માનસ મંથન -મોરારિબાપુ
ઘણાં પ્રશ્ર્નો આવે છે. મારો વર્ષોનો અનુભવ છે કે તમે ન પૂછો તોય તમારાં પ્રશ્ર્નોનો જવાબ શાસ્ત્ર આપી જ દેતા હોય. એક ભાઈએ લખ્યું છે કે આટલાં વર્ષોથી કથા સાંભળું છું પણ ઘેરે જાઉં એટલે મારી પત્ની મને ઘઘલાવી નાખે છે ! આટલાં વર્ષોથી તમે સહન કરો છો અને કથા પણ સાંભળો છો તો કથા સાંભળ્યા પછી ઘરમાં ગમે તે થાય એને સ્વીકારતાં શીખી જાવ ! સ્વીકાર એ સાધુનું લક્ષણ છે. કપડાં બદલીને, વેશ બદલીને, નામ બદલીને કંઈ સાધુ થવાની જરૂર નથી, આપણે બધા એવું ન કરી શકીએ, પણ વસ્ત્રના નહીં, વૃત્તિના સાધુ થઈ શકાય. સ્વીકાર કરતાં શીખો. પ્રેમ કર્યો છે, તો કરુણા કરવાનું પણ શીખી જાવ. કારણ કે પ્રેમ પછીનું મારું સૂત્ર કરુણા છે. ક્રોધ કરે એના ઉપર ય કરુણા કરો. તમારું મન ઉગ્ર બને તો પણ રામાયણને આધારે કેમ બોલવું એની દીક્ષા લઈ લો. ક્રોધ જેનામાં નથી તે મુનિ થઈ શકે છે. ઘણાં મુનીઓએ ક્રોધ કર્યા છે. પરશુરામ લ્યો, વિશ્ર્વામિત્રને લ્યો. બહુ ક્રોધમાં દેખાય. દીવાસળીની પેટીનો બાળક ઉપયોગ કરે અને દાદા ઉપયોગ કરે,એમાં વિવેકનો કેટલો ફેર છે. નાનું બાળક દીવાસળી સળગાવી રમતું હોય તો કંઈ પણ સળગાવી મૂકે અને એ જ દીવાસળીની પેટી દાદા પાસે હોય તો એના ઉપયોગમાં કેટલું અંતર છે ? ક્રોધ સારી વસ્તુ નથી. તેને નરકનું દ્વાર, નરકનો પંથ કહ્યો છે. છતાં ક્યારેક મુનિઓએ, ક્યારેક અવતારોએ ક્રોધ કર્યો છે, રોષે ભરાયા છે. એ જરૂરી બન્યું હશે, એ નાશવંત વૃત્તિને એમણે નિમંત્રી હશે, નૃસિંહનો ક્રોધ ઓછો હતો ? પણ એ ક્રોધ પ્રહ્લાદ માટે ન હતો, દુષ્યકૃત્યના નાશ માટે હતો, જે સાધુતા મિટાવવા માંગતા હતા. એ ક્રોધ આરોપિત હતો, સ્વાભાવિક નહોતો. ધ્યાન આપજો, ક્રોધ ક્યારે દોષ છે ? જ્યારે સ્વાભાવિક હોય, આરોપિત હોય ત્યારે. સ્વાભાવિક કરવા અમુક ક્ષણો ક્રોધ માટે બને છે. શ્રાપ આપે એ વખતે આરોપિત ક્રોધ છે. ક્રોધ ઓછો કરો. એમાંથી જેટલા બચાય એટલા બચો. અથવા તો ક્રોધ પણ આપણો અધિકાર આવે, એ આપણો સ્વભાવ ન બને, એક સાધન માત્ર બને એવું હોવું જોઈએ. જરૂર હોય ત્યાં સુધી રહે. છોકરું માનતું ન હોય,એને ડાંટ ન આપીએ તો ચૂકી જશે, ગીતા-રામાયણ નહીં વાંચે, જેમ તેમ ફરશે,એટલે ડરાવ્યા કરે, એ રીતનો ક્રોધ હોય, સ્વભાવમાં ક્રોધ નથી. ન કર્યું કહેલું, કે કહેવા કરતાં વિપરીત વર્તન કરે તો મા એને ભૂખ્યો રાખે, જમવાનું નહિ આપે, એ માનો આરોપિત ક્રોધ છે, પણ મા પાછળથી રડતી હોય કે મેં એને ખાવાનું ન આપ્યું, એ આરોપિત વૃત્તિ છે, થોડોક સમય માટે સ્વીકારી છે.
सुनि अति बिकल भरत वर बानी ।
आरती प्रीति बिनय नय सानी ॥
ચિત્રકૂટની સભામાં કોઈ નિર્ણય આવતો નથી. ભાષા પાંગળી બની ગઈ છે,વશિષ્ઠ જેવાની પણ. ભરતજી અત્યંત વિકળ દશામાં છે. મારી ભૂલ, મારાં માતાની ભૂલ…કેટલું મંથન ચાલી રહ્યું છે ! અને એ છતાં તુલસી કહે, ‘બોલે બર બાની’, ‘શ્રેષ્ઠ વાણી બોલ્યા’. પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, ત્યારે પણ શ્રેષ્ઠ વાણીનો ઉચ્ચાર કરવો એ જ પરણ્યાં પછીની કરુણા છે.
આ જયદેવને જોયો એટલે ચંદ્રેશ મકવાણાના આ બે શે‘ર યાદ આવે છે-
ટૂંકી ટચરક વાત, કબીરા.
લાંબી પડશે રાત, કબીરા.
જીવ હજી એ ઝભ્ભામાં છે.
ફાટી ગઈ છે જાત, કબીરા.
આપણે જે વાત કરતાં હતાં એ એવી હતી કે પ્રેમ પછી કરુણા શીખવી પડશે.અતિ વિકળ અવસ્થામાં પણ શ્રેષ્ઠ વાણી બોલો એમ રામાયણ મને ને તમને શીખવે છે અને એ શ્રેષ્ઠ વાણીનાં, અહીંયા,લક્ષણો બતાવ્યાં છે-
અળફટિ પ્રિુટ રુમણ્રૂ ણ્રૂ લળણિ
વિકળ દશામાં પણ શ્રેષ્ઠ વાણી કોને કહેવાય ? પહેલું લક્ષણ, આરતી. આરત એટલે દુ:ખ, પીડા. પણ અહીંયા આરતી’નો અર્થ થાય છે-વિનમ્રતાથી બોલવું. આરત માણસ બહુ ધીમે ધીમે બોલતો હોય છે. આરતીનો અર્થ-આરત ભાવ. એને એ પીડા હોય છે કે, મને તો દુ:ખ છે, પણ હું ક્યાંક એવું ન બોલી જાઉં, કે જેથી કરીને જેના કાનમાં મારો શબ્દ જાય એને પણ પીડા ઉત્પન્ન થાય. આ આરતી છે. ઉગ્રતા નથી, આરત ભાવ. વિનમ્રતાથી અને સ્વીકાર કરીને બોલવાનું શીખીએ તો ધન્યતા. ભરતની વિકલ પણ શ્રેષ્ઠ એવી વાણીમાં આરતભાવ છે. આરતભાવ એટલે કરુણાનો ભાવ, આરતી એટલે કરુણાસભર વાણી.
બીજું, ‘પ્રીતિ’. પ્રેમથી બોલો, નફરતથી નહીં. બદલો લેવાની વૃત્તિથી નહીં. સદવ્યવહાર અને સદ્ભાવ બંને સાથે ચાલવાં જોઈએ, તો જ જગતમાં ‘સદ્’ની સ્થાપના થાય, આ વાક્ય તમને ગમે તો હૃદયમાં કોતરી રાખજો. ઘણા માણસો આપણી સાથે સદવ્યવહાર કરતાં હોય છે, પણ ભીતરમાં સદ્ભાવ નથી હોતો. અને ઘણાના હૃદયમાં ખરેખર સદભાવ હોય પણ એની વ્યવહારની માનસિકતા એવી હોય, એની સ્વાભાવિક બોલવાની રીત એવી હોય કે એનો વ્યવહાર આપણને બરાબર ન લાગે. આ બંને લક્ષણો ‘ભગવદ્ ગીતા’ને વાંચ્યા વગર નહીં આવે. ‘ભગવદ્ ગીતા’ એટલે સાર્વભૌમ શાસ્ત્ર, કોઈપણ ધર્મગ્રંથ. અમારે ગુરુકુળમાં સદભાવનાપર્વ યોજાય છે એમાં હું બોલ્યો હતો કે, ગીતાએ એમ કહ્યું છે કે, ‘સદ્ભાવે સાધુભાવે ચ’. સદ્ભાવના મૂળમાં સાધુપણું ન હોય તો સદ્દ્ભાવ પણ નથી હોતો, સદ્વ્યવહાર પણ નથી હોતો. માત્ર શબ્દોના ખેલ હોય છે. ઘણીવખત સમાજની બીકને પણ સદવ્યવહાર કરવો પડતો હોય છે અથવા તો આપણે સારા છીએ એમ સિદ્ધ કરવા માટે કરવો પડ્યો હોય છે. સામેનો ખરેખર ખરાબ હોય, એનો અપરાધભાવ મટી જાય એટલે હદ સુધી તમે એને પ્રેમ કરો, એને એમ લાગે કે મારી ભૂલ છે જ નહીં એટલો એને હળવો કરી દેવાની વૃત્તિ જાગે ત્યારે સદ્ભાવ પ્રગટ્યો ગણાય. મેં મારા બે-ચાર વર્ષ પહેલાના વ્યાખ્યાનમાં કહ્યું જ છે કે, ‘સદ્ભાવે સાધુભાવે ચ’. બધાંનો સ્વીકાર વૃત્તિ, બધાને પ્રેમ કરવાની વૃત્તિ અને આ બધું કરવા છતાંય, કષ્ટ પડે તો પણ, પોતાના કિસ્મત સાથે પણ કોઈ દિવસ તકરાર ન કરે એનું નામ સાધુ. તકદીર સાથે તકરાર કરે એ સાધુ નથી. આ સાધુભાવ આપણાં મૂળમાં જ્યારે પડશે આપણે સદ્ભાવ અને સદ્વ્યવહારનું વિશ્ર્લેષણ કરવાના અધિકારી ગણાઈશું.
ભગવાન રામ કૈકેયીમાને મળે છે ત્યારે કૈકેયીમા એટલી બધી ગ્લાનિ અનુભવે છે ને કહે છે કે હું શું મોઢું દેખાડું! ત્યારે શ્રીરામે માના પગ પકડી લીધા છે. આ સદ્વ્યવહાર છે. આવું તો આપણે બધાં જ કરતાં હોઈએ છીએ. પણ ભીતરી ભાવનું શું ? અને સાહેબ, ભગવાન રામે કૈકેયીના પગ પકડ્યા અને શ્રેષ્ઠ વાણીમાં વાતો પણ કરી,છતાંય શું કૈકેયીનો અપરાધભાવ ઓછો થયો ? એનું પ્રમાણ શું ? સામેની વ્યક્તિનો અપરાધભાવ ત્યારે જ જશે જ્યારે તમે સદ્દ્ભાવ અને સદ્વ્યવહાર દ્વારા સિદ્ધ કરી દો કે આ તારો અપરાધ છે જ નહીં, આ અપરાધ કાલ,કર્મ અને વિધિનો છે. આમ સામી વ્યક્તિના ચિત્તને અપરાધભાવ મુક્ત સિદ્ધ કરવું એનું નામ સદ્દ્ભાવ.
(સંકલન : જયદેવ માંકડ)