નેતાઓ સર્જનારું નેતૃત્વ

ધર્મતેજ

પ્રમુખ ચિંતન -સાધુ આદર્શજીવનદાસ

સામાન્ય રીતે દરેક સંસ્થામાં ઉપલા સ્તરે વ્યક્તિઓ વધુ ઝડપથી કાર્ય કરનારી જોવા મળે છે. જેમ જેમ નીચલા સ્તર તરફ જાઓ તેમ તેમ કર્મચારીઓની નિર્ણયશક્તિ અને કાર્યશક્તિ ઓછી અને ધીમી જોવા મળે છે. તેનું કારણ આ સ્તરની વ્યક્તિઓમાં રહેલી જ્ઞાન અને અનુભવની ઊણપ. ઉપલા સ્તરે વ્યક્તિઓ બહોળો અનુભવ અને વિપુલ જાણકારી ધરાવતી હોવાથી તેઓ કાર્ય કરવામાં ઝડપી જોવા મળે છે.
તેથી જ S> The 3600 Leader પુસ્તકમાં કહેવાયું છે કે Most people who want to lead are naturally fast. But if you want to become a better leader, you actually need to slow down. You can move faster alone. You can garner more individual honours alone. But to lead others, you need to slow down enough to connect with them, engage with them and take them with you.’
આ વિધાનનો ભાવાર્થ એ છે કે જો તમે સારા નેતા બનવા માગતા હો તો હકીકતે તમારે ધીરા પડવું જોઈશે. તમે એકલા ઝડપથી આગળ વધી શકો છો. તમે વ્યક્તિગત રીતે વધુ આદરમાન મેળવી શકો છો, પરંતુ જો બીજાને દોરવા હોય તો તેઓ તમારી સાથે સંલગ્ન થઈ શકે એ રીતે તમારે ધીરા પડવું જોઈશે.
જેમ કોઈ શિક્ષક સ્વતંત્રપણે તો મોટા આંકડાઓની ગણતરી માંડી શકે, પણ જો તેણે પ્રથમ ધોરણના વિદ્યાર્થીને આગળ વધારવો હશે તો તે બાળકને એકડો ઘૂંટાવવા જેટલા ધીરા પડવું જોઈશે. આ બાબત કોઈ પણ નેતા માટે કઠણ સાબિત થાય એમ છે, કારણ કે ધીરા પડવાની પ્રક્રિયા શ્રદ્ધા, ધીરજ, સમયનું સમર્પણ વગેરે ગુણોની અપેક્ષા રાખે છે. તે પોતાનો કાર્યભાર જોતાં કોઈ પણ નેતા માટે અઘરું પડી જાય, પરંતુ જે શાણો નેતા છે તે અનુયાયીઓ નહીં, પણ નેતા સર્જનારો હોય છે, તેથી તે પોતાની ગતિને મંદ કરી પોતાના અનુયાયીઓને તૈયાર કરે છે.
સન ૧૯૬૮ની સાલમાં પ્રમુખસ્વામી મહારાજ લીંબડી ગામે પધાર્યા હતા. અહીં તેઓ મંદિરના સભાગૃહમાં પ્રવચન કરતા એક સંતની કથા સાંભળવા બેઠા. આ સમયે હરિપ્રકાશદાસ નામના સાધુ રસોડામાં જઈ રસોઈ તૈયાર કરવામાં પ્રવૃત્ત થયા, પરંતુ ભક્તોની ઇચ્છા માલપૂડા બનાવવાની હતી. તે માટે તૈયાર કરવાનું ખીરું બરાબર થતું ન હોવાથી આ સંત મૂંઝવણમાં મુકાયા. આ જ સમયે સભામંડપમાંથી રસોડામાં પ્રવેશેલા પ્રમુખસ્વામી મહારાજ પળવારમાં પરિસ્થિતિ પારખી ગયા, તેથી તેઓએ રસોઈ કરનારા સંતની નજીક જઈ કહ્યું: ‘લાવો, હું શીખવાડું.’
આમ કહેતાં માલપૂડા બનાવવા બેસી ગયેલા પ્રમુખસ્વામી મહારાજે ખીરું માપસર કર્યું. વળી, માલપૂડા તળવા માટે ઘી પણ યોગ્ય માત્રામાં લીધું. ચૂલાનો તાપ પણ માફકસરનો કર્યો અને માલપૂડા બનાવવા લાગ્યા. તેની સાથે પેલા સંતને પણ શીખવતા ગયા. પા-એક કલાક ચાલેલી આ પ્રક્રિયા બાદ આ સંતને ફાવટ આવી જતાં માલપૂડા બનાવવાનું તેઓને સોંપી પ્રમુખસ્વામી મહારાજ પુન: સભાગૃહમાં આવી કથા કરવા લાગ્યા.
અહીં જોઈ શકાય છે કે અન્યને તૈયાર કરવા સ્વામીશ્રી સ્વયં ધીરા પડ્યા. અનેકવિધ જવાબદારીભરી પ્રવૃત્તિઓનો કાર્યભાર સંભાળવા છતાં તેઓ રસોઈ બનાવવા જેવી ક્રિયામાં પણ પ્રવૃત્ત થઈ શક્યા.
તા. ૧૪/૯/૧૯૭૯ના રોજ પ્રમુખસ્વામી મહારાજ બોટાદમાં હરિભક્ત શ્રી લાલજીભાઈ કળથિયાના ઘેર પધાર્યા ત્યારે આ મુરબ્બીનો પૌત્ર હવે ટૂંક સમયમાં જ નિશાળનાં પગથિયાં ચડવાનો હતો. તે જાણી સ્વામીશ્રીએ તેના હાથમાં પેન આપી. પછી તેનો તે હાથ પોતાના હાથ વડે પકડી પાટી પર એકડો ઘૂંટાવ્યો!
મેનેજમેન્ટના વિદ્વાન શ્રી જોન મેક્સવેલ કહે છે કે ‘”Leaders are not necessarily the first to cross the finish line. Leaders are the first to bring all of their people across the finish line. એ જરૂરી નથી કે નેતા પોતે સીમાંત રેખા ઓળંગવામાં પ્રથમ રહે. હકીકતે નેતા એ છે કે જે પોતાના બધા અનુયાયીઓ સીમાંત રેખા ઓળંગી જાય એવા તૈયાર કરે.
આ પદ્ધતિથી કાર્ય કરનારા હતા પ્રમુખસ્વામી મહારાજ, તેથી તેઓ પોતાના સંતવૃદમાં અવ્વલ દરજ્જાના સ્થપતિઓ, ઉત્તમ કક્ષાના વિદ્વાનો, શ્રેષ્ઠ પાકશાસ્ત્રીઓ, નિષ્ણાત કથાકારો, નિપુણ સંગીતકારો વગેરે સર્જી શક્યા. અન્યના કળા-કૌશલ્યને ખીલવનારું તેઓનું નેતૃત્વ સૌ માટે જેટલું મનનીય છે એટલું જ અનુસરણીય પણ ખરું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.