રોજના 115 મજૂર અને 63 ગૃહિણીએ ભર્યું અંતિમ પગલું
ભારતમાં વર્ષ 2021માં રોજ 115 મજૂર અને 63 જેટલી ગૃહિણીએ અંતિમ પગલું ભર્યું હતું. ગયા વર્ષે દેશમાં 1,64,033 લોકોએ આત્મહત્યા કરી હતી, જે ચિંતાજનક બાબત છે. મંગળવારે લોકસભામાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના અહેવાલને રજૂ કરતા ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે કહ્યું હતું કે ગયા વર્ષે કુલ 42,004 મજૂર અને 23,179 જેટલી હાઉસ વાઈફે આત્મહત્યા કરી હતી.
લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે કુલ મળીને પોતાના ખૂદના વ્યવસાય સાથે સંકળાયેલા (સેલ્ફ એમ્પ્લોઈડ) 20,231 લોકો, 15,870 નોકરિયાત, 13,714 બેરોજગાર, 13,089 વિદ્યાર્થી, 12,055 બિઝનેસ સાથે જોડાયેલા અને 11,431 ખાનગી સેક્ટરના એન્ટરપ્રાઈઝ સાથે જોડાયેલા લોકોએ આત્મહત્યા કરી હતી. ખેતીવાડી ક્ષેત્રે સંકળાયેલા 10,881 ખેતમજૂર, 5,318 ખેડૂત, ખેતીવાડી મજદૂરની મદદ અથવા મદત વિના ખેતી કરનારા 4,806 લોકો, જ્યારે ખેતીવાડી સંબંધિત સેક્ટરના અન્ય કારણસર 512 જેટલા મજૂરે આત્મહત્યા કરી હતી, એમ તેમણે જણાવ્યું હતું.