લોકલ ટ્રેન એ મુંબઈ અને મુંબઈગરાની લાઈફલાઈન છે, પણ શું તમને ખબર છે કે દુનિયાનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? જો આ સવાલનો જવાબ નામાં છે તો તમારી જાણ માટે કે દુનિયાનું સૌથી મોટું રેલવે સ્ટેશન સૌથી વધુ વસતી ધરાવતા ચીન કે ભારતમાં નહીં પણ અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં છે અને તેનું નામ છે ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ.
આ સ્ટેશન 1901થી 1903 સુધી બનાવવામાં આવ્યું હતું. આ સ્ટેશન બનાવવામાં આવ્યું એ પાછળ ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. પેનિસિલ્વિયાના રેલ રોડને ટક્કર આપવા માટે આ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્ટેશનનું નિર્માણ એ સમયે થયું હતું જ્યારે મોટા મોટા મશીનો નહોતા અને આ મોટા રેલવે સ્ટેશન બનાવવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો.
અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ રેલવે સ્ટેશન એટલું મોટું છે કે તેને બનાવતી વખતે રોજ 10 હજાર માણસો એક સાથે કામ કરતાં હતા. આ સ્ટેશન પોતાની વિશાળતા જ નહીં પણ સુંદર ડિઝાઈન માટે પણ વખણાય છે. આ સ્ટેશન પર એક સાથે 44 ટ્રેન એક સાથે ઊભી રહી શકે છે. તમારી જાણ માટે કે ગ્રેન્ટ સેન્ટ્રલ ટર્મિનલ પર અનેક ફિલ્મોનું શુટિંગ પણ થયું છે.
દુનિયા બાદ ભારતની વાત કરીએ તો દેશનું સૌથી મોટું રેલવે જંક્શન યુપીનું મથુરા છે. તમાર જાણ માટે જંક્શન એવા સ્ટેશનને કહેવામાં આવે છે જ્યાં એક રેલવે સ્ટેશન પરથી ઓછામાં ઓછા ત્રણ રૂટ પસાર થતાં હોય. આ જ રીતે ઉત્તર પ્રદેશના ગોરખપુર રેલવે સ્ટેશન ખાતે દુનિયાનું સૌથી લાંબુ પ્લેટફોર્મ આવેલું છે. આ પહેલાં રેકોર્ડ ખડગપુર રેલવે સ્ટેશનના નામે હતો.