એન્ડિયન કન્ડોર… દુનિયાનું સૌથી મોટું ઊડી શકતું પક્ષી છે અને તે ગીધ પ્રજાતિનું છે. આ પક્ષીની પાંખની લંબાઈ 11 ફૂટ અને તેનું વજન 15 કિલો જેટલું હોય છે. ઘણી વખત આ પક્ષી તેના વજન કરતાં વધારે ખાઈ લે છે, ત્યારે તેને આરામ લેવાની ફરજ પડે છે. ખાધેલું પચી જાય બાદ તે ફરી ઉડવાનો પ્રયાસ કરે છે. સામાન્યપણે આ પક્ષી એન્ડિઝ પર્વતમાળાની આસપાસમાં જ જોવા મળે છે.
એન્ડિઝની પર્વતમાળા દુનિયાની સૌથી લાંબી પર્વતમાળા ગણાય છે. લેટિન અમેરિકાના 7 દેશ સહિત વેનેઝ્યુએલા, કોલંબિયા, ઈક્વાડોર, પેરુ, બોલિવિયા, ચિલી અને આર્જેન્ટિના સહિત અનેક દેશોમાં તેનો ફેલાવો જોવા મળે છે. એન્ડિયન કંડોર આ જ પર્વતોની આસપાસ ઉડતા કે બેસેલા જોવા મળે છે અને તે ખૂબ જ ઊંચાઈ પર પોતાનો માળો બાંધે છે. તેની આ ખાસિયતને કારણે જ તેને દુનિયાનું ઊડી શકનારું સૌથી મોટું પ્રાણી પણ કહેવાય છે.
નર અને માદા વચ્ચેનો ફરક ઓળખવો હોય તો ગળા પરનો સફેદ રંગના કોલર પરથી જ ઓળખી શકાય છે. નરને ગળા પર સફેદ રંગનો કોલર હોય છે, જ્યારે માદાના ગળા પર આવો કોઈ કોલર જોવા મળતો નથી. પરંતુ હવે તેમની સંખ્યા ઘટી રહી છે અને ધીરે ધીરે નામશેષ થવાને આરે પહોંચી ગયા છે. આ પાછળનું મુખ્ય કારણ તેમનો કરવામાં આવતો શિકાર છે.
એન્ડિયન કન્ડોર હંમેશા ઊંચાઈ પર જ રહેશે અને સમુદ્ર કિનારે રહેલી મરેલી માછલીઓ અને મૃત પ્રાણીઓ ખાય છે, જેને કારણે તેને પર્યાવરણને સ્વચ્છ રાખનાર પક્ષી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભોજનની શોધમાં આ પક્ષી દરરોજ આશરે 120 માઈલનો પ્રવાસ કરે છે અને ક્યારેક ક્યારેક અન્ય પક્ષીના માળામાં રહેલાં ભોજન પર પણ તેઓ તરાપ મારે છે. ભલે તેમને ગીધની પ્રજાતિના પક્ષી માનવામાં આવે છે, પણ તેઓ સારા શિકારી નથી.
આ પક્ષીનો લાઈફ સ્પેન 60થી 70 વર્ષનો હોય છે, એટલે એન્ડિઝ ટેકરી પર રહેનારા લોકો તેને અમર પક્ષી તરીકે પણ ઓળખે છે. એક માન્યતા પ્રમાણે જ્યારે આ પક્ષી વૃદ્ધ થાય છે અને તેની જીવવાની ઈચ્છા સમાપ્ત થઈ જાય છે કે શક્તિ રહેતી નથી ત્યારે તેઓ સર્વોચ્ચ શિખર પર રહીને પોતાના મૃત્યુની રાહ જુએ છે….