Homeઉત્સવનેતાઓ, પોલિટિક્સમાંથી સારા માણસોને તો બાકાત જ રાખો!

નેતાઓ, પોલિટિક્સમાંથી સારા માણસોને તો બાકાત જ રાખો!

રાજકારણના રસ્તાઓ પરથી સારા લોકો કદીયે પસાર થતા જ નથી

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

હમણાં એક મોટા નેતાએ જનતાને ખુલ્લું આમંત્રણ આપ્યું છે કે હે સજજન લોકો, તમે પણ રાજકારણમાં આવો! હું મંત્રીજીને વિનંતી કરવા માગું છું કે, મહેરબાની કરીને સજજન લોકોને છોડી દો. સારા નાગરિકોને તમે ગમે ત્યાં મારો , તોડો કે ઘસેડો, પણ રાજકારણમાં નહીં! તમે રાજકારણ કરવા માગો છો, તો ભલેને કરો. તમારી પાસે તો ઘટિયા લોકોનો આખો ભંડાર છે. મુખ્યમંત્રીના મહોલ્લાના ગુંડાઓથી લઈને રાજકારણના મહાનુભાવો સુધી કેટલી મોટી સંખ્યા અવેલેબલ છે, તો જે તમારી સાથે તો છે. આ દેશમાં સારા લોકો બહુ ઓછા છે ને આજે લઘુમતી સંખ્યામાં છે અને આ બાબતે લઘુમતીના આધારે તમે રાજકારણ નહીં કરી શકો.
જો કે મંત્રીજીએ આમંત્રણ આપ્યું અને એ વળી સારા લોકો સુધી પહોંચી પણ ગયું. ત્યારે એમના મનમાં એક જ પ્રશ્ર્ન ઊભો થયો કે, અત્યાર સુધી અમે સારા કે સજજન બચીને રહ્યા કઇ રીતે? એટલા માટે કે અમે રાજકારણમાં નહીં ગયા? કે પછી એટલા માટે કે રાજકારણ અમારા સુધી ના પહોંચ્યું? અને હવે શું અમારે ખરેખર રાજકારણમાં જવું જોઈએ? ચલો સખી કાજલ કી કોઠરી મેં ચલેં. શું અમારા જવાથી ત્યાં બધું ઊજળું થશે? શું સોનું વરસવા લાગશે? શાંતિનું અમૃત વરસવા લાગશે? ના ભાઈ ના! આવું કંઈ રાતોરાત ચમત્કારિક થશે એની તો ખબર નથી પણ આપણે કાળા જરૂરથી થઈ જઈશું! માત્ર શરીરથી કાળા થઈએ તો પણ કંઈ વાંધો નથી, પણ આમાં તો મનથી પણ કાળા થઈ જવાશે! વર્ષોથી રાજકારણમાં રહેવાની આ શરતો ફરજિયાત રહી છે. એને આપણાથી કેવી રીતે નકારી શકાય?
મંત્રીના આમંત્રણથી સજજનોમાં ખળભળાટ મચી ગયો છે. એમાંથી કેટલાક તો રાજકારણમાં આવવા માગતા હતા, પણ ન ગયા. પોતાની અંદરની માણસાઈને હજી સલામત રાખવા માટે ન ગયા. જરાક એક વાતનું આશ્ર્ચર્ય પણ થયું કે, કાલ સુધી તો તમે જાણીતા અભિનેતાને રાજકારણમાં આવવાનો આગ્રહ કરતા હતા અને આજે પાછાં સારા લોકોને આવવાનું આમંત્રણ આપો છો! ચોક્કસ તમારી રાજનીતિમાં કશોક ફેરફાર થયો લાગે છે. બેઉ એક સાથે કેમ સંભવે?
તમારું આમંત્રણ સારા લોકોને મળ્યું જાણીને ખુશી થઈ! નહીંતર જો તમે શોધવા નીકળ્યા હોત, તો તમને મુખ્યમંત્રી, પાર્ટીના પ્રદેશ પ્રમુખ, કલેક્ટર, એસ.પી., ફંડ આપવાવાળા, નાના-મોટા કંપનીના માલિકો, દલાલ અને સામાજિક કાર્યકર્તાઓ એ બધા તો મળી જતે, પણ સારા લોકો નહીં મળતે!
રાજકારણના રસ્તાઓ પરથી સારા લોકો કદીયે પસાર થતા જ નથી.
ખરાબ લોકો તમારી પાસે ઓલરેડી છે જ. હવે સારા લોકોને પણ બોલાવી લેશો તો એક રીતે અસ્તિત્વની લડાઈ ઊભી થશે. રાજકારણના અખાડાના જે નિયમ છે, એમાં સારા લોકો માર ખાશે! પછી એ લોકો રાજકારણમાંથી નીકળી જશે તો પણ જીવનભર સારા કહેવાશે નહીં. કહેવાનો મતલબ એ છે કે દેશમાં સજજન લોકોની અછત પડી જશે. એટલા માટે મારે નેતાજીને કહેવું છે કે, આપણી એ જ જૂની પદ્ધતિ સારી છે, જેને પહેલાના નેતાઓ અનુસરતા હતા. (અંતુલે સારા, ભજનલાલ સારા, સોલંકી સારા.., અડવાણી સારા, ચીમનભાઇ સારા) જે કોઇ અમારી જય બોલોવે એ સારા!
માટે નેતાજી અમને સારા લોકોને રાજકારણમાં ખેંચવામાંથી માફ કરો, ત્યાં જો બહુ સારા માણસો ઘૂસી જશે તો પછી તમારું શું શું થશે? તમારી સંખ્યા ઓછી થઇ જશેને ? એટલું તો વિચારો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular