Homeઉત્સવલાલા લાજપતરાયનો સ્વધર્મ, સ્વભાષા, સ્વદેશી, સ્વાવલંબનથી સ્વરાજ માટેનો સંઘર્ષ

લાલા લાજપતરાયનો સ્વધર્મ, સ્વભાષા, સ્વદેશી, સ્વાવલંબનથી સ્વરાજ માટેનો સંઘર્ષ

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

ભારત આ વર્ષે આઝાદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. તમામ પુત્રોએ દેશને ગુલામીની બેડીમાંથી મુક્ત કરાવવામાં પોતાનું યોગદાન આપ્યું. મહાન સ્વાતંત્ર્ય સેનાની લાલા લાજપતરાય પણ તેમાંના એક હતા. લાલાજી ભારતીય રાષ્ટ્રવાદી ચળવળ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ, હિંદુ મહાસભા, હિંદુ સુધારણા ચળવળો અને આર્ય સમાજની આગેવાની હેઠળની ભારતીય સ્વતંત્રતા ચળવળના પીઢ નેતા હતા. તેઓ હિસાર બાર કાઉન્સિલ, નેશનલ ડીએવી મેનેજમેન્ટ કમિટી જેવાં સંગઠનોના સ્થાપક પણ હતા અને “લક્ષ્મી વીમા કંપનીના વડા બન્યા અને પછીથી કરાચીમાં લક્ષ્મી ભવન સ્થાપ્યું.
ધારણા શેઠ પોતાના પુસ્તક ‘ભારતના ઘડવૈયા’માં જણાવે છે કે, લાલા લાજપતરાયનો જન્મ ૨૮,જાન્યુઆરી ૧૮૬૫ના પંજાબના લુધિયાણામાં થયો હતો. તેઓ હિંદુ અગ્રવાલ કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા લાલા રાધાકિશન સરકારી સ્કૂલમાં ઉર્દૂના શિક્ષક અને માતા ગુલાબદેવી શીખ હતાં. તેમનાં લગ્ન ૧૮૭૭માં રાધાદેવી સાથે થયાં હતાં. તેમને બે પુત્રો અને એક પુત્રી હતાં. વર્ષ ૧૮૮૫માં સરકારી કોલેજમાં બીજી શ્રેણીમાં વકીલાતની પરીક્ષા પાસ કરી હિસારમાં વકીલાત શરૂ કરી. વકીલાત ઉપરાંત લાલાજીએ દયાનંદ કોલેજ માટે ધન એકત્રિત કરવાનું કાર્ય પણ કર્યું. આર્ય સમાજના કાર્યો અને કૉંગ્રેસની ગતિવિધિઓમાં પણ ભાગ લીધો. તેઓ હિસાર નગરપાલિકાના સભ્ય અને સચિવ તરીકે નિયુક્ત થયા. લાલા લાજપતરાય ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ત્રણ પ્રમુખ હિન્દુ રાષ્ટ્રવાદી નેતાઓ પૈકી એક હતા. તેઓ લાલ-બાલ-પાલની ત્રિપુટીનો હિસ્સો હતા.
લાજપતરાય અને સ્વધર્મ
મોહિન્દરસિંહ પોતાના અનુવાદિત પુસ્તક લાલા લાજપતરાયનું જીવન અને ‘કાર્ય’માં જણાવે છે કે, લાલાજીના પિતા જગરાવની મદરેસામાં ભણતા હતા. અહીંથી જ તેનો ઝુકાવ ઇસ્લામ તરફ આવ્યો. પરિવારજનોને આ વાતની જાણ હતી. પરંતુ લાલાજીના નામકરણ પહેલા પરિવારમાં હલચલ મચી ગઈ હતી. તેમના પિતાએ નામકરણ પહેલા જ ઈસ્લામ ધર્મ અપનાવવાનું વિચાર્યું હતું. એટલું જ નહીં રાધાકિશન ૪૦ વર્ષ સુધી અનૌપચારિક(મનથી) રીતે મુસ્લિમ બની રહ્યા. હિંદુ ધર્મની ટીકા કરવાનું તેઓ ક્યારેય ચુકતા નહીં. એમની ટીકાઓ સમાચાર પત્ર તુરંત પ્રકાશિત કરતું હતું, પરંતુ રાધાકિશનનું હિંદુ ધર્મ, દર્શન અને સંસ્કૃતિમાં ત્યારે પરિવર્તન આવ્યું જયારે તેમના પુત્ર લાલા લાજપતરાયે નવા હિંદુ ધર્મના સિદ્ધાંતો આર્યસમાજમાં પ્રસ્થાપિત કર્યા. આ બધા મૂળમાં તેમના સંસ્કૃતના જ્ઞાનનો અભાવ હતો. જે તેમને ક્યારેય મળ્યું ન હતું.
