Homeઆપણું ગુજરાતગુજરાતમાં છેલ્લા બે દાયકા પ્રાયોરિટી, પૉલિસી અને પર્ફોર્મન્સના રહ્યા: વિધાનસભામાં રાજ્યપાલનું સંબોધન

ગુજરાતમાં છેલ્લા બે દાયકા પ્રાયોરિટી, પૉલિસી અને પર્ફોર્મન્સના રહ્યા: વિધાનસભામાં રાજ્યપાલનું સંબોધન

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: મારી સરકાર હંમેશા ગુજરાતના નાગરિકોની ઉન્નતિ, સશક્તિકરણ અને પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે. વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય; એ ‘પંચશક્તિ’ મારી સરકારની અગ્રતા છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકા પ્રાયોરિટી, પોલીસી અને પર્ફોર્મન્સના રહ્યા છે.
છેલ્લા નવ વર્ષોથી ગુજરાતને ‘ડબલ એન્જિન સરકાર’ના લાભો મળી રહ્યા છે. માનવ વિકાસ અને જનકલ્યાણના તમામ આયામોમાં ગુજરાત અન્ય રાજ્યો માટે આદર્શ-પથપ્રદર્શક રહ્યું છે.
એક પણ ક્ષેત્ર એવું નથી જેમાં ગુજરાતે નવા શિખરો સર ન કર્યા હોય, નવી સિદ્ધિ હાંસલ ન કરી હોય અને એટલે જ આજે ગુજરાત સમગ્ર દેશ માટે ‘મોડેલ સ્ટેટ’ બન્યું છે એવું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભામાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું.
રાજ્યપાલએ વધુમાં કહ્યું હતું કે, ભારત સરકારની ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત અમદાવાદ સહિત ગુજરાતના ૮૭ રેલવે સ્ટેશનોનો વિકાસ કરાશે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતીઓને ગુજરાતની રાજધાની ગાંધીનગર અને દેશની આર્થિક રાજધાની મુંબઈને જોડતી સેમી હાઈસ્પીડ ‘વંદે ભારત ટ્રેન’ની ભેટ આપી છે, એ જ રીતે ગુજરાતના નાના શહેરોને મોટા શહેરો સાથે જોડતી ‘વંદે મેટ્રો ટ્રેન’ની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ભારત સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્રમાં ગુજરાતમાં રેલવેના વિકાસ માટે ₹૮૩૩૨ કરોડની ઐતિહાસિક ફાળવણી કરી છે.
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત જી-૨૦ રાષ્ટ્રની અધ્યક્ષતા કરી રહ્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં જી-૨૦ની ૧૬ બેઠકોનું યજમાન બનશે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જી-૨૦ની ત્રણ બેઠકો બિઝનેસ જી-૨૦ ઇન્સેપ્શન મિટિંગ ગાંધીનગરમાં, પ્રવાસન પર આધારિત બીજી બેઠક ધોરડો-કચ્છમાં અને ત્રીજી અર્બન-૨૦ શેરપા ઇન્સેપ્શન બેઠક અમદાવાદમાં યોજાઈ ગઈ. આગામી માર્ચ મહિનામાં સુરતમાં અને જૂન મહિનામાં એકતાનગર-કેવડિયા સહિત વર્ષ ૨૦૨૩માં ગુજરાતમાં જી ૨૦ સમૂહના પ્રતિનિધિઓની અન્ય ૧૩ બેઠકો યોજાશે એવું તેમણે તેમના સંબોધનમાં કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular