લાતુર: દારૂ પીવાના વ્યસની મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનના બસ કંડક્ટરે સવારના પહોરમાં ગજબ કારસ્તાન કર્યું હતું. લાતુરમાં એસટી બસ અધવચ્ચે જ રોકી દારૂ ઢીંચવા ઊપડી ગયેલો કંડક્ટર લગભગ કલાક સુધી પાછો ફર્યો નહોતો. આ ઘટનાને ગંભીરતાથી લઈ સત્તાવાળાઓએ કંડક્ટરને સસ્પેન્ડ કરી દીધો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની સવારે ઉસ્માનાબાદમાં લાતુર અને કળંબ વચ્ચેના માર્ગ પર બની હતી. કાટગાંવ ખાતે બસ ઊભી રખાવી કંડક્ટર બસમાંથી નીચે ઊતરી ગયો હતો. એક કલાકથી વધુ સમય વિતવા છતાં કંડક્ટર પાછો ન ફરતાં પ્રવાસીઓ ઉશ્કેરાયા હતા. આટલી રાહ જોયા પછી આખરે પ્રવાસીઓ જ તેને શોધવા નીકળી પડ્યા હતા. ખાસ્સી શોધખોળ પછી તે સ્થાનિક અડ્ડા પર દારૂ ઢીંચતો જોવા મળ્યો હતો, એવું અધિકારીનું કહેવું છે.
આ અંગે ફરિયાદ મળતાં કંડક્ટરની તબીબી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ફરજના સમયમાં તેણે શરાબ પીધો હોવાની ખાતરી થઈ હતી. પરિણામે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ઘટના સમયે બસમાં ૩૮ પ્રવાસી હતા, એમ મહામંડળના ઉસ્માનાબાદ ડિવિઝનના ટ્રાફિક ક્ધટ્રોલરે જણાવ્યું હતું.
(પીટીઆઈ)