદરથી ક્યારેક ખતરનાક પુરવાર થાય છે. પોતાના ચહેરા પરનો આવો આંચળો ઓઢેલ વ્યક્તિ ખુલ્લી પડતાં જ પોતાનાઓનો ભરોસો જલ્દી ગુમાવી દે છે આ વાત લોઢે લીટી સમાન છે.
આવા ચહેરા પાછળ ચહેરો ધરાવતાં લોકો પોતાને અત્યંત શાતીર અને બુદ્ધિશાળી સમજતા હોય છે જે એમનો મોટો વહેમ છે. એકવાર પરદો ઊઠે કે તરત એવા લોકોની બધી હોશિયારી પાણીમાં બેસી જાય છે. પોતાનું ધાર્યું કરાવવાવાળા, બીજાને પોતાના ઈશારે નચાવવાવાળા, નજીકના લોકોના વિશ્વાસ સાથે રમત રમવાવાળા ભલે પોતાનો બાદશાહ માનતા હોય પણ છેલ્લે ગુમાવવાનું તો એમને જ થાય છે આ લખી રાખવું. મોઢે મીઠો રહેનારો માણસ આપણી ગેરહાજરીમાં અને પોતાના એકાંતમાં શુ વિચારે છે આ સૌથી અગત્યનું છે. કારણ કે વ્યક્તિનું ચારિત્ર્ય નિર્માણ તેના બહારી દેખાવથી નહિ પણ એના આંતરિક ગુણો અને વર્તન થકી થતું હોય છે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.