પાન નલિનની ફિલ્મ ‘છેલ્લો શો’, ગુજરાતના એક ગામડાના એક છોકરાની ફિલ્મો બનાવવાનું સપનું જોતા આવનારા સમયની વાર્તા છે, જેણે ઓસ્કાર શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.
નિર્માતાઓ અને દિગ્દર્શકો પાસે LA માં ફિલ્મની પબ્લિસિટી કરવાના યોગ્ય અભિયાન માટે કોઈ બજેટ ન હતું, છતાં પણ આ પ્રાદેશિક ભાષાની ફિલ્મે મેળવેલી આ સિદ્ધિ અદભૂત છે. આ મોટા સમાચાર પર પ્રતિક્રિયા આપતા, નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર, નિર્માતા ધીર મોમાયા અને દિગ્દર્શક પાન નલિને સંયુક્ત રીતે એક નિવેદનમાં કહ્યું: ‘અમે નમ્ર અને આનંદિત છીએ કે સિનેમેટિક માધ્યમ ‘છેલ્લો શો’ (‘Last Film Show’)માં અમારા હૃદયપૂર્વકના અભિનયને વિશ્વની પ્રસિદ્ધ પુરસ્કાર સંસ્થા, એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ (ઑસ્કાર) દ્વારા માન્યતા આપવામાં આવી છે.
‘ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે અને અમે આશા રાખીએ છીએ કે ઓસ્કાર બહુ જલ્દી ઘરે આવે.’
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ તાજેતરમાં ચેન્નાઈમાં મીડિયાના એક વર્ગને બતાવવામાં આવી હતી, જેમણે ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું અને તેના ડિરેક્ટર પાન નલિન પણ સ્ક્રીનિંગમાં હાજર હતા.
‘છેલ્લો શો’ જર્મનીના ‘ઓલ ક્વાયટ ઇન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’, આર્જેન્ટિનાના ‘આર્જેન્ટિના, 1985’, મેક્સિકોના ‘બાર્ડો- ફૉલ્સ ક્રોનિકલ ઓફ અ હેન્ડફુલ ટ્રુથ્સ’, સ્વીડનની ‘કૈરો કન્સ્પાયરસી’, મોરોક્કોની ‘ધ બ્લુ કફ્ટાન’, બેલ્જિયમની ‘ક્લોઝ’, ઑસ્ટ્રિયાની ‘કોર્સેજ’, દ. કોરિયાની ‘ડિસિઝન ટુ લીવ’, પોલેન્ડની ‘EO’, ડેનમાર્કની ‘હોલી સ્પાઈડર’, પાકિસ્તાનની ‘જોયલેન્ડ’, આયર્લેન્ડની ‘ધ ક્વાયટ ગર્લ’, કંબોડિયાની ‘રિટર્ન ટુ સિઓલ’ અને ફ્રાન્સની ‘સેન્ટ ઓમર’ જેવી ફિલ્મો સાથે સ્પર્ધા કરશે.
એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા બુધવારે 95માં એકેડેમી એવોર્ડની શોર્ટલિસ્ટ જાહેર કરવામાં આવી હતી. 95મા એકેડેમી પુરસ્કારો માટેના નામાંકન 24 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે, જ્યારે ઓસ્કાર સમારોહ 12 માર્ચે લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાશે.
‘છેલ્લો શો’, અથવા અંગ્રેજીમાં ‘લાસ્ટ ફિલ્મ શો’ ફિલ્મને સિદ્ધાર્થ રોય કપૂર દ્વારા તેમના બેનર રોય કપૂર ફિલ્મ્સ હેઠળ રજૂ કરવામાં આવી રહી છે. પાન નલિને જુગાડ મોશન પિક્ચર્સ સાથે મળીને તેની પોતાની કંપની મોનસૂન ફિલ્મ્સ હેઠળ ફિલ્મનું સહ-નિર્માણ કર્યું છે.