લાલાજી જનસેવાના સાચા પાઠ પણ શીખ્યા હતા. ૧૮૯૬ અને ૧૮૯૯માં જ્યારે ઉત્તર ભારતમાં ભયંકર દુકાળ પડ્યો ત્યારે લાલાજીએ તેમના સાથી લાલા હંસરાજની મદદથી દુષ્કાળ પીડિત લોકોને મદદ કરી. જે અનાથ બાળકોને ખ્રિસ્તી પાદરીઓ દત્તક લેવા તૈયાર હતા અને જેઓ આખરે તેમનું ધર્માંતરણ કરવાનો ઈરાદો ધરાવતા હતા તેઓને આ મિશનરીઓની ચુંગાલમાંથી બચાવીને ફિરોઝપુર અને આગ્રાના આર્ય અનાથાલયોમાં મોકલવા માટે ‘હિંદુ રાહત ચળવળ’ શરૂ કરી. લાલા લાજપતરાયે ઘણી ભારતીય નીતિઓમાં સુધારા કર્યા હતા. તેઓ જાતિ પ્રથા, દહેજ પ્રથા, અસ્પૃશ્યતા અને અન્ય અમાનવીય પ્રથાઓના વિરોધી હતા. આનો અંત લાવવા તેમણે ‘સર્વન્ટ્સ ઑફ ધ પીપલ સોસાયટી’ની સ્થાપના કરી.
લાલા લાજપતરાય અને સ્વભાષા હિન્દી
લાજપત રાયે આઝાદના અરબી ક્લાસમાં માત્ર એક દિવસ જ હાજરી આપી હતી, પરંતુ તે ચાર દિવસ તેમના મન પર અમીટ છાપ છોડી ગયા હતા. સ્વતંત્ર વર્ગમાં પણ તે મજાક-મશ્કરી કરતા. લાજપતરાયએ આનો અનુભવ પહેલા દિવસે જ કર્યો હતો, પરંતુ અરબીને છોડવા માટે વિભિન્ન કારણો હતાં. આ ઉપરાંત ભાષાના વિવાદો પણ તે સમયે ચાલતો. સંયુક્ત પ્રાંતમાં (જેનું આજે ઉત્તર પ્રદેશ નામ આપવામાં આવ્યું છે) એક આંદોલન ચાલી રહ્યું હતું જેના પરિણામે થોડા સમય પછી હિન્દીને અદાલતની ભાષા તરીકે માન્યતા મળી. પંજાબમાં આર્ય સમાજ હિન્દુઓ માટે હિન્દી અને સંસ્કૃતના મહત્ત્વ પર વધુ ભાર આપતો હતો. કોલેજમાં લાજપતરાયના સમાજી મિત્રોએ પણ ચોક્કસપણે હિન્દી અને સંસ્કૃતનો પક્ષ લીધો હતો. અરબી ભાષા છોડીને સંસ્કૃત ભાષા લેવાનો આગ્રહ કર્યો. ધીમે ધીમે બહુ ઝડપથી હિન્દી ભાષા અને દેશભક્તિની ભાવના જાગ્રત થઇ રહી હતી.
આર્યસમાજ અને સ્વદેશી
સરિતા પોતાના શોધ પત્રમાં જણાવે છે કે, આર્ય સમાજે ભારતમાં રાષ્ટ્રવાદી વિચારધારાને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેના અનુયાયીઓ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આર્ય સમાજના પ્રભાવને કારણે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની અંદર સ્વદેશી ચળવળ શરૂ થઈ. આધુનિક ભારતના ધર્મગુરુઓમાં સ્વામીજી એવા પ્રથમ મહાપુરુષ હતા જેમણે ‘સ્વરાજ્ય’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આર્ય સમાજે હિંદુ ધર્મમાં નવી ચેતનાની શરૂઆત કરી હતી. આર્ય સમાજએ હિંદુ સમાજના પુન:જીવન અને પુનરુત્થાન ચળવળ તરીકે સ્વતંત્રતા પહેલાના સમયગાળામાં સૌથી શક્તિશાળી ચળવળ હતી. તે સમગ્ર પશ્ર્ચિમ અને ઉત્તર ભારતમાં સક્રિય હતી અને નિષ્ક્રિય હિંદુને જાગૃત કરવાનું કાર્ય કર્યું. આર્ય સમાજના પ્રચારકો પણ હિંદુઓને સંગઠિત કરવાના હેતુથી ફિજી, મોરેશિયસ, ગુયાના, ત્રિનિદાદ, દક્ષિણ આફ્રિકા ગયા હતા. આર્ય સમાજે જાતિ વ્યવસ્થાને તોડવાનું અને તમામ હિંદુઓમાં સમાનતાની ભાવના જાગૃત કરવાનું સૌથી મોટું કામ કર્યું.
બંગાળ વિભાજન અને સ્વદેશી
આ ચળવળના મૂળ બંગાળ પ્રાંત વિભાજનના લોર્ડ કર્ઝનના નિર્ણયનો વિરોધ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. બંગાળના અન્યાયી ભાગલાના અમલને રોકવા માટે સરકાર પર દબાણ લાવવા માટે મધ્યસ્થીઓ દ્વારા વિભાજન વિરોધી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં સરકારને લેખિત અરજીઓ, જાહેર સભાઓનું આયોજન, ‘હિતાબદી’, ‘સંજીબાની’ અને ‘બંગાળી’ જેવાં અખબારો દ્વારા વિભાજન વિરોધી વિચારોનો પ્રસાર કરવામાં આવ્યો. અંતર્ગત વિદેશી માલનો બહિષ્કાર કરવાનો પ્રથમ ઠરાવ કરવામાં આવ્યો હતો.
ઑગસ્ટ ૧૯૦૫માં કલકત્તાના ટાઉન હોલમાં એક વિશાળ સભા યોજાઈ હતી જેમાં સ્વદેશી ચળવળની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. માન્ચેસ્ટર કાપડ અને લિવરપૂલ સોલ્ટ જેવા માલનો બહિષ્કાર કરવાનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. વિભાજનના અમલ પછી બંગાળના લોકોએ ‘વંદે માતરમ’ ગીત ગાઈને વ્યાપક વિરોધ કર્યો. ‘અમાર સોનાર બાંગ્લા’ ‘રવીન્દ્રનાથ ટાગોરે’ રચ્યું હતું. એકતાના પ્રતિક તરીકે લોકોએ એકબીજાના હાથ પર રાખડી બાંધી હતી.
વર્ષ ૧૯૦૫માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંગાળના વિભાજનની નિંદા- વિરોધ અને સ્વદેશી ચળવળને સમર્થન આપવા માટે એક ઠરાવ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રવાદીઓ ઇચ્છતા હતા કે ચળવળ બંગાળની બહાર પણ ફેલાય અને વિદેશી માલનો બહિષ્કાર કરીને તેને આગળ લઈ જાય. જો કે કૉંગ્રેસ પર પ્રભુત્વ ધરાવતા મધ્યસ્થીઓ આ ચળવળને બંગાળની બહાર ફેલાવવાના પક્ષમાં ન હતા, પરંતુ પછીના વર્ષે ૧૯૦૬માં દાદાભાઈ નરોજીની અધ્યક્ષતામાં અધિવેશન યોજાયું હતું જેમાં સ્વરાજ્ય અથવા સ્વરાજને ઈંગઈનું લક્ષ્ય જાહેર કરવામાં આવ્યું હતું.
રાજેન્દ્ર પટોરીયા પોતાના પુસ્તક ‘૫૦ ક્રાંતિકારીઓ’માં લખે છે કે, લાલાજીએ બંગાળ વિભાજનના વિરોધમાં આંદોલનો કયાર્ં અનેક સ્થળો પર તેજાબી ભાષણો આપ્યા. તેમણે સુરેન્દ્રનાથ બેનરજી, બિપિનચંદ્ર પાલ, અરવિંદ ઘોષ સાથે મળીને સ્વદેશીના સશક્ત અભિયાન માટે બંગાળ અને દેશના બીજા ભાગોમાં લોકોને એકજુથ કર્યા. તેમના દ્વારા લાવવામાં આવેલ ક્રાંતિથી લાહોર અને રાવલપિંડીમાં ૫રિવર્તનની લહેર ચાલુ થઇ જેથી લાલાજીને ૩, મે ૧૯૦૭ના રોજ રાવલપિંડીમાં અશાંતિ પેદા કરવાના કારણે ગિરફતાર કરવામાં આવ્યા અને છ મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા. પછીથી ૧૧, નવેમ્બરના રોજ તેમને જેલમુક્ત કરવામાં આવ્યા.
લાલા લજપત રાય, બાલ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલ (લાલ-બાલ-પાલ) આ રાષ્ટ્રવાદી જૂથના મહત્ત્વના નેતાઓ હતા. આ જૂથ દ્વારા સરકારી શાળાઓ અને કોલેજો, સરકારી સેવાઓ, અદાલતો, વિધાન પરિષદ, નગરપાલિકાઓ, સરકારી પદવીઓ વગેરેનો બહિષ્કાર કરવો.
