વિચારશક્તિનો અભાવ કે આકારની ઘેલછા?: વિચિત્ર મકાનો

વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈ-હેમંત વાળા

સમાજમાં ક્યારેક વિચિત્ર વલણ જોવા મળે છે. ક્યારેક આવા વલણ સ્થાપિત પ્રત્યેક સમજ કે સિદ્ધાંતનું ખંડન કરે છે. સ્થાપત્યના ક્ષેત્રમાં છેલ્લાં કેટલાંક વર્ષમાં એક વિચિત્ર વલણ પ્રચલિત થતું જોવા મળે છે. આ “અસૈદ્ધાંતિક વલણના સિદ્ધાંતો સમજવા જેવા છે. પ્રત્યેક સ્થાપિત બાબતોની વિપરિત જઈને તે પોતાની જ વાત સ્થાપવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારનું વલણ સ્થાપત્ય મારફતે જરૂરિયાતો માટે “જવાબ ગોતવાને બદલે તે સ્વયં “પ્રશ્ર્ન સમાન બની રહે છે. આવું વલણ અનુસરવા પાછળનો તર્ક સમજવા ક્યાંક માનવીએ તર્કને બાજુમાં મૂકવો પડે છે. સ્થાપત્યની રચનાને અસર કરતાં કેટલાંક પરિબળો છે. આમાંનું કયું પરિબળ એટલું તો હાવી થઈ જાય છે કે અંતે સ્થાપત્ય વિચિત્રતામાં પરિણમે છે!
સન ૨૦૧૨માં હૈદરાબાદમાં ખુલ્લું મુકાયેલ માછલી આકારના રાષ્ટ્રીય મત્સ્યોદ્યોગ વિકાસ બોર્ડના માછલી આકારના મકાનની રચના પાછળ સ્થપતિએ શું ઊંડું વિચારમંથન કર્યું હશે! તેવી જ રીતે ચીનમાં સન ૨૦૦૭માં હુઆઈનાનમાં પિયાનો અને ગિટારના આકારનું મકાન બનાવાયું છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ માટેના આ મકાનના આવા આકાર પાછળ સ્થપતિની વ્યક્તિગત ઘેલછા માત્ર ન હોઈ શકે! આકારની વાતો કરીએ તો કેટલાંક મકાનો શંખ જેવાં તો કેટલાંક કોઈ દરિયાઈ જીવના આકારના તો કોઈ ખંડેર જેવાં પણ બનાવાયાં છે. રશિયાનું લાકડાંમાંથી બનાવાયેલ ગેંગસ્ટર હાઉસ-ડાકુ લૂંટારાનું ઘર આવું લાકડાના મકાનના ખંડેર જેવું જ બનાવવામાં વળી કઈ સર્જનાત્મકતા છતી થતી જોવાં મળે!
બાળકો માટે બનાવાયેલ ક્રિડાંગણમાં કૂતરાના આકારનું કે હાથીના આકારનું મકાન બનાવી શકાય. આમાં બાળકો કલ્પના તરંગોમાં ક્યાંક રાચી શકે; તેમને તેમાં મઝા પણ આવે, પણ કોઈ સંસ્થાના મકાનમાં આવાં આકારો પ્રયોજવાથી જે તે મકાનના કાર્યહેતુની ગંભીરતા ક્યાંક ઓછી થતી લાગે. વળી દિલ્હીના કમળ મંદિરમાં- બહાઈ સંપ્રદાયના મંદિરમાં કમળ આકાર પ્રયોજાયો છે તે પણ માન્ય બને. આ કમળ અહીં એક પ્રતીક છે જે તે સંપ્રદાયની કેટલીક વિચારધારાને ભૌતિક સ્વરૂપે પ્રતિબિંબિત કરે છે. સ્થાપિત પ્રતીકોને યોગ્ય સ્વરૂપે યોગ્ય માત્રામાં આલેખવાથી જે તે ગુઢ બાબતો જાણે પ્રત્યક્ષ થાય છે. વળી અહીં કમળનો આકાર જેમનો તેમ “જડતાપૂર્વક નથી પ્રયોજાયો. તેના આલેખનમાં પણ સૌમ્ય સર્જનાત્મકતા અને સંવેદનશીલતા વ્યક્ત થાય છે. આ તો એક વધુ જટીલ પડકાર હતો. આવાં જ કારણોસર ઓસ્ટ્રેલિયાના સિડનીમાં દરિયાકિનારે આવેલ ઓપેરા હાઉસમાં જે વહાણના સઢની છાપ ઊભી કરાઈ છે તે માન્ય બને છે.
એની સામે ઓસ્ટ્રિયાના વિયેનામાં સન ૨૦૦૬માં બનાવાયેલ અર્વાચીન કળાના સંગ્રહાલયમાં વિશાળ મકાનના “ખોખા પર જાણે ઉપરથી ઊંધુ પડેલું મકાન ચોંટી ગયું છે. એક વાર કૌતુક તરીકે જોવું ગમે પણ ખરું, પણ “ગંભીર સ્થાપત્યની પરિભાષામાં તે ન આવે. સ્પેનના બાર્સેલોનામાં ગાઉડી નામનો સ્થપતિ તેના મકાનોને વિચિત્ર વળાંકો આપતો, પણ તેની પાછળ ક્યાંક મકાનના ભારવહનના માર્ગને અનુસરવાનો વિચાર હતો. જ્યારે પોલેન્ડના સોપોટમાં બનાવાયેલ વિચિત્ર મકાનમાં ક્યાંક આવો તર્ક જરા પણ નથી દેખાતો. મઝાની વાત એ છે કે આ મકાનને નામ જ “ક્રકેડ હાઉસ અપાયું છે- જે વ્યાજબી પણ છે. સમાજમાં ક્યાં, ક્યારે, કેટલી માત્રામાં અને ક્યાં કારણોસર વિચિત્રતા સ્વીકૃત બનતી હોય છે, તે અહીં ચર્ચાનો વિષય નથી. પણ, આ બધા મકાનો મારી દૃષ્ટિએ જીન્સનાં ફાટેલાં પેન્ટ જેવાં છે; જે યુવાનો “ફેશન તરીકે પહેરી નાંખે છે.
સ્થાપત્યમાં એ ચર્ચા વર્ષોથી ચાલે છે કે આકાર ઉપયોગિતાને આધારે નક્કી થાય કે પસંદ કરાયેલ આકારમાં ઉપયોગિતા બેસાડવાની હોય! વાત એમ છે કે બહુમતી સ્થપતિઓ ઉપયોગિતાને મકાનની રૂપરેખા નક્કી કરે છે તેની સામે અમેરિકાના ક્ધસાસમાં સન ૨૦૦૪માં બનાવાયેલ પુસ્તકાલયને હારબંધ ગોઠવેલાં પુસ્તકો જેવો દેખાવ અપાયો છે તો અમેરિકાના જ ઓહિઓમાં સન ૧૯૯૭માં એક ઓફિસ માટે સાત માળનું મકાન “બાસ્કેટ ટોપલી જેવું બનાવાયું છે. આ મકાન માટે આ આકાર માટેનો તર્ક કયો! આ બાસ્કેટ યોગ્ય ન બની રહેવાથી તે ઓફિસવાળાઓએ તે મકાનનો ત્યાગ કર્યો અને હવે સ્થાનિક સત્તાવાળા વિચારે છે કે આનું શું કરવું?
મેક્સિકોના મેક્સિકો શહેરમાં સન ૨૦૦૭માં બનાવાયેલ નોટીલસ પ્રકારના દરિયાઈ પ્રાણીના આકારનું મકાન હોય કે વિયેટનામના દલાતમાં દરિયાના પેટાળની સપાટીનો ખ્યાલ આપતું હેન્ગ નગા મકાન; અહીં પ્રેરણા દરિયાઈ સૃષ્ટિ છે, જ્યારે મકાન ધરતી પર બનાવવાનું હોય ત્યારે પ્રેરણામાં મૂળ કયું હોવું જોઈ એ તે પણ એક સંવેદનશીલ બાબત છે. આ બંને સ્થાને લાગુ પડતાં પરિબળો સાવ જ જુદાં છે અને માનવી જળચર પ્રાણી નથી જ.
કેટલાંક મકાનો ઊંધા બનાવાય છે જેમાં છાપરું નીચે તો પગથિયાં અને પાયો આકાશ તરફ હોય- શું કામ! અમુક સ્થપતિએ અમુક મકાનો અંશત: તૂટી પડેલ જેવાં બનાવ્યાં છે. મકાનો ક્યાંક ઈંડા જેવાં તો ક્યાંક ઈયળ જેવાં, ક્યાંક પરપોટાં જેવાં દેખાતાં તો ક્યાંક ખડક જેવાં બનાવાયાં છે. કેટલાંક મકાનો એવાં લાગે કે જાણે ઉપરથી પડેલાં માટીના લોંદા આમ તેમ પડી રહ્યાં હોય તો અમુક મકાનને જોતાં મનમાં એવો ભાવ આવે કે
વાવાઝોડું આવ્યાં પછી પતરાં આમતેમ થઈ ગયાં છે. જેમ માનવીય વિચિત્રતાઓનો પાર નથી તેમ સ્થાપત્યમાં પ્રયોજાયેલી વિચિત્રતાઓનો પણ પાર નથી.
શું કાલે ઉઠીને આપણે જાહેર શૌચાલય “કમોડના આકારનુું બનાવીશું? શું કોઈ સ્થપતિ તબીબની હૉસ્પિટલ ઈંન્જેકશનની વિશાળ સિરીઝ જેવી બનાવશે? જો આ પ્રકારનું વલણ ચાલુ જ રહ્યું તો કોઈ ઉઠીને અદાલતના મકાનની રચના જજ સાહેબ દ્વારા વપરાતા લાકડાના હથોડા જેવી હશે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ સમજી શકે કે આવા હથોડા જેવાં આકારમાં બધી ઉપયોગિતા સમાવવી- જરૂરી દરેક કાર્યસ્થાનનો સમાવેશ કરવો અને તે પણ તેના ઉપયોગમાં સરળતા રહે તે રીતે- શક્ય નથી.
શું આ વિચારોમાં અભાવ કે ઘટનું પરિણામ છે કે માત્ર આ પ્રકારના આકારો માટેની ઘેલછા! શું વ્યક્તિ “યથાર્થ માટે મથામણ કરવા નથી માગતો અને તેથી ટૂંકો માર્ગ અનુસરે છે? આવા આકાર પ્રયોજવાથી જુદા પ્રકારની માથાકૂટ શું નથી વધી જતી; અને છતાં પણ અંતે ક્યાંક ઉપયોગકર્તાને વધુ અગવડતા તો નહિ પડતી હોય! સ્થાપત્યમાં શેની પ્રશંસા કરવી! સ્થાપત્યમાં દૃશ્ય- અનુભૂતિ પાછળનો મુખ્ય હેતુ ક્યો! મકાનની સુંદરતા એટલે શું અને તેને નિર્ધારિત કરતાં પરિબળો કયાