રહસ્યમય રીતે ગાયબ થવા અંગે મહારાષ્ટ્ર મહિલા પંચે વ્યક્ત કરી ચિંતા
મુંબઈઃ ગયા વર્ષે મહારાષ્ટ્ર રાજ્યમાંથી 535 મહિલા/યુવતી રહસ્યમય રીતે ગાયબ થઈ હોવા અંગે તાજેતરમાં મહારાષ્ટ્ર મહિલા પંચે ચિંતા વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્ર રાજ્યમાંથી અચાનક 100-બસો નહીં, પરંતુ પાંચસોથી વધુ મહિલા-યુવતી ગાયબ થવા અંગે મહારાષ્ટ્ર મહિલા પંચના પ્રમુખે આ મુદ્દાને લવ જેહાદ નહીં, પરંતુ અલગ વાત જણાવી હતી. શું તેની પાછળનું કારણ લવ જેહાદ છે? જો નહીં, તો પછી આટલી મોટી ઘટના પાછળનું રહસ્ય શું છે? છેલ્લા કેટલાક સમયથી આ રીતે મહિલાઓના ગુમ થવાની ઘટનાઓ સતત વધી રહી છે. આ અંગે જ્યારે પત્રકારોએ રાજ્ય મહિલા આયોગનાં પ્રમુખ રૂપાલી ચાકણકરે ગંભીર આરોપ મૂક્યો હતો.
અહીં આયોજિત પત્રકાર પરિષદમાં પૂછ્યું હતું કે શું આ લવ જેહાદનો મામલો છે? આ અંગે રૂપાલી ચાકણકરે કહ્યું હતું કે આ લવ જેહાદનો મામલો હોય તેવું લાગતું નથી. લોકડાઉન દરમિયાન પિતા કે ભાઈ જેવા ઘરના પુરૂષ સભ્યોના મૃત્યુને કારણે મહિલાઓ/યુવતીઓને ગંભીર આર્થિક મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું. જેના કારણે ઘણી મહિલાઓને ઘરની બહાર નીકળવું પડ્યું હતું. કેટલાક એજન્ટએ તેમને નોકરીની લાલચ આપી હતી. મહિલાઓ તેમની ચુંગાલમાં ફસાઈ ગઈ.
રૂપાલી ચાકણકરે કહ્યું હતું કે આ મહિલાઓ લવ જેહાદની નહીં પણ માનવ તસ્કરીની જાળમાં ફસાઈ છે. તેમને ગલ્ફ દેશોમાં લઈ જઈને એજન્ટોએ તેમના મોબાઈલ અને કાગળો જમા કરાવ્યા હતા. જેના કારણે આ મહિલાઓ દેશની બહાર અજાણ્યા દેશમાં સંપૂર્ણપણે લાચાર બની ગઈ હતી.
રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષે કહ્યું હતું કે પુણેની ઘટના પછી મેં પોલીસ કમિશનર પાસેથી આવી ઘટનાઓ અંગે માહિતી માંગી હતી, ત્યારે ખબર પડી હતી કે વર્ષ 2022માં 535 મહિલા ગુમ થઈ છે. આ મહિલાઓ માનવ તસ્કરીમાં સંડોવાયેલી હોવાની આશંકા જ છે. તેનો પરિવાર મને મળ્યો. તેના કારણે પણ મને આ ઘટનાઓની માહિતી મળી.
રૂપાલી ચાકણકરે જણાવ્યું હતું કે આ મહિલાઓ સારી નોકરીની શોધમાં અહીંથી જતી રહી હતી અને પછી ત્યાં જઈને છેતરપિંડીનો ભોગ બની હતી. આ જ રીતે તેઓ માનવ તસ્કરીની જાળમાં ફસાઈ હોવાની શક્યતા વધુ જણાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે મહિલાઓએ તેમની સુરક્ષા માટે ટોલ ફ્રી નંબર 1091 અને 112નો ઉપયોગ કરવામાં અચકાવું જોઈએ નહીં અને આ નંબર પર જોખમની જાણ તરત જ કરવી જોઈએ.