દેશભરમાં H3N2ના કેસ વધી રહ્યા છે અને સાથે કોરોનાના કેસમાં પણ વધારો નોંધાયો છે ત્યારે સુરતની 31 વર્ષીય મહિલાનું વાયરલ ઈન્ફેક્શનની સારવાર દરમિયાન મોત થયાનું બહાર આવ્યું છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય પરિણીતાને શરદી,ખાસી-કફથી પીડિત હતી અને તેની સારવાર ચાલી રહી હતી. જેમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલાનું મોતનું કારણ જાણવા માટે જરૂરી સેમ્પલ લઇને તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું સ્થાનિક તંત્ર દ્વારા જણાવવામા આવ્યું હતું.
મૃતક અંગે મળતી માહિતી મુજબ મૂળ ભાવનગરના વતની અને હાલ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય પન્નાબેન છેલ્લા ચાર પાંચ દિવસથી શરદી, ખાસી કફની બીમારીથી પીડાતા હતા. જેથી તેમની સ્થાનિક વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન તબિયત વધુ લથડતા તેમને પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરિણીતાના મોતનું કારણ જાણવા માટે જરૂરી સેમ્પલો લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને રીપોર્ટ આવ્યે તેમનાં મોતનું સાચું કારણ બહાર આવી શકશે.
દેશભરમાં હાલમાં H3N2થી સંક્રમિત વ્યક્તિને પણ શરદી, ખાંસી સહિતના લક્ષણો જોવા મળી રહ્યા છે, ત્યારે આ કેસમાં મહિલાના જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા છે.
બીજી બાજુ સુરતમાં કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2023ના માર્ચ મહિનાના 12 તારીખ સુધીમાં સુરત શહેરમાં કોરોનાના 10 કેસ નોંધાઈ ચૂક્યા છે. જયારે એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે. સુરત શહેરમાં હાલમાં 9 એક્ટીવ કેસ છે.
કેન્દ્ર તેમ જ રાજયની સરકારોએ લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. જોકે, રાજ્યભરમાં ઋતુઓમાં આવી રહેલા ફેરફારોને લીધે પણ બીમારીનું પ્રમાણ ખૂબ વધારે છે.