Homeઉત્સવલપોડશંખ લાખ! તો કહે લે ને સવા લાખ!

લપોડશંખ લાખ! તો કહે લે ને સવા લાખ!

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

કહેવત પાછળની કથા જાણવાથી જીવનના કેટલાક સત્ય સમજાઈ જતા હોય છે. કહેવત કેમ પડી એની જાણકારી મળવાની સાથે સાથે જીવનની ફિલસૂફી પણ સમજાઈ જાય છે. શીતળદાસ નામના એક સાધુ પાસે નાનકડી શંખલી હતી. સાધુ રોજ એની સેવા પૂજા કરતો અને એ શંખલી શિરપાવ રૂપે એને સવા વાલ સોનું આપતી જેના વડે સાધુનું ગુજરાન ચાલી જતું. એક દિવસ શીતળદાસની મુલાકાત અડબંગદાસ નામના સાધુ સાથે થઈ આ સાધુ પાસે એક સુશોભિત શંખ હતો અને એનું નામ લપોડશંખ હતું. અડબંગદાસ સેવા પૂજા કરી પુછે કે કેમ? લપોડશંખ લાખ! તો કહે લે ને સવા લાખ! એવો જવાબ આપતો. જોકે, કંઈ આપવાની વાત નહીં, માત્ર બોલ બચ્ચન. નામ જેવા જ ગુણ એનામાં હતા. જેને અનુભવ હોય એ જ આ વાત જાણે, બાકીના તો એની બોલી સાંભળી તેના પર મોહિત થઈ જતા. શીતળદાસને આ શંખની માયા લાગી. સવા વાલ સોનું આપતી શંખલી એને તુચ્છ લાગવા લાગી. મોટો શંખ હોય તો ન્યાલ થઈ જવાય, આ નાની શંખલીથી ક્યારેય પૂંજી એકઠી નહીં થાય એવા વિચાર મનને ઘેરી વળ્યા. લોભ બહુ બુરી ચીજ છે. એક દિવસ અડબંગદાસ આડે પડખે થયો હતો ત્યારે શીતળદાસ લાગ જોઈ એની પાસે પોતાની શંખલી મૂકી લપોડશંખ ઉપાડી ચાલતો થયો. આંખ ખુલતા અડબંગદાસ શંખલી જોઈ રાજી રાજી થઈ ગયો. એને તો બગાસું ખાતા પતાસું મળ્યું જેવો ઘાટ થયો. આ તરફ શીતળદાસ હરખાતો હરખાતો લપોડશંખ લઈ ઘરે ગયો. શંખને સન્મુખ રાખી બોલવા લાગ્યો કે ‘વાહ, કેવો સુંદર શંખ છે. પેલી નાની શંખલી કોઈ કામની નહોતી. આવા શંખથી જ દરિદ્રતા દૂર થાય.’ નાહી ધોઈ શંખની પૂજા કરી અને પછી માગ્યું કે ‘લાવ લપોડશંખ લાખ’. તરત શંખ બોલ્યો કે ‘લે ને સવા લાખ.’ શીતળદાસ રાજી થયો અને બોલ્યો કે ‘લાવ સવા લાખ.’ તરત શંખ બોલ્યો કે ‘લે ને બે લાખ.’ આ સાંભળી શીતળદાસ વધુ લલચાયો અને વાત ‘લે ને ચાર લાખ’, લાવ ચાર લાખ’થી વધીને દસ લાખ સુધી પહોંચી. આ સંવાદથી સાધુ શીતળદાસની આંખો અંજાઈ ગઈ અને આટલા બધા રૂપિયા મળશે એ ખ્યાલથી ઉઘાડી આંખે સપનાં જોવા લાગ્યો. વાતનો ધરવ થયા પછી ધનનો ઢગલો જોવાની ઈચ્છા થઈ એટલે શંખને કહ્યું, ‘બસ બસ હવે એ રૂપિયા આપી દે.’ આ સાંભળી શંખ બોલ્યો કે ‘શેના રૂપિયા?’ જવાબમાં શીતળદાસે કહ્યું કે ‘તે જે રૂપિયા આપવાની વાત તારા મોઢે કરી એ પૈસા મને જોઈએ છે.’ આ સાંભળી શંખ બોલ્યો કે ‘હું તો લપોડશંખ! કહું પણ આપું નહીં. માટે જે માંગવું હોય એ માગ. પણ તને કશું મળશે નહીં એ વાત સમજી લે.’ શીતળદાસ તો આ ખુલાસો સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. સવા વાલ સોનું આપતી શંખલી ખોઈ એનો ભારે પસ્તાવો થયો. લોભ કેટલી બુરી ચીજ છે અને કરો તેવું પામો એ જીવનના મહત્ત્વના પાઠ આ કહેવત કથા સરસ રીતે સમજાવી જાય છે.
