નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
મને વાંચનની આદત પડી છેક બાળપણથી. પિતાજીનાં પુસ્તકોમાંથી એક બાળકને રસ પડે તેવાં પુસ્તકો શોધી શોધીને વાંચતો. એ દરમિયાન મારા હાથમાં એક પુસ્તક આવ્યું જેનું નામ હતું ‘વનફૂલ’. મુખપૃષ્ઠ પર ભયાનક જંગલમાં એક બાળકનું રેખા ચિત્ર હતું. મને રસ પડ્યો. સ્ટોરી બહુ મજાની હતી. અડાબીડ જંગલની વચ્ચોવચ એક નાનું એવું ગામ છે. તેમાં એક ગરીબ છોકરો રહે છે.
ગામના બસ સ્ટેન્ડ પાસે એક બૂક સ્ટોલ છે. એના કાચના શો-કેસમાં પીળા રેપરથી મઢેલું એક સુંદર પુસ્તક છે. છોકરાની નજર અને હૈયામાં એ પુસ્તક વસી જાય છે. દુકાનદારને તેના ભાવ પૂછે છે. પછી કશ્મકશ ચાલુ થાય છે આ પુસ્તક ખરીદવાની. છોકરાને આ પુસ્તક એટલું હૈયે વસી ગયું છે કે રોજ દિવસમાં બે ત્રણ વાર એ ત્યાં પુસ્તકને જોવા જાય છે, દુકાન દૂરથી દેખાય ત્યારથી તેના બાળમાનસમાં એક ડર સતાવ્યા કરે છે કે ક્યાંક એ પુસ્તક વેંચાઈ ન ગયું હોય . . . ! અંતે એ નક્કી કરે છે કે આ મોંઘા પુસ્તક જેટલા પૈસા ભેગા કરવા ભયાનક જંગલમાંથી બળતણનું લાકડું લાવીને વેંચવાને બદલે ‘ઓર્કિડ’ નામના ફૂલ જો મેળવીને વેંચી શકે તો ખૂબ પૈસા મળે.
ઓર્કિડ શોધવાની જદ્દોજહદ અને પુસ્તક મેળવવા માટેની તેની એષણા તેની પાસે ઘણાં સાહસિક કામો કરાવે છે. સન. ૧૯૬૦માં પ્રગટ થયેલું આ પુસ્તક શર્લી એલ. અરોરાએ લખેલું અને શ્રી રમેશ જાનીએ તેનો ગુજરાતી અનુવાદ કરેલો.
બાલ્યાવસ્થામાં વાંચેલા આ પુસ્તકમાં બાળકની વાંચનની ભૂખ, પુસ્તક વસાવવાની તાલાવેલી અને તેના માટે ખેડવા પડેલાં સાહસોનો રોમાંચ તો હતો જ, પરંતુ એક વાત એ પણ અંતરમનમાં કોરાઈ ગયેલી કે ‘ઓર્કિડ’ નામનું ફૂલ અત્યંત સુંદર હોય છે. બોટનીના વિદ્યાર્થીઓ માટે ઓર્કિડ એટલે એક પેરેસાઈટ, મતલબ કે કોઈ વૃક્ષના થડને પોતાનો જીવન સહારો બનાવીને ઉછરતો એક ફૂલનો છોડ છે, પરંતુ ‘વનફુલ’માં ઓર્કિડના જે વર્ણનો વાંચેલા તેના કારણે મારા બાળમાનસમાં એક એવી ઈમેજ બંધાયેલી કે ઓર્કિડ ખૂબ જ દુર્લભ અને અતિ સુંદર ફુલ હોય છે. કહેવાય છે કે વિવિધ પ્રકારના, રંગોના ઓર્કિડને જંગલમાં જોઈએ તો દૂરથી એવું લાગે કે જાણે કોઈ રંગબેરંગી પતંગિયુ બેઠું છે.
વનફૂલે મને જ્યારે ઓર્કિડનો પરિચય કરાવ્યો ત્યારે માહિતીનો સ્રોત માત્ર એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા જ હતા જે વનફૂલના ગરીબ બાળકની જેમ મારે માટે દુર્લભ હતા.
તો ચાલો આ મનમોહક ફૂલ અંગે થોડી અજાયબ અને અવનવી વાતો જાણીએ. ઓર્કિડ એ એક પેરેસાઈટ છોડ છે. પેરેસાઈટ એટલે કે બીજા કોઈ જીવના સહારે જે જીવ પોષણ મેળવે તેને પેરેસાઈટસ કહેવાય છે. સામાન્ય રીતે ગાય, ભેંસ અને કૂતરાના શરીર પર જે ટીક્સ એટલે કે બગાઈ નામનું જીવડું જોવા મળે છે તે માનવને સહેલાઈથી જોવા મળતું પેરેસાઈટનું ઉદાહરણ છે. બગાઈ યજમાન પ્રાણીના શરીરમાં ચામડીની નજીક હોય તેવી લોહીની નસ સાથે જોડાઇને પોતાનું પોષણ મેળવ્યા કરે છે. આ જ રીતે ફૂલછોડમાં ઓર્કિડ પણ એક પેરેસાઈટ છે જે ઊંચા વૃક્ષો પર ઊગે અને ઉછરે છે.
ઓર્કિડ એક એવી ફુલછોડની પ્રજાતિ છે જે સમગ્ર વિશ્ર્વમાં સૌથી જૂની છે. એવું કહેવાય છે કે જ્યારે સાતેય ખંડો અલગ નહોતા પડ્યા અને ધરતી જોડાયેલી હતી ત્યારથી પણ પહેલાથી ઓર્કિડ અસ્તિત્વમાં છે. એવું પણ કહેવાય છે કે ઓર્કિડ ડાયનોસોર યુગનો છોડ છે.
ફૂલછોડની અનેક પ્રજાતિઓમાં ઓર્કિડ એ એક માત્ર એવો ફૂલછોડ છે જેની જાતિ-પ્રજાતિઓની સંખ્યા લગભગ ૨૫,૦૦૦ કરતાં પણ વધારે થાય છે. એવું પણ કહેવાય છે કે આ વિશ્ર્વમાં વસતા તમામ સ્તનધારી અને પંખીઓની કુલ મળીને જેટલી જાતિઓ છે તેના કરતાં વધારે જાતિ-પ્રજાતિઓ ઓર્કિડની છે ! ઓર્કિડનું ફૂલ સુંદર ગણાવાના થોડા નોખાં અનોખાં કારણો છે.
સૌ પ્રથમ કારણોમાં એક કારણ એ છે કે તેના ફૂલ અકલ્પનીય રંગો ધરાવે છે અને તેની પાંદડીઓ સ્પષ્ટ ભૌમિતિક આકારોમાં બનેલી હોય છે. વધુમાં ઓર્કિડ પોતાની વસ્તી વધારો જે રીતે કરે છે તે રીતના લીધે જાણકારો ઓર્કિડને સ્માર્ટ ફૂલછોડ માને છે. ઓર્કિડ પોલીનેશન એટલે કે પોતાનું પુંકેસર બીજા માદા છોડ સુધી પહોંચાડવા માટે અનેકવિધ પ્રયુક્તિઓ કરી જાણે છે.
અમુક ઓર્કિડનો દેખાવ પતંગિયા જેવો હોય છે, અમુકનો દેખાવ કોઈ જીવાત જેવો. તેમના આવા દેખાવના કારણે તે જાતિના જીવડા અને પતંગિયા તેને પોતાનું પ્રજનનસાથી માની લઈને તેની સાથે સંવનન કરવા પ્રયત્ન કરે અને પરિણામે
ઓર્કિડની પરાગરજ અન્ય જગ્યાએ પહોંચી જાય છે. આ સિવાય અમુક ઓર્કિડની ગંધ સડી રહેલા માંસ જેવી હોય છે, જેના કારણે માખીઓ તેના તરફ આકર્ષાઈને તેની પરાગરજની વાહક બની જાય છે! ઓર્કિડની જાતિઓમાં જેટલી વિવિધતા છે એટલી જ વિવિધતા તેના કદમાં પણ છે. સૌથી નાનું ઓર્કિડ આઠ
આનીના સિક્કા જેટલા કદનું હોય છે તો સામે પક્ષે મોટામાં મોટા ઓર્કિડના ફૂલનું કદ આશરે ૩ ફૂટનો ઘેરાવો ધરાવે છે. આપણે જે વેનીલા આઈસક્રીમ ખાઈએ છીએ એ વેનીલાની ફ્લેવર આપણને વેનીલા ઓર્કિડના બીજમાંથી પ્રાપ્ત થાય છે. એકવાર ફલન થયા બાદ ઓર્કિડને વિકસતા ૫ થી ૭ જેટલાં વર્ષો લાગી જાય છે. ઓર્કિડના બીજ વિશ્ર્વના સૌથી નાના કદના બીજ છે. કહેવાય છે કે ઓર્કિડના બીજને જોવા હોય તો માઈક્રોસ્કોપની મદદ લેવી જ પડે ! એક ઓર્કિડની અંદર આશરે ૩૦ લાખ બીજ હોય છે. ઓર્કિડના અમુક ફૂલ ખીલ્યા બાદ થોડા કલાકો ખીલેલા રહે છે જ્યારે અમુક પ્રજાતિઓના ઓર્કિડનાં ફૂલો મહિનાઓ સુધી ખીલેલા રહે છે. ઓર્કિડનું આયુષ્ય સો એક વર્ષ સુધીનું માનવામાં આવે છે અને તેથી તેઓ શતાયુ પણ છે.