લખપતનું લક્ષ્મીરાણી ગામ છેલ્લા ૧૩ દિવસથી સંપર્ક વિહોણું

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: પશ્ર્ચિમ કચ્છમાં પડેલા ધોધમાર વરસાદને પગલે અનેક રસ્તાઓનું વ્યાપક ધોવાણ થયું છે ત્યારે માંડવી-લખપત-નારાયણ સરોવર રાજ્ય ધોરીમાર્ગ પર આવેલું લક્ષ્મીરાણી ગામ છેલ્લા ૧૩ દિવસથી સંપર્ક વિહોણું બનતા અહીંના સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. લાઈટ,પાણી, ખોરાક ઉપરાંત મોંઘેરા પશુધનને સારવાર પણ મળી રહી નથી અને આ ૧૩ કપરા દિવસોમાં ૧૦૦થી વધારે પશુઓનાં મોત થતાં માલધારી પરિવારોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. ભારે વરસાદના પગલે અહીંથી પસાર થતો માંડવી-નારાયણ સરોવર રાજ્ય ધોરીમાર્ગ બિન ઉપયોગી બની ગયો છે.
ગામ પાસે આવેલી બુદ્ધા નદીમાં નિર્માણ કરવામાં આવેલો ચેકડેમ ઓવરફ્લો થતા ગામમાં આવતી વીજ લાઈનના થાંભલા પાણીમાં ડૂબી ગયા હતા. વીજ અધિકારીને જાણ કરતા આ પરિસ્થિતિમાં કામ કરવું અશક્ય હોવાનું જણાવતાં અંધકારમાં દિવસો પસાર કરવા ગ્રામજનો મજબૂર બન્યા છે. પીવાનું પાણી પણ મળી રહ્યું નથી. પાણીના ટેન્કર આવતા પણ બંધ થતાં ના છૂટકે ગંદા વરસાદી પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે જેના કારણે નાનાં બાળકો, વડીલો બીમાર પડી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે કચ્છના વહીવટી તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.
દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાંએ કરેલી આગાહી વચ્ચે રણપ્રદેશ કચ્છમાં માત્ર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડતા અડધાથી એક ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. ભુજ, નખત્રાણા, માંડવી, લખપત, ભચાઉ અને રાપર તાલુકામાં મેઘરાજાએ ઝાપટાં વરસાવી હાજરી પૂરાવી હતી. સીમાવર્તી રાપર તરફ આવેલા ખડીર વિસ્તારમાં ધીમી ગતિએ પડેલા વરસાદથી એકાદ ઇંચ પાણી પડી ગયાનું જાણવા મળ્યું હતું જયારે ખાવડા અને તેની આસપાસના કૂરન, દીનારા, ધ્રોબાના, મોટા, રબવિરી, જૂના તૂગા સહિતના દુર્ગમ ગામોમાં ભારે ગાજવીજ સાથે સાંબેલાધાર ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા માલધારીઓમાં ખુશીની લહેર ફરી વળી છે. જામ કુનરીયાનું રતડીયા તળાવ, નાની સિંચાઈ ડેમોમાં પાણીની નોંધપાત્ર આવક થતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.