ચૂગલીખોર સંબંધીઓની સાઈડ કાપતાં શીખો

લાડકી

સંબંધોને પેલે પાર-જાનકી કળથિયા

તમને ક્યારેય એવું લાગ્યું કે કેટલાક લોકો તમારી ગેરહાજરીમાં તમારી ચૂગલી કરે છે? આપણા મોઢે તો સારા હોય છે, પણ આપણી પીઠ પાછળ આપણી જ ખરાબ વાતો કરે છે? એની અસર તમારા પર કે તમારા કામ પર થાય છે?
ઘણી વાર આપણો જ નજીકનો મિત્ર કે આપણા નજીકના સંબંધીઓમાં મૂકેલો અનહદ વિશ્ર્વાસ પાછળથી ચાડી ખાય એવું લાગ્યા કરતું હોય છે. ઓફિસ મિત્ર હોય કે પડોશ મિત્ર – કોઈ પણ સામે ખૂલીને વાત કરતાં પહેલાં આપણી વાતોને મારીમચડીને અન્ય સામે રજૂ કરતા કહેવાતા આપણા લોકોને પારખી લેવામાં જ ભલાઈ હોય છે, કારણ કે આવા લોકો મોઢે તો સારા હોય છે, પણ આપણી ગેરહાજરીમાં પાછળથી આપણી જ વાટવાની કુટેવમાં માહિર હોય છે. વળી પાછું આવું કરવામાં દુનિયાભરનો આનંદ એમને મળે છે.
એક બહેન પોતાની ઓફિસમાં દરેક સાથે ખૂબ હળીમળીને રહે. ઘરમાં કંઈક નવી રેસિપી બનાવી હોય તો પણ પોતાના કલિગ્સ માટે લઈ જાય. પોતાના ફેમિલી સાથે જોડાયેલી બધી જ સારી-નરસી વાતો શેર કરે. ઈન શોર્ટ, પ્રોફેશનમાં પણ અનૌપચારિક સંબંધો કેળવેલા. હવે થયું એવું કે એમના સાથી કલિગ પાસેથી જાણવા મળ્યું કે એ બહેનની પીઠ પાછળ એમના જ મિત્રો વિચિત્ર વાતો કરે છે, જેમ કે એ બહેનમાં તો કોઈ જાતની સેન્સ જ નથી. એમની બનાવેલી થર્ડ ક્લાસ રેસિપી ન તો કોઈના ખાવાલાયક હોય છે કે ન તો દેખાડવાલાયક. વળી ઘરના રૂપિયા બગાડી ઓફિસમાં બધાને ધરવે છે. આવી પીઠ પાછળ થતી વાતોથી એ બહેનને ખૂબ લાગી આવેલું અને ત્યારથી તેઓ કોઈ સાથે કામથી વિશેષ સંબંધ રાખતાં જ નથી.
આપણા બધાની કેટલીક આદતો હોય છે, જેમ કે આપણી પાસે રહેલી સ્કિલ્સ અન્યો સામે પ્રદર્શિત કરવી, નવી વસ્તુ લીધી હોય એનું જાહેરનામું પ્રસિદ્ધ કરવું, ખુશીનાં કારણો ગામને જણાવવાં, કોઈક દુ:ખદાયક ઘટના બની હોય તો અન્યોની સિમ્પથી મેળવવી, કોઈ ઘટના વિશે ઓપિનિયન આપવા, પોતાના હટકે ટાઈપ વિચારો રજૂ કરવા વગેરે. આમ કરવાથી આપણે આપણી જાતને એપ્રિસિયેટ કરવા મથતા હોઈએ છીએ અથવા તો આપણે બીજાથી અલગ છીએ એવું જતાવવા માગીએ છીએ. ઉપર જણાવ્યા મુજબનું કે એના જેવું બીજું આપણે આપણા નજીકના કે સૌથી અંગત લોકો આગળ ઠાલવીએ છીએ. બીજા શબ્દોમાં સામેવાળા આપણાં વખાણ કરે એ ટાઈપનું પ્રદર્શિત કરીએ છીએ. એનાથી કેટલીક વાર થાય છે એવું કે આપણી સામે તો મીઠી મીઠી વાતો કરી વખાણ કરી લે, પણ આ જ લોકો આપણી ગેરહાજરીમાં આપણી જ મોટી ઘોર ખોદતા હોય છે. કેટલાક જૂજ લોકોની આ કુટેવના લીધે અન્યો પર વિશ્ર્વાસ મૂકતાં પહેલાં વ્યક્તિ હવે ૧૦૦ વાર વિચારતી થઈ છે.
આવા લોકો માત્ર સારા હોવાનો દેખાવ કરે છે, પણ હકીકતમાં સારા હોતા નથી. આપણા હોવાનો ડોળ કરે છે, પણ હકીકતમાં આપણા હોતા જ નથી. આપણા હિતેચ્છુ કે શુભચિંતક હોવાનાં નાટક કરે છે, પણ ખરેખર મોટા ગિલિન્ડર હોય છે. આવા લોકોની વાતોમાં ઘણી વાર તો કોઈ સત્યતા હોતી નથી, પણ એની અસર આપણા તન અને મન બંને પર થાય છે. કેટલીક વાર તો આપણા સ્ટેટસને નુકસાન પહોંચતું હોય છે. વળી કેટલાક કાચા કાનના અને પરપીડનનો આનંદ લેનાર આવાઓની વાતોને પમ્પ મારવાનું કામ કરી આપણી છબી વધુ ખરડાય એવી કોશિશ કરતા હોય છે.
હવે પ્રશ્ર્ન એ થાય કે આપણી પીઠ પાછળ નિંદા કરતા આવા લોકોને ઓળખવા કેમ? આવા લોકો આપણી પહેલી મુલાકાતમાં જ આપણા વિશે જાણવાનો ખૂબ પ્રયત્ન કરશે. સ્ત્રીઓ મોટા ભાગે કિચનથી લઈને બેડરૂમ સુધીની વિગતો મેળવવાની ટ્રાય કરશે. ઓપોઝિટ જેન્ડર હશે તો પાસ્ટ અફેર વિશે ખૂબ જ ટૂંકા સમયમાં જાણવાનો પ્રયાસ કરશે. મિત્રતા કેળવ્યા બાદ ખાસ તો આપણા ચહેરા પરની ખુશીનું કારણ બેહદ ચતુરાઈથી પૂછશે એ પણ વ્યંગ સાથે… પરંતુ જ્યારે આપણે તકલીફમાં હોઈશું કે એની જરૂર હશે ત્યારે ચીવટતાથી છટકી જશે. બીજું એ કે નોકરી કે વ્યવસાયના સ્થળે મોટે ભાગે આવી ચૂગલી કરનારા લોકો સાવ નવરી બજાર હોય છે. વળી તેઓ પોતાના કાર્ય પ્રત્યે પ્રામાણિક, નિષ્ઠાવાન અને સમર્પિત પણ નથી હોતા, કારણ કે આવી વ્યક્તિઓને ટાઈમ પાસ કરવા માટે અથવા તો મનોરંજન માટે ચૂગલી કરવાની આદત પડી ગયેલી હોય છે. અહીંનું ત્યાં ને ત્યાનું અહીં કરી આત્મસંતોષ મેળવતા હોય છે. એટલે જ્યાં આવા લોકો દેખાય તેમની સાથે પર્સનલ થતાં પહેલાં ૧૦૦ વાર વિચારવું.
એની સામે પોતાના કામ પ્રત્યે ૧૦૦ ટકા સમર્પિત વ્યક્તિ આવી હરકતો ક્યારેય નથી કરતી, કારણ કે એની પાસે ગામની નિંદા, કૂથલી ને ખાસ તો કોઈની પર્સનલ વાતો લીક કરવાનો સમય જ ક્યાં હોય છે. કહેવાય છે કે ‘ખાલી દિમાગ શૈતાન કા ઘર’. એટલે જવાબદાર માણસ કામ સિવાયની નકામી વાતોમાં રસ લઈને સમય બગાડવા કરતાં વધુ કામ કરી જાતને અપડેટ રાખવામાં માને છે. એટલે જ જો કોઈ વસ્તુ શેર કરવાનું મન થાય તો એવી વ્યક્તિની પસંદગી કરવી જે પોતાના કામ પ્રત્યે પ્રામાણિક હોય.
આવી સમસ્યાથી બચવાના ઉપાય તરીકે આવા લોકો સાથેની મિત્રતા મર્યાદિત કરી દો. કામ સિવાય ગપ્પાં મારવાનું કે ખુશી-દુ:ખ વ્યક્ત કરવાનું સાવ બંધ કરી દો. જો કોઈ પાસેથી એ મિત્ર વિશે જાણવા મળે તો પહેલાં તો એની ખાતરી કરી લો કે અન્ય કોઈકે તમારા મિત્ર વિશે જે કહ્યું એ સાચું તો છેને? કારણ કે ઘણી વાર બે મિત્રો વચ્ચે ત્રીજી વ્યક્તિ ફૂટ પડાવવાનું કામ પણ કરતી હોય છે. જે વ્યક્તિએ તમારા મિત્ર વિશે જે કાંઈ પણ જાણ્યું છે એનેય સાથે રાખી તમારા મિત્ર સાથે મળી ત્રણેય ચર્ચા કરી લો જેથી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. સૌથી બેસ્ટ ટ્રિક છે ઇગ્નોર કરવું. જે વ્યક્તિ મિત્રતાના નામે ચીટ કરી રહી છે એની સાથે પહેલાં તો માત્ર હા કે નામાં જ વ્યક્ત થવું. એને ફીલ કરાવો કે તમે એનામાંથી સંપૂર્ણ મુક્ત થઈ એને ઇગ્નોર કરો છો.
વળી ઘણી વાર આપણને પ્રશ્ર્ન થાય કે આપણો જ મિત્ર, આપણી જ હિતેચ્છુ વ્યક્તિ આપણી ખુદાઈ કેમ કરે છે? એનાં બે કારણો હોઈ શકે. એક તો આપણી પોઝિશન, સ્ટેટસ સુધી એ પહોંચી શકે એમ નથી અથવા તો એની ઔકાત નથી અને બીજું કે એનામાં સારા-નરસાની વિવેકબુદ્ધિનો અભાવ છે અથવા તો બુદ્ધિ હોવા છતાં મંદબુદ્ધિ છે. આ બંને પ્રકારમાં આવતા લોકોને ટ્રીટ કે હેન્ડલ કરવાની સ્ટાઈલ બદલવાથી આપણા પર આવા લોકોની અસર પડવાની સંભાવના નહીંવત્ થઈ જતી હોય છે. વળી આવા લોકોથી દૂર રહેવાનો ફાયદો એ છે કે આપણી ઊર્જાનો બચાવ થાય અને આપણું કામ પૂરેપૂરા ઈન્વોલ્વમેન્ટ સાથે કરી શકીએ.
—————-
ક્લાઇમેક્સ
સાંભળે કંઈક, સમજે કંઈક, બોલે કંઈક ને કરે કંઈક એવા લોકોથી કાયમ સાવધ રહેવું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.