પ્રાસંગિક -અનંત મામતોરા
લારા દત્તાને છેલ્લે લોકોએ ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં જોઈ હતી અને તેના ગેટઅપ વિશે ખાસ્સી ચર્ચા થઇ હતી. મિસ યુનિવર્સનું ટાઇટલ મેળવ્યા પછી લાઇમ લાઇટમાં આવેલી લારા અન્ય સુંદરીઓની જેમ અભિનય ક્ષેત્રમાં આવી. તેની કારકિર્દી બહુ સફળ કહેવાય તેવી તો નહોતી જ, પણ ૨૬ વર્ષની પોતાની કારકિર્દીમાં લારા દત્તા છેલ્લાં ૫ાંચ વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ વ્યસ્ત છે. તાજેતરના સમયમાં, લારા દત્તાએ અભિનયની દુનિયામાં તેની નવી ઇનિંગ્સ શરૂ કરી છે અને તે ચોક્કસપણે એક શાનદાર શરૂઆત છે. આ થોડાં વર્ષોમાં ફિલ્મોથી લઈને વેબ સિરીઝની દુનિયામાં ખૂબ જ વ્યસ્ત રહેનારી લારા દત્તાને લાગે છે કે આ ઉંમરે તેને કોઈ પણ પ્રકારના પાત્રને જીવવા માટે વધુ સ્વતંત્રતા આપી છે, જે તેને ખૂબ આકર્ષે છે. વાતચીતમાં તેણે જણાવ્યું કે કેવી રીતે તે હંમેશાં એક બિઝનેસવુમન, એક માતા, પત્ની અને એક કલાકારની તેની વિવિધ ભૂમિકાઓથી ઘેરાયેલી રહે છે અને મજાની વાત એ છે કે તેને ક્યારેય એક વસ્તુ માટે બીજી વસ્તુનું બલિદાન આપવાની જરૂર નથી પડી. આ ઈન્ટરવ્યુમાં તેણે ફિલ્મી દુનિયામાં પોતાની નવી જર્ની વિશે ખૂલીને વાત કરી છે.
વ્યાવસાયિક સફરના નવા તબક્કાનો આનંદ માણી રહી છું
લારા દત્તાએ ઓટીટી પ્લેટફોર્મ પર વાત કરતાં કહ્યું કે ઓટીટીએ કલાકારો માટે મોટી તકો ખોલી છે. તેણે કહ્યું, ‘મને લાગે છે કે હું અત્યારે મારી કારકિર્દીનું શ્રેષ્ઠ કામ કરી રહી છું. છેલ્લાં ૨-૩ વર્ષમાં જે કામ થઈ રહ્યું છે તેની માત્રા અને ગુણવત્તા ઘણી સારી છે. હું મારી વ્યાવસાયિક સફરના નવા તબક્કાનો આનંદ માણી રહી છું. હું જે ફિલ્મો અને શો કરી રહી છું તેમાં મેં મારા માટે રોમાંચક અને પડકારજનક ભૂમિકાઓ લીધી છે.
મને મારી જાતને કોઈ પણ બોક્સમાં ફિટ કરવાની જરૂર નથી લાગતી
લારાને પૂછવામાં આવ્યું હતું કે તાજેતરના સમયમાં જે પ્રકારનું ક્ધટેન્ટ ટ્રેન્ડ કરી રહ્યું છે તે જોતાં શું તને લાગે છે કે તે કલાકારોની ઉંમરના અવરોધને તોડે છે? આ સવાલના જવાબમાં લારાએ કહ્યું, ‘એક્ટ્રેસ તરીકે હું મારી ઉંમરને મારી સ્વતંત્રતા તરીકે જોઉં છું. મને હવે મારી જાતને કોઈ પણ બોક્સમાં ફિટ કરવાની જરૂર નથી લાગતી. એક અગ્રણી મહિલા અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હોવાને કારણે લોકોએ હંમેશાં મને ગ્લેમરસ લેન્સથી જોઈ છે. ઉંમરને કારણે મને પાત્રો અને ભૂમિકાઓમાં સ્વતંત્રતા મળી છે. અભિનયના સ્નાયુઓ ઉત્તેજિત છે, પરંતુ થોડાં વર્ષો પહેલાં સુધી તેનો ઉપયોગ થતો નહોતો. દરેક વ્યક્તિ ઘરમાં પોતાની ભૂમિકા અને કામ વચ્ચે સારું સંતુલન જાળવવા માગે છે. આ બધાની વચ્ચે એવા જીવનસાથીની શોધ કરવી પણ ખૂબ જ જરૂરી છે જે તમને સાથ આપે. હું નસીબદાર છું કે મહેશ (ભૂપતિ) મળ્યો અને અમે સાથે મળીને બધું કર્યું.
દીકરી સાયરા વિશે
લારાએ તેની પુત્રી સાયરા વિશે પણ વાત કરી અને તે અભિનયમાં તેના પુનરાગમન વિશે શું વિચારે છે. લારાએ કહ્યું, ‘સાયરાએ હંમેશાં મને વર્કિંગ મધર તરીકે જોઈ છે. હા, વચ્ચે એક તબક્કો હતો જ્યારે મેં નાનો વિરામ લીધો, કારણ કે તે યુવાન હતી. મહેશની ટૂર વખતે હું પ્રવાસમાં રહેતી હતી. મને વ્યસ્ત જોતાં જોતાં જ મોટી થઈ છે. હું ઇચ્છું છું કે તેને ખબર પડે કે હું મારા કામ પ્રત્યે ઉત્સાહિત છું, હું તેનો આનંદ માણું છું અને તે નાણાકીય સ્થિરતા અને સ્વતંત્રતા લાવે છે. મને આશા છે કે આ વિચારો તેનામાં પણ ખીલશે.