સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
દ્રવિડિન મંદિરશૈલીનો પ્રારંભિક તબક્કો -માળખાગત રચનાની સુંદરતા -સમુદ્ર કિનારાનો આનંદ -સાદાઈમાં રહેલું ગૌરવ -ઈજનેરી જાણકારીનો ઉચ્ચ પ્રયોગ
આગવું બનવું એ આજના સમયની એક ઘેલછા છે. વ્યક્તિત્વ તરીકે વેશભૂષા માત્રમાં, રહેણી-કરણીમાં કે બોલાચાલની શૈલીમાં, પોતાની માલિકીના સ્થાપત્યમાં કે તેના આંતરિક આયોજનમાં આગવું બનવું અને તે પ્રમાણ ેવર્તાવું એ સમાજના એક વર્ગ માટે ગાંડપણ સમાન બની ગયું છે. આ આગવાપણું લાવવા ક્યાંક ગતકડાં પણ પ્રયોજાય છે તો ક્યાંક ગંભીર પ્રયોગો પણ કરવામાં આવે છે. આગવા બનાવવાના આવા વિચારશીલ તથા ગંભીર પ્રયોગોના પરિણામે ચિહ્નિત – ઈંઈઘગઈંઈ – મકાનો અસ્તિત્વમાં આવ્યાં.
આવાં મકાનો દેખાવમાં આગવાં – નજરે ચઢે તેવાં હોય છે. તેની રચના સીમાચિહ્ન સમાન લેખવામાં આવે છે. સ્થાપત્યના ક્ષેત્રમાં તે નવી વિચારસરણીના પ્રણેતા બને છે. પ્રયોગાત્મક ધોરણે પણ તેમનું આગવું મહત્ત્વ ગણાય છે. કારણ કે આવાં પ્રયોગોથી જ સ્થાપત્યમાં નવી દિશાની સંભાવના વિકસતી હોય છે. આ નોંધપાત્ર મકાનોની રચનાસ્થાપત્યના ઈતિહાસમાં નવાં પ્રકરણની શરૂઆત સમાન બની રહે છે.
આ ચિહ્નિત મકાનો તેમનાં આકારને કારણે કે તેમના પ્રમાણમાપને કારણે ચર્ચામાં રહે છે. તેમની સપાટીઓને અપાતા આખરી ઓપમાં તે પ્રમાણેની સામગ્રીનું ચયન પણ મહત્ત્વનું બની રહે છે. તેની બનાવટમાં માળખાગત રચના કે તેની માટેની નવીન તકનિક પણ ક્યારેક આગવી છાપ છોડવામાં સારો ભાગ ભજવે છે. સ્થાપત્યકીય ઉપરાંત આવાં મકાન સામાજિક મહત્ત્વ પણ ધરાવી શકે. નવા કીર્તિમાન સ્થાપતાં આવાં ચિહ્નિત મકાનો અન્ય સ્થપતિઓ માટે અનુસરણ કરવાં યોગ્ય ગણાય છે.
પ્રેરણા આપતાં આ મકાનો સંજોગો પ્રત્યેના હકારાત્મક, સંવેદનશીલ તથા સર્જનાત્મક પ્રતિભાવ સમાન ગણાય છે. તેની રચના કલ્પનાની સંભવિત સીમાના વિસ્તારને જાણે આંબી જાય છે. માણી શકાય તેવી સ્થાપત્ય રચના કરવા માટેના જાણે આ લગભગ પૂર્ણ પ્રયાસ હોય છે. આ વિશિષ્ટ રચનાઓનું પ્રતીકાત્મક મૂલ્ય પણ સ્થપાતું જાય છે. ક્યાંક સૌન્દર્યની અનુભૂતિ માટેની કળાત્મકતા તો ક્યાંક તકનિકી – ઈજનેરી જ્ઞાનના ઉચ્ચતમ શિખરો, ક્યાંક તાજી-નવીન વિચારધારાનું મૂર્તિમંત સ્વરૂપ તો ક્યાંક પર્યાવરણ માટેની વ્યાજબી ચિંતા, ક્યાંક સાંદર્ભિક અગ્રતાક્રમ સાચવવાની નિષ્ઠા તો ક્યાંક પ્રતીકાત્મક રજૂઆતને ઉત્સવમયી બનાવવાની ઈચ્છા, ક્યાંક સામૂહિક લાગણીઓને અપાતું મહત્ત્વ તો ક્યાંક જે તે વ્યક્તિત્વની દૃષ્ટિને અપાતો ન્યાય, ક્યાંક પરંપરા માટેનો અપાર લગાવ તો ક્યાંક આધુનિકતાને નવા જ પરિપ્રેક્ષ્યમાં પ્રયોજવાની ચેષ્ટા – આ બધુ જ ચિહ્નિત મકાનોમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ માત્રામાં જોવાં તો મળશે જ.
સીડની ઓપેરા હાઉસના વિશેષ સ્થાનને અનુલક્ષીને વહાણના શઢ જેવો નિર્ધારિત કરાયેલો તેનો આકાર ઈલોરાના કૈલાસ મંદિરમાં પોતાનો આત્મા જોડીને કરાયેલી કાવ્યમય કારીગરી, હાગીઆ સોફિયાની રચનામાં માળખાગત બાબતોને ભૌમિતિક આકારો સાથે સાંકળીને ઊભી કરાયેલી ભવ્યતા, ફોલિંગ વોટર નામના રહેણાંકની રચનામાં કુદરત સાથે રચાયેલ અસામાન્ય સમીકરણ, બાર્સિલોના પેવેલિયનમાં લોખંડ અને કાચના ઉપયોગથી આરંભાયેલ રમ્ય ઈજનેરી સૌન્દર્ય, રોંચેપના ચર્ચમાં ક્રોંક્રિટ જેવી સામગ્રીને પ્રતીકાત્મક આકારમાં ઢાળવાની ક્રિયા, મ્યુનિક ઓલિમ્પિક સ્ટેડિયમમાં તાણીયા માળખાની અભૂતપૂર્વ રચના, ટોકિયોના મિનરલ હાઉસમાં નાની રચનાને પણ ઊંચાઈ પર લઈ જવાની સફળતા, ક્લીફ હાઉસમાં દરિયાને પૂરેપૂરો માણી લેવાની ઘેલછા કે મહાબલિપુરમ્ના રથોની રચનાથી આરંભાયેલ દ્રવિડિય મંદિરોની શૈલી – આ અને આવી બધી બાબતો આ અને આવાં મકાનોને ચિહ્નિત બનાવે છે. સમય જતાં આ મકાનો સાંસ્કૃતિક તથા ઐતિહાસિક ધરોહરના સાક્ષી બની રહે છે. આવાં મકાનો જ જે તે સ્થાન કે શહેરની ઓળખ બની રહે છે.
આજના સંદર્ભમાં ચિહ્નિત મકાનોની વ્યાખ્યા ક્યાંક બદલાતી જતી હોય એમ જણાય છે. આજની આવી રચનાઓમાં ગંભીરતાને બદલે ક્યાંક ગ્લેમર હાવી થતું જણાય છે. માત્ર દેખાવમાં “ઢીંચક બનાવવાની ઘેલછામાં ઉપયોગિતા કે પર્યાવરણ જેવી ઘણી બાબતોમાં બાંધછોડ કરાતી જોવાં મળે છે. આ દેખાવ ઘણી વાર નકલી હોય છે અને આગળ લગાવેલ સુશોભિત પડદા દ્વારા નિર્ધારિત થાય છે. આવા પડદાને મકાનના બંધારણ કે બાંધકામ સાથે કંઈ સંબંધ નથી હોતો. મકાનને પાવડર-લાલી લગાડવાની જાણે આ પ્રક્રિયા છે. મકાનને ચિહ્નિત બનાવવામાં આજકાલ કાં તો પચરંગી કાચ જડી દેવાય છે કાં તો એ સાંદર્ભિક આકાર પ્રયોજાય છે. કાં તો કૃત્રિમ રોશનીથી જાત જાતની પરિસ્થિતિ સર્જાવાનો પ્રયત્ન કરાય છે. સ્થાપત્યના ક્ષેત્રમાં આવી બાબતોને મહત્ત્વ નથી અપાતું અને આ બાબતોને ગંભીર પણ નથી ગણાતી.
જો કે આવાં મકાનો ધ્યાનાકર્ષક બનવાથી તે જે તે વિસ્તારમાં લેન્ડ માર્ક ગણાય છે અને ક્યારેક તે વિસ્તારમાં આર્થિક રોકાણને પણ પ્રોત્સાહન આપે છે. આવા મકાન ક્યાંક સ્થાનિક પ્રવાસનને પણ વેગ આપી શકે, આવાં મકાનના આકારનું ખાસ મહત્ત્વ રહેતું હોવાથી તે બધાંથી અલગ તરી આવે છે અને બાકી બનતાં નવાં મકાનો તે પ્રત્યેના પ્રતિભાવ સમાન બની રહે છે.
ચિહ્નિત મકાનોને પસંદ કરતો ખાસ એક વર્ગ છે; જે સંપન્ન છે. મકાનને ચિહ્નિત બનાવવા માટે કરવો પડતો વધારાનો ખર્ચ તેમને માન્ય છે. આમ તો દરેક સંપન્ન વ્યક્તિ પોતાની માલિકીના મકાનને ચિહ્નિત બનાવવા પ્રયત્ન કરે, પણ તે માટે જરૂરી થ્રેસ હોલ્ડ ઓળંગવો પડે.