મીઠાં-મધુરાં નાનાં જાંબુના મોટા આરોગ્યવર્ધક ગુણો

ઇન્ટરવલ

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિક

સ્મરણશક્તિ વધારે છે
જાંબુના સેવનથી યાદશક્તિ વધે છે. જ્યારે મગજની નસોની ક્ષમતા ઘટવા લાગે ત્યારે યાદશક્તિ નબળી પડવાની ફરિયાદ વયસ્ક વ્યક્તિમાં જોવા મળે છે. જાંબુમાં
ઍન્ટિ-ઑક્સિડન્ટ ફ્લેવોનોઇડ્સની માત્રા સમાયેલી છે, જે સ્મરણશક્તિ વધારવામાં મદદ કરે છે.
ડાયાબિટીસના દર્દી
માટે ગુણકારી
ડાયાબિટીસના દર્દી માટે તો જાંબુનું ફળ એક વરદાન સમાન ગણાય છે. જાંબુના બીજનો ઉપયોગ અત્યંત ગુણકારી માનવામાં આવે છે. જાંબુ જ એક એવું ફળ ગણાય છે જે ડાયાબિટીસના દર્દીઓ કોઈ પણ પ્રકારની ચિંતા વગર ખાઈ શકે છે. જાંબુના ઠળિયાને સૂકવીને તેનો પાઉડર પાણીમાં ભેળવીને પીવાથી રોગને નિયંત્રણમાં રાખવામાં ફાયદો થાય છે.
ડાયાબિટીસના દર્દીઓએ જાંબુનું સેવન નિયમિત પ્રમાણભાન રાખીને કરવું
જોઈએ.
મોસમી ફળ હોવાથી તેનો ભાવ મોટાં શહેરોમાં આસમાને જોવા મળે છે. દવા પાછળ પૈસો ખર્ચવાને બદલે ફળાહાર કરીને રોગથી મુક્તિ મેળવવી વધુ લાભકારી ગણાય. જાંબુના સેવનથી લોહીમાં શર્કરાની માત્રા જળવાઈ રહે છે.
પાચનક્રિયા સુધારવામાં મદદરૂપ
ભોજનમાં અનિયમિતતા, બજારુ વાનગીઓનો આહારમાં વારંવાર ઉપયોગ કરવાને કારણે, બેઠાડુ જીવનશૈલીને પરિણામે પાચનક્રિયામાં ગરબડ અચૂક જોવા મળે છે. પાચનક્રિયા સુધારવા માટે જાંબુનું સેવન ગુણકારી ગણાય છે.
લિવર માટે પણ જાંબુ લાભદાયક મનાય છે. ૧૦૦ ગ્રામ જાંબુનું સેવન કરવાથી પેટની ગરબડની સમસ્યામાં રાહત મળે છે. વારંવાર ચૂંક આવવી કે પેટમાં દુખાવો થવાની તકલીફ હોય તેમને જાંબુની છાલનો રસ પીવાથી લાભ મળે છે.
ચહેરા પરના ડાઘ-ખીલ દૂર કરવામાં લાભદાયી
ચહેરા પર કાળા ડાઘની સમસ્યા હોય કે ખીલની સમસ્યાથી પરેશાન વ્યક્તિ જો જાંબુનાં પાંદડાંનો માવો ચહેરા પર રગડે તો ત્વચા ચમકદાર બને છે. ડાઘ કે ખીલનું પ્રમાણ ઘટવા લાગે છે.
દાંત-પેઢાંને મજબૂત કરવામાં ઉપયાગી
દાંત કે જડબામાં કીટાણુની સમસ્યા હોય કે દુખાવો રહેતો હોય ત્યારે જાંબુનાં બીજને વાટીને તેનો દંતમંજન તરીકે પ્રયોગ કરવાથી કીટાણુથી રાહત મળે છે. જાંબુનાં પાનને ઉકાળીને તે પાણીથી કોગળા કરવાથી દાંતના રોગ જેવા કે લોહી નીકળવું કે પેઢાંમાં સોજો આવવાની સમસ્યામાં રાહત મળે છે.
આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
આંખોમાં બળતરા થવી, થોડું વાંચતાં આંખ ભારે થવી, પાણી નીકળવું વગેરે સમસ્યા આજના યુગમાં સામાન્ય બની ગઈ છે. લાંબે ગાળે તેનાં પરિણામ પણ અત્યંત ભયંકર જોવા મળે છે. નાની વયમાં આંખોની રોશની ચાલી જવી કે આંખો નબળી પડવા લાગે છે. ચશ્માં કે લેન્સનો ઉપયોગ આંખોને જાળવવા કરવામાં આવે છે. કુદરતી રીતે આંખોની જાળવણી કરવી હોય તેમને માટે જાંબુનો આહારમાં ઉપયોગ શ્રેષ્ઠ ગણાય છે.
ડિજિટલ યુગમાં વ્યક્તિ પોતાના મોબાઈલમાં એટલી તો વ્યસ્ત બની ગઈ છે કે તેને પોતાનાં અંગોની તંદુરસ્તી જાળવવાનું પણ યાદ રહેતું નથી. જ્યારે સમસ્યા વધવા લાગે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. જાંબુનાં પાનને સ્વસ્છ કરીને તેને પાણીમાં ઉકાળી લેવાં. પાણી ઠંડું થાય ત્યારે મોંમાં ભરીને સાદા પાણીથી આંખો પર છાલક મારવાથી આંખને ઠંડક મળે છે.
લોહી શુદ્ધ કરે છે
જાંબુ અનેક ગુણોથી ભરપૂર ફળ છે. જાંબુની છાલ લોહી શુદ્ધીકરણનું કામ કરે છે, જે લોહીને શુદ્ધ કરીને ત્વચાને નિખારવામાં મદદ કરે છે. ચયાપચયની ક્રિયાને સુધારવામાં પણ જાંબુનું સેવન ગુણકારી ગણાય છે.
હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ
જાંબુમાં વિટામિન સી, આયર્નની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે, જે લોહીમાં હિમોગ્લોબિનની માત્રા વધારવામાં મદદ કરે છે. જાંબુમાં સમાયેલું આયર્ન લોહી શુદ્ધીકરણનું કામ કરે છે. મહિલાઓને માસિકને કારણે પ્રત્યેક માસમાં શરીરમાંથી લોહી વહી જતું હોય છે. આવા સંજોગોમાં શરીરમાં નબળાઈ વર્તાય છે. જાંબુનું સેવન શરીરને બળ પ્રદાન કરે છે. કમળાને કારણે શરીરમાં આયર્નની માત્રા ઘટવા પામે છે. આવા સંજોગોમાં પણ જાંબુનું સેવન ગુણકારી ગણાય છે.
બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી
જાંબુમાં પોટેશિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. હાઈ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં, હાર્ટ ઍટેક તથા સ્ટ્રોકથી બચાવવામાં તે મદદ કરે છે.
—————–
થોડા સમય પહેલાં એક વૉટ્સઅપ મેસેજ ફરતો હતો. આ મોસમમાં આંબા મનભરીને ખાજો. આંબાના ગોટલાને સાચવી રાખજો. તેનું કારણ પર્યાવરણને બચાવવાનું જ દર્શાવવામાં આવ્યું હતું. ખાસ લખવામાં આવ્યું હતું કે તમે જ્યારે ગાડી લઈને નેશનલ હાઈવે પરથી પસાર થતા હોવ ત્યારે આંબાના ગોટલાને રસ્તાની એક કોરાણે મૂકી દેજો કે ખુલ્લી જગ્યા દેખાય ત્યાં ફેંકજો, જેથી વરસાદ આવે ત્યારે આપોઆપ ગોટલામાંથી બીજ દ્વારા વૃક્ષ ઊગે. નાનો પણ પ્રયોગ વાસ્તવમાં કરવા જેવો છે. હાલમાં ફળોનો રાજા ગણાતા આંબાની મોસમ પુરબહારમાં ચાલી રહી છે, ત્યારે મીઠાં-મધુરાં મોસમી ફળ ગણાતાં જાંબુએ પણ બજારમાં પોતાની હાજરી પુરાવવાની શરૂઆત કરી દીધી છે. જાંબુડી રંગ ધરાવતાં જાંબુને વરસાદી મોસમમાં માણવાનો એક આગવો આનંદ છે. જાંબુ દેખાવમાં નાનું લાગતું ફળ સ્વાસ્થ્યને જાળવી રાખવાના અનેક ગુણોનો ખજાનો ધરાવે છે. વળી ખાસ વાત તો એ છે કે જાંબુનો માવો જેટલો સ્વાસ્થ્યવર્ધક ગણાય છે તેટલા જ ઉપયોગી તેના ઠળિયા છે.
જાંબુના વૃક્ષને સદાબહાર વૃક્ષ ગણવામાં આવે છે. ૩૦-૩૫ ફૂટ ઊંચું વધે છે. વળી તેના છોડને લગાડ્યા બાદ ધીમે ધીમે તેના પર ફળ આવે છે. જો યોગ્ય માવજત કરવામાં આવે તો વૃક્ષ ૩૫-૪૦ વર્ષ સુધી ફળ આપે છે. વૃક્ષનું આયુષ્ય તો ૫૦-૬૦ વર્ષનું ગણાય છે. અનેક વખત તે ૧૦૦ વર્ષ સુધી પણ લીલુંછમ રહે છે.
જાંબુના વૃક્ષ ફળની સાથે છાંયો પણ આપે છે. જાંબુનાં ફૂલ નાનાં પીળાં રંગનાં જોવા મળે છે. સુગંધિત પણ હોય છે. માર્ચ-એપ્રિલ માસમાં જ ફૂલ ઊગે છે. ધીમે ધીમે ફૂલોમાંથી જાંબુનાં ફળ બનવા લાગે છે. તેે સમયે ફળનો રંગ લીલો દેખાય છે. ધીમે ધીમે તેનો રંગ લાલ બનવા લાગે છે. ફળ જ્યારે બરાબર પાકી જાય ત્યારે તેનો રંગ જાંબુડી બની જાય છે. જાંબુનો પાક મેળવવા માટે વૃક્ષની યોગ્ય માવજત કરવી જરૂરી છે. સમય સમય પર ડાળીઓની કાપણી-છાંટણી કરવી જરૂરી છે. આમ કરવાથી વૃક્ષ લીલુંછમ રહેવાની સાથે ફળ પણ વધુ આપે છે.
જાંબુમાં વિટામિન, કૅલ્શિયમ, આયર્ન, પોટેશિયમના પોષક ગુણો સમાયેલા છે. જાંબુને ગ્લુકોઝ તથા ફ્રુક્ટોઝનો મુખ્ય સ્રોત ગણવામાં આવે છે. અન્ય ફળની તુલનામાં કૅલરીની માત્રા ઓછી જોવા મળે છે. એક મધ્યમ આકારનું જાંબુ ૩-૪ મિલિગ્રામ કૅલરી આપે છે. જાંબુના બીજમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કૅલ્શિયમની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે. ૧૦૦ ગ્રામ જાંબુમાં ૧-૨ મિલિગ્રામ આયર્નની માત્રા સમાયેલી છે. વિટામિન બી, કેરોટિન, મેગ્નેશિયમ તથા ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો મોસમી ફળ તરીકે જાણીતાં જાંબુને ‘આયુર્વેદિક હર્બ’ તરીકે ઓળખવામાં આવે છે. જાંબુના સેવનથી અનેક રોગમાં રાહત મેળવી શકાય છે. આયુર્વેદમાં પણ જાંબુ ખાવાની ખાસ ભલામણ કરવામાં આવી છે. જાંબુ અમ્લીય પ્રકૃતિનું ફળ ગણાય છે, તેથી તેને ખાતાં પહેલાં તેના પર સિંધવ કે મીઠું ભભરાવવામાં આવે છે. જાંબુનો પ્રભાવ ઠંડો ગણાય છે. દેશ-વિદેશમાં જાંબુની અનેક જાતો જોવા મળે છે.
જાંબુનાં ફળને માટીના વાસણમાં મીઠું નાખીને થોડા દિવસ તડકામાં રાખવાં. ધીમે ધીમે તેનો રસ બનવા લાગશે. બરાબર રસદાર બની જાય એટલે ગાળીને તેનો ઉપયોગ કરવો ડાયાબિટીસના રોગમાં, ઊલટી, કબજિયાતની સમસ્યા કે કૃમિની સમસ્યામાં લાભદાયક બનશે.
————–
જાંબુનું શરબત
સામગ્રી: ૧ કિલો જાંબુ, ૨૫૦ ગ્રામ દળેલી ખાંડ, ૧ ચમચી સંચળ, શેકેલા જીરાનો પાઉડર, ૧ નાની ચમચી મરીનો પાઉડર , ૧ નાની ચમચી લીંબુનો રસ.
બનાવવાની રીત: જાંબુના ઠળિયા કાઢીને માવો તૈયાર કરવો. માવાને મિક્સરમાં જરૂર મુજબ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું. તેમાં ખાંડ, સંચળ પાઉડર, શેકેલા જીરાનો પાઉડર તથા મરીનો પાઉડર ભેળવીને બરાબર મિક્સ કરી લેવું. લીંબુનો રસ ભેળવીને પીવાના ઉપયોગમાં લેવું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.