સુરતમાં બનેલા તક્ષશિલા અગ્નિકાંડને 4 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે અમરેલી શહેરમાં ગત મોડી રાતે આવી જ દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. અમરેલી શહેરની નેપ્ચ્યુન હોટેલમાં મોડી રાત્રે 2 વાગ્યે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરવિભાગના જવાનોએ સમયસર પહોંચીને ફસાયેલા 20 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. જેને કારણે જાનહાની ટળી હતી.
મળતી માહિતી મુજબ રાતના બે વાગ્યાના અરસામાં ફાયર કંટ્રોલ રૂમમાં હોટેલમાં આગ લાગી હોવાનો કોલ આવ્યો હતો. ફાયર વિભાગના તમામ જવાનો શહેરના મધ્યમાં આવેલી નેપ્ચુન ઇન હોટલ જવા રવાના થયા હતા. હોટેલમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા નીકળી રહ્યા હતા. ફાયર વિભાગના જવાનોએ તુરંત કાર્યવાહી કરીને ફસાયેલા લોકોને બહાર કાઢવા પ્રયાસ હાથ ધર્યા હતા. ફાયર વિભાગની ટીમ પાસે 20 જેટલા લોકોને રેસ્ક્યુ કર્યા હતા.
નોંધનીય છે કે હોટેલ અમરેલી શહરના મધ્યભાગમાં ભરચક વિસ્તારમાં આવેલી છે. હોટેલમાં આગ લાગવાને કારણે દોડધામ મચી ગઈ હતી. હોટેલમાં રોકાયેલા લોકોના શ્વાસ તાળવે ચોંટી ગયા હતા. ફાયર વિભાગની મહત્વ પૂર્ણ કામગીરીના કારણે કોઈ જાન હાની થઇ ન હતી.
આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.