જાણીતા ઉદ્યોગપતિ શાપૂરજી પાલનજી ગ્રુપના વડા પાલનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે અવસાન, વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરી સંવેદના

ટૉપ ન્યૂઝ વેપાર વાણિજ્ય

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિઓમાં જેમની ગણતરી થાય છે એવા પાલનજી મિસ્ત્રીનું સોમવારે રાત્રે 93 વર્ષની વયે મુંબઈ ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. દેશની આગળ પડતી કંપનીઓમાંની એક શાપૂરજી પાલનજી ગ્રુપના ચેરમેન પાલનજી મિસ્ત્રીને દેશના અનામી અબજોપતિ માનવામાં આવે છે કેમ કે તેઓ જાહેર કાર્યક્રમોથી અંતર જાળવી રાખતા હતા. પાલનજીને સૌથી અમીર પારસી વ્યક્તિ પણ ગણવામાં આવતા હતા.
G7 સમિટમાં ભાગ લેવા માટે જર્મની ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાલનજી મિસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરી છે કે, ‘પાલનજી મિસ્ત્રીના નિધનના સમાચારથી આઘાત લાગ્યો. તેમણે વાણિજ્ય અને ઉદ્યોગ જગતમાં યાદગાર યોગદાન આપ્યું હતું. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.’

“>

 

પાલનજી મિસ્ત્રીના નિધનના સમાચાર મળતા જ લોકો સોશિયલ મીડિયા પર તેમને યાદ કરી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પણ ટ્વિટર પર પાલનજી મિસ્ત્રીને શ્રધાંજલિ પાઠવી છે. તેણે લખ્યું, ‘પાલનજી મિસ્ત્રી…એક યુગનો અંત. તેમની પ્રતિભા અને નમ્રતાના સાક્ષી છીએ. તેમના પરિવારના સભ્યો અને તેમના ચાહકો પ્રત્યે મારી સંવેદના.’

“>

150 વર્ષથી વધુ જૂની કંપની શાપૂરજી પાલનજી ગ્રુપની સફળતાનો શ્રેય પાલનજી મિસ્ત્રીને આપવામાં આવે છે. પાલનજી મિસ્ત્રીએ એક આઇરિશ મહિલા સાથે લગ્ન કર્યા હતા અને તે પછી તેઓ આયર્લેન્ડના નાગરિક બન્યા હતા. જોકે, એ પછી પણ તેઓ મોટાભાગનો સમય ભારતમાં જ રહ્યા હતા. તેઓ મુંબઈના વાલકેશ્વરમાં દરિયા કિનારે આવેલા બંગલામાં રહેતા હતા. તેઓ આ બંગલા જ મૃત્યુ પામ્યા. ફોર્બ્સના તાજેતરના આંકડાઓ અનુસાર, પાલનજીની કુલ સંપત્તિ લગભગ 13 બિલિયન ડોલર છે અને તેઓ અબજોપતિઓની યાદીમાં વિશ્વભરમાં 125મા ક્રમે હતા.
2016 માં ભારત સરકારે પાલનજીને ઉદ્યોગ જગતમાં તેમના યોગદાનને બિરદાવવા પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. પાલનજી મિસ્ત્રીનો જન્મ વર્ષ 1929માં ગુજરાતના પારસી પરિવારમાં થયો હતો. પાલનજીને સૌથી અમીર પારસી વ્યક્તિ પણ કહેવામાં આવતા હતા. તેમની પાસે આઇરિશ નાગરિકતા પણ હોવાથી તેઓ આયર્લેન્ડના સૌથી ધનિક વ્યક્તિ પણ હતા.
શાપૂરજી પાલનજી ગ્રુપની સ્થાપના વર્ષ 1865માં કરવામાં આવી હતી. આ કંપની મુખ્યત્વે બાંધકામ ક્ષેત્રે કામ કરે છે. આ ઉપરાંત એન્જિનિયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, પાણી, ઊર્જા અને નાણાકીય સેવાઓના ક્ષેત્રોમાં પણ હાજરી ધરાવે છે. અત્યારે આ ગ્રુપનો બિઝનેસ ભારત સહિત 50 દેશોમાં ફેલાયેલો છે. પાલનજીના મોટા પુત્ર શાપોરજી મિસ્ત્રી હાલમાં તેમના પિતાના વારસાને આગળ વધારી રહ્યા છે.
પાલનજી મિસ્ત્રીના નાના પુત્ર સાયરસ મિસ્ત્રી ટાટા જૂથ સાથેના તેમના વિવાદોને કારણે ચર્ચામાં આવ્યા હતા. સાયરસ મિસ્ત્રી 2012 થી 2016 સુધી ટાટા સન્સના ચેરમેન હતા. મિસ્ત્રી પરિવાર ટાટા જૂથમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. મિસ્ત્રી પરિવાર ટાટા જૂથની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં લગભગ 18 ટકા હિસ્સો ધરાવે છે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.