લાલ લાજપતરાયનો સ્વાવલંબનથી સ્વરાજનો વિચાર
કોલેજકાળ દરમિયાન તેઓ લાલા હંસરાજ અને પંડિત ગુરૂદત્ત જેવા દેશભક્તો અને ભવિષ્યના સ્વતંત્ર સેનાનીઓના સંપર્કમાં આવ્યા. ત્રણેય સારા મિત્રો બની ગયા અને સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપેલ આર્યસમાજમાં જોડાયા. લાલા લજપતરાયને શેર-એ-પંજાબ’ના સંબોધનથી ઓળખતા હતા. તેઓ સ્વાવલંબનથી સ્વરાજ લેવા માગતા હતા.
સ્વતંત્ર સંગ્રામ એક કાન્તિકારી મોડ પર આવી ગયો હતો. એટલે લાલાજી ઇચ્છતા હતા કે ભારતની વાસ્તવિક પરિસ્થિતિનો પ્રચાર બીજા દેશોમાં પણ કરવામાં આવે. આ ઉદ્દેશ્ય થી તેઓ ૧૯૧૪માં બ્રિટન ગયા. ઈ. સ. ૧૯૧૪થી ૧૯૨૦ દરમિયાન તેમણે ઇંગ્લૅન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ તથા જાપાનનો પ્રવાસ કરીને ત્યાં ભારતની તત્કાલીન સ્થિતિ વિશે ભાષણો આપ્યાં. આ સમયે પ્રથમ વિશ્ર્વયુદ્ધ ચાલુ થઈ ગયું જેના કારણે તેઓ ભારત પરત ન ફરી શક્યા. ભારત માટે સમર્થન મેળવવા તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકા ગયા ત્યાં તેમણે ૧૯૧૯ અમેરિકામાં ‘ઇન્ડિયન હોમરૂલ લિગ’ની સ્થાપના કરી. તે સંસ્થા દ્વારા તેઓ ત્યાંથી આઝાદીની ચિનગારીને પ્રસારતા રહ્યા. ‘યંગ ઇન્ડિયા’ નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તક દ્વારા તેમણે ભારતમાં બ્રિટિશ શાસનને લઈને ગંભીર આરોપો લગાવ્યા. જેથી આ પુસ્તકને બ્રિટન અને ભારતમાં પ્રકાશિત થયા પહેલાં જ પ્રતિબંધ કરવામાં આવ્યો. લાલા લાજપતરાયે જલિયાવાલા બાગ નરસંહારના વિરોધમાં પંજાબમાં વિરોધ પ્રદર્શનો અને અસહયોગ આંદોલનનું
નેતૃત્વ કર્યું. જેથી તેમની કેટલીયવાર ધરપકડ કરવામાં આવી. તેઓ ચોરીચૌરાના કારણે અસહયોગ આંદોલનને બંધ કરવાના ગાંધીજીના નિર્ણય સાથે સહમત ન હતા જેથી તેમણે અલગ ‘કૉંગ્રેસ ઇન્ડિપેન્ડન્સ પાર્ટી’ની સ્થાપના કરી. ૧૯૨૦માં વિશ્ર્વ યુદ્ધ પૂરું થયા બાદ અમેરિકાથી તેઓ ભારત પરત ફર્યા.
તેમણે ૧૯૨૧માં પંજાબ પ્રાંતિક રાજકીય પરિષદનું પ્રમુખપદ સંભાળ્યું ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી. તેમણે ૧૯૨૪, ૧૯૨૬ તથા ૧૯૨૭માં યુરોપની મુલાકાત લીધી હતી. ભારતના કામદારોના પ્રતિનિધિ તરીકે તેમણે જિનીવામાં મળેલ આંતરરાષ્ટ્રીય કામદાર પરિષદમાં હાજરી આપી હતી.
વર્ષ ૧૯૨૮માં બ્રિટિશ સરકારના બંધારણીય સુધારા ઉપર ચર્ચા કરવા માટે સાયમન કમિશનને ભારત મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો. લાલા લાજપતરાય પોતે સાયમન કમિશનના વિરોધમાં એક જુલુસનું નેતૃત્વ કર્યું, જોકે જુલૂસ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું તેમ છતાં બ્રિટિશ સરકારે બેરહેમીથી જુલુસ પર લાઠીચાર્જ કર્યો. તેમાં લાલા લાજપતરાયને પણ માથા પર ગંભીર ઇજા થઇ. લાઠીચાર્જથી જખ્મી થયેલા લાજપતરાયે ભીડને સંબોધિત કરતાં જણાવ્યું કે, હું ઘોષણા કરું છું કે આજે મારા પર થયેલો એક એક લાઠીનો પ્રહાર બ્રિટિશ રાજના કફન પરનો અંતિમ ખીલો બની રહેશે. લાઠીચાર્જમાં થયેલ ગંભીર ઇજાના કારણે ૧૭, નવેમ્બર ૧૯૨૮ના રોજ તેમનું મૃત્યુ થઈ ગયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular