લાલસિંહ ચઢ્ઢા સુપર ફ્લોપ, ડોશી મરી જાય તેનો ભો નથી…

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થઈ ગઈ ને સુપર ફ્લોપ પણ થઈ ગઈ. આમિર ખાનની મૂવી હોવાથી ભારે ઉત્સુકતા હતી પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધબોનારાયણ થઈ ગઈ. ‘લાલસિંહ ચઢ્ઢા’ આ વર્ષે બોલીવૂડની બુંદ ટાળનારી ફિલ્મ બનશે એવી આશા રખાતી હતી. બલ્કે આમિર ખાનની મૂવી હોવાથી ચાલશે જ એવો સૌને ભરોસો હતો. અમિર ખાનની સાથે કરીના કપૂર હોવાથી પણ સૌને પાકો ભરોસો હતો પણ આ ભરોસાની ભેંસે પાડો જણ્યો.
લાલસિંહ ચઢ્ઢા ૧૮૦ કરોડનાં બજેટમાં બનેલી ફિલ્મ હતી પણ પહેલા ચાર દાડામાં માત્ર ૩૮.૨૧ કરોડ રૂપિયાની કમાણી કરી શકી છે. આમિરની છેલ્લા એક દાયકામાં આવેલી મોટા ભાગની ફિલ્મોની કમાણી પહેલા દિવસે જ દિવસે આના કરતાં વધુ કમાણી કરી ચૂકી છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’એ પ્રથમ દિવસે એટલે કે ગુરુવારે ૧૧.૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એ પછી ફિલ્મ ઉપડશે એવું મનાતું હતું પણ એવું ના થયું.
આ મૂવીએ બીજા દિવસે એટલે કે શુક્રવારે ૭.૨૬ કરોડ રૂપિયા, ત્રીજા દિવસે એટલે કે શનિવારે રૂપિયા ૮.૭૫ કરોડ અને ચોથા દિવસે એટલે કે રવિવારે ૧૦.૫ કરોડ રૂપિયાનો ધંધો કરતાં બધો મળીને ૪૦ કરોડને પાર પણ આંકડો થયો નથી. શુક્રવારથી સળંગ ત્રણ દિવસ રજા હોવાથી આ ફિલ્મ સારો ધંધો કરશે એવું લાગતું હતું પણ લોંગ વિકેન્ડ પૂરું થઈ ગયું છે તેથી હવે આવક વધવાની સંભાવના નહિવત્ છે. ટૂંકમાં લાલસિંહ ચઢ્ઢા પણ નિષ્ફળ સાબિત થઈ ચૂકી છે.
‘લાલસિંહ ચઢ્ઢા’ કંગના રાણાવતની ધાકડ કે તાપસી પન્નુની શાબાશ મિઠુની જેમ સુપર ડુપર ફ્લોપ નથી થઈ પણ સુપર ફ્લોપ તો છે જ. ફિલ્મના બજેટના ૨૫ ટકા કલેક્શન આવે એ મૂવી સુપર ફ્લોપ જ કહેવાય. પહેલા ચાર દાડાનું કલેક્શન જોતાં ‘લાલસિંહ ચઢ્ઢા’ ૫૦ કરોડના આંકડાને પણ પાર કરશે કે કેમ તેમાં શંકા છે.
કમાણીનો આ આંકડો બોલીવૂડ માટે તો આંચકાજનક છે જ પણ અંગત રીતે આમિર ખાન માટે વધારે આઘાતજનક છે કેમ કે આમિરની ફિલ્મ માત્ર ૫૦ કરોડ રૂપિયામા સમેટાઈ ગઈ હોય એવું લાંબા સમય પછી બન્યું છે. છેલ્લા એક દાયકામાં આમિરની કોઈ ફિલ્મનો આટલો ઓછો વકરો થયો નથી તેથી કઈ ફિલ્મ છેલ્લે ધબોનારાયણ થયેલી એ યાદ કરવા પણ માથું ખંજવાળવું પડે એવી હાલત છે.
આમિરની ‘લાલસિંહ ચઢ્ઢા’ કેમ ના ચાલી એ વિશે અલગ અલગ મત છે પણ મુખ્ય કારણ આમિરની ફિલ્મનો બહિષ્કાર કરવા અપાયેલું એલાન મનાય છે. આમિર ખાન હિંદુ વિરોધી છે એ કારણસર ફિલ્મની રિલીઝ પહેલાં તેના પર બધા તૂટી પડ્યા હતા અને ફિલ્મનો બહિષ્કાર કરવાની ઝુંબેશ ચાલી હતી.
આ ઝુંબેશ ચલાવનારાંનું કહેવું છે કે, આમિર ખાન હિંદુ સંસ્કૃતિનો વિરોધી છે. આમિર પોતાના ધર્મનું ચુસ્ત રીત પાલન કરે છે પણ હિંદુ ધર્મની મજાક ઉડાવે છે. ૨૦૧૩માં રાજુ હીરાણીની ફિલ્મ ‘પીકે’ વખતે આમિરે કહેલું કે, શિવલિંગ પર દૂધ ચઢાવવું બકવાસ છે. તેના બદલે દૂધ જરૂરિયાતમંદોને આપવું જોઈએ. તેની સામે મુસ્લિમો મઝાર પર ચાદર ચઢાવે તેની સામે આમિર ચૂપ રહે છે. બલ્કે પોતે મુસ્લિમોની ટોપી પહેરીને મઝાર પર ચાદર ચઢાવવા પહોંચી જાય છે તેથી તેની ફિલ્મનો બહિષ્કાર કરીને પાઠ ભણાવવો જોઈએ.
આમિરે વરસો પહેલાં ભારતમાં અસહિષ્ણુતા વધી રહી છે એવી વાત કરેલી તેને પણ મુદ્દો બનાવાયેલો. કેટલાંકને આમિરની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવે ભૂતકાળમાં કરેલી વાત સામે વાંધો ઉઠાવ્યો હતો. કિરણે કહેલું કે, ભારત હવે રહેવા જેવો દેશ રહ્યો નથી, હું ભારતમાં મારી જાતને સુરક્ષિત મહેસૂસ કરતી નથી.
કરીનાએ ભૂતકાળમાં કહેલું કે, અમારી ફિલ્મ ના ગમતી હોય તો ના જોતા, અમે કોઈને દબાણ કરતા નથી. કરીનાએ મુસ્લિમ સૈફ અલી સાથે લગ્ન કર્યાં તેની સામે ને કેટલાંકને તેના દીકરાનું નામ તૈમૂર રાખ્યું તેની સામે વાંધો હતો. આ બધાં કારણોસર સોશિયલ મીડિયા પર BoycottLaalSinghChaddha સાથે ‘લાલસિંહ ચઢ્ઢા’નો બહિષ્કાર કરીને આમિરને પાઠ ભણાવવાની ઝુંબેશ જોરશોરથી ચાલી હતી.
આ મૂવી રિલીઝ થઈ પછી આમિરે ભારતીય લશ્કરનું અપમાન કર્યું હોવાનો મુદ્દો ઉમેરીને નવેસરથી બહિષ્કારનું એલાન થયેલું. દિલ્હીના એક આરોપ મૂકેલો કે, આમિરે પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’થી ભારતીય લશ્કરનું અપમાન કર્યું છે કેમ કે ફિલ્મમાં લશ્કર વિશે વાંધાજનક તથ્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં હિંદુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચે એવું પણ ઘણું છે. આ કારણે ટ્રોલિંગ આર્મી નવેસરથી મેદાનમાં આવી ગયેલી ને ફિલ્મનો બહિષ્કાર કરવા પાછી મેદાનમાં આવી ગયેલી.
હવે ‘લાલસિંહ ચઢ્ઢા’ નિષ્ફળ જતાં આ ટ્રોલિંગ આર્મી ફોર્મમાં છે. હિંદુઓએ પોતાની તાકાત બતાવીને આમિર ખાન જેવા હિંદુ વિરોધીને પાઠ ભણાવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. વિવેચકોનો એક વર્ગ માને છે કે, આમીરે હોલીવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની નકલ કરીને ફિલ્મ બનાવેલી ને અત્યારે ઈન્ટરનેટના જમાનામાં લોકોએ ઓરિજિનલ ફિલ્મ જોઈ જ લીધી હોય તેથી કોઈને રસ ના પડ્યો. હિંદુત્વવાદીઓ આ વાત માનવા તૈયાર નથી ને હિંદુઓની તાકાતના કારણે જ ફિલ્મ નિષ્ફળ ગઈ છે.
આ વાત સાચી હોય તો આ વાત બહુ વખાણવા જેવી નથી કેમ કે ડોશી મરી જાય તેનો ભો નથી પણ જમ ઘર ભાળી જાય તેનો ડર છે. વાસ્તવમાં એવું થવા જ માંડ્યું છે કેમ કે આમિર પછી હવે આ ટ્રોલ આર્મીએ રણવીર કપૂરના વારો પાડીને બ્રહ્માસ્ત્ર સામે બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. જે લોકો આ ધંધો કરી રહ્યા છે તેમનામાં એ સમજ નથી કે, આ પ્રકારના બહિષ્કારથી આમિર કે રણવીરન કશો ફરક ના પડે કેમ કે એ બધા કમાઈને બેઠેલા છે. ફરક ફિલ્મ સાથે જોડાયેલા નાના નાના લોકો પર પડે છે કે જેમાં બહુમતી હિંદુ છે. એ લોકોની રોજગારી છિનવાશે ને તેનાથી હિંદુત્વનું કેટલું ભલું થશે એ રામ જાણે.
તમને આમિર કે રણવીરની વાત કે નિવેદન સામે વાંધો હોય તો તેમના ઘરે જઈને વિરોધ કરવો જોઈએ પણ એવું કરવાની હિંમત નથી એટલે આમિર-રણવીરના બહાને નાના માણસોનો ખો કઢાઈ રહ્યો છે. હિન્દુત્વના મુદ્દે આમિરની કે પછી દેશવિરોધી નિવેદનો કરતાં લોકોની ફિલ્મો ફ્લોપ કરાય કે અન્ય કોઈ રીતે તેમનો વિરોધ કરાય તેનો કોઈ વાંધો નથી, પણ આ જ વસ્તુ અન્ય કોઈ ફિલ્મ કલાકાર કે નિર્માતા સામે કરાય તે ન ચલાવી લેવાય. કોઈ પણ માણસ પોતાની રીતે પોતાનું અંગત ખુન્નસ કાઢવા માટે કોઈની સામે ખોટાં નિવેદનો કરે કે મારીમચડીને વિરોધ કરે અને ફિલ્મને ફ્લોપ કરવાના પ્રયત્નો કરે તેની સામે વાંધો જરૂર હોવો જોઈએ.

4 thoughts on “લાલસિંહ ચઢ્ઢા સુપર ફ્લોપ, ડોશી મરી જાય તેનો ભો નથી…

  1. આમિરખાન પોતાને બહુ મોટો સમાજ સુધારક સમજે છે તો હલાલા,ખતના,ત્રિપલ તલાક,મૌલવીઓ દ્વારા ચાલતા કાળા કરતૂતો ઉપર કેમ ફિલ્મ નથી બનાવતો? કેમ કશુ નથી બોલતો? એમ તો તમારું પત્રકાર જગત પણ ક્યા દુધે ધોયેલુ છે? ક્યારેક પત્રકાર જગત ના કાળા કરતૂતો ઉપર લખવાની હિંમત બતાવો હંમેશા હિંદુ ધર્મ અને હિંદુ સાધુ સંતો જ target શા માટે? શું બોલીવુડ ક્યારેય મૌલવીઓ ની કાળી કરતૂતો ઉજાગર કરશે?

  2. તમારા જેવા લેખકો ને કારણે પત્રકાર જગતે પોતાની વિશ્વનિયતા ખોઈ દીધી છે અત્યાર નો વાચક ખૂબ જ જાગૃત છે અપવાદ હોઈ શકે તમે between the lines શું કહેવા માંગો છો તરત સમજી જાય છે તમે ગમે તેટલા હવાતિયા મારો તમારો wrested interest વાળો agenda હવે ક્યારેય સફળ નહી થાય એ વાત ધ્યાન મા રાખજો

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.