———–
PLACEBO – NOCEBO
મેડિકલ સાયન્સ યાને કે તબીબી વિજ્ઞાનમાં ઔષધનું મહત્ત્વ સૌથી ઊંચું આંકવામાં આવ્યું છે. યોગ્ય અને જરૂરી દવા જટિલ બીમારીને પણ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે, આધુનિક તબીબી વિજ્ઞાન ઔષધની સાથે ટ્રીટમેન્ટ એટલે કે સારવાર કરવાની રીતે પણ પ્રાધાન્ય આપે છે. ઘણી વાર ડોક્ટરના બે શબ્દો બે ડોઝ કરતાં વધુ કામ કરી જાય છે. PLACEBO EFFECT (પ્લાસિબો લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે મારાથી ફાયદો થશે) એક એવી પદ્ધતિ છે જેમાં હકીકત કરતાં લાગણી વધુ કામ કરી જાય છે. ડોક્ટરની હાજરી માત્રથી પેશન્ટ રાહત અનુભવવા લાગે એવા અનેક
ઉદાહરણ છે.
ગુજરાતીમાં એક જાણીતી કહેવત છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. મનનો મહિમા ગાતી આ કહેવતને પ્લાસિબો ઈફેક્ટ સાથે નાતો છે. સરળ ભાષામાં કહીએ તો દરદીને દવા આપી છે એમ કહીને ચોકલેટ ખવરાવી દેવામાં આવે છે. દરદી એમ માનતો હોય છે કે તેણે દવા ખાધી છે અને કેટલાક કેસમાં તો પોતાને સારું થઈ ગયું હોવાનું માની બેસે છે. ક્લિનિકલ ટ્રાયલ્સ (દવાના અખતરા)માં પ્લાસિબો ઈફેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. મોડર્ન ડોક્ટરોના કહેવા પ્રમાણે પ્લાસિબો ઈફેક્ટથી તમને સારું લાગી શકે છે, તમને સારું થઈ નથી જતું.
આ પદ્ધતિથી એકદમ વિપરીત પદ્ધતિ PLACEBO EFFECT (લેટિન ભાષાના શબ્દ નોસેબોનો અર્થ થાય છે મારાથી નુકસાન થશે) તરીકે ઓળખાય છે. ફલાણી સારવારથી પોતાને નુકસાન જ થશે એવું દરદીએ ધારી લીધું હોવાથી પીપરમિન્ટ ખવરાવી હોવા છતાં પોતાની તબિયત બગડી હોવાની ભ્રામક અવસ્થામાં દરદી રહે છે. કોઈ દવાની સાઈડ ઈફેક્ટ – આડ અસર- થશે એવું જો દરદી માની બેશે તો એને દવાની બદલે શુગર પીલ આપી હોય તો પણ દરદીને અસુખ થવા લાગે. એકંદરે આ બધા મનના ખેલ છે.
————–
डोळे हे जुलमि गडे
સ્થૂળ ભાવમાં આંખ એ જોવાની ઈન્દ્રિય તરીકે ભલે ઓળખાતી હોય, એ ઈર્ષ્યા ભાવ માટે કે કૃપાદ્રષ્ટિ માટે પણ જાણીતી છે. આ આંખ કામણગારી પણ કહેવાય છે. મરાઠી ભાષાની પ્રખ્યાત પંક્તિઓ છે કે
डोळे हे जुलमि गडे, रोखुनि मज पाहुं नका । जादुगिरी त्यांत पुरी, येथ उभे राहुं नका. આંખને મરાઠીમાં ડોળા કહેવાય છે. આજે આપણે એના કેટલાક રૂઢિપ્રયોગ જાણીએ.डोळयांत धूळ फेंकण એટલે કોઈને ફસાવવું. ગુજરાતીમાં કહીએ છીએ ને કે આંખમાં ધૂળ ફેંકવી, એ જ ભાવાર્થ. मवाल्यानी एका साध्या माणसाच्या डोळ्यांत धूळफेक केली आणि त्याचा खिसा कापला. . મવાલી એક સીધા સાદા માણસની આંખમાં ધૂળ ફેંકી, મતલબ કે એને ફસાવીને એનું ખિસ્સું કાપી ગયો. डोळ्यांवर कातडे ओढणे એટલે ઈરાદાપૂર્વક દુર્લક્ષ કરવું. જોયું છતાં ન જોયું કરવું.चालाख चोराने चौकशीच्या वेळी डोळ्यांवर कातडे ओढून घेतले. ચોર એટલો ચાલાક હતો કે પોતે ફસાય નહીં એ માટે ઉલટતપાસ વખતે તેણે અજાણ હોવાનો ડોળ કર્યો જેથી પોતાના પર આળ ન આવે. डोळा चुकविणे એટલે નજર ચૂકવવી. देणकर्यांचा तगादा चुकविण्यासाठी घेणेकरी त्याच्या डोळा चुकवितात. લેણદારોની ચુકવણી ટાળવા દેણદારો એમની નજર ચૂકવી પલાયન થવાની કોશિશ કરતા હોય છે.डोळे राहणे એટલે કોઈ વસ્તુ બેહદ પસંદ પડી જાય એટલે આંખના પલકારા માર્યા વિના એકીટસે એને જોયા કરવી. त्या सुंदर इन्द्रधनुष्यावर माझे डोळे खिळून राहिले.. મેઘધનુષનું સૌંદર્ય જોઈ મારી આંખો પલકારા મારવાનું ભૂલી ગઈ.
————–
पंख होती तो उड आती रे…
पक्षी के अंगो में पंख अत्यंत महत्वपूर्ण माने जाते है. यही वह अंग है जो उसे अन्यान्य जीवो से भिन्न बनाता हैं, उसे उडने की वह क्षमता प्रदान करता है जो उसकी विशेषता है.. પક્ષીનું બચ્ચું સહેજ મોટું થાય એટલે પાંખો ફૂટે અને એ ઉડવા લાગે. છોકરાઓ સમજણા થાય એટલે ઘર , દેશ છોડી પોતાની ઈચ્છા મુજબ ઉડવા લાગે એ માટે હિન્દીમાં રૂઢિપ્રયોગ છેपर निकलना.. બાળકોને પાંખો ફૂટે એટલે चल उड जा रे पंछी के अब यह देस हुआ बेगाना જેવી પરિસ્થિતિ પેદા થવાના અનેક ઉદાહરણ જોયા – સાંભળ્યા હશે. ક્યારેક पर कट जाते है (बेसहारा या बेबस होना) જેવી પરિસ્થિતિમાં પણ માણસ મુકાઈ જતો હોય છે. જુલમી શાસકો ક્રાંતિકારી વિચાર ધરાવતા લોકોની પાંખો કાપી નાખવા માટે નામચીન હતા. આ સિવાય કયારેકपर जलते है (હિંમત ગુમાવી દેવી)या कोई पर बांध लेता है (વશમાં કરવું) જેવી નિ:સહાય પરિસ્થિતિ પણ પેદા થતી હોય છે. પોતાના જોરે ગગનમાં મુક્તપણે વિહરવા માગતા લોકો માટે कोई अपने परों पर उडना चाहता है એમ કહેવાય છે જ્યારે કોઈનો ખોફ એવો હોય કે એની મરજી વિના તમે એની આસપાસ ફરકી પણ ન શકો એ માટે परिंदे पर भी नहीं मार सकते એ પ્રયોગ બહુ જ જાણીતો છે. કોઈ એવા જુલમગાર અને હઠાગ્રહી હોય છે કે चिडिया के पर बांधकर उसे उडाना चाहता है. કેટલાક લોકો એટલા શાણા હોય છે કેउडती चिडिया के पंख गिनकर नही नहीं रह जाते. उडते बुलबुल के पर बांध लेने का इरादा भी रखते है.પાંખ ભાષામાં કેવી સરસ રીતે વણાઈ
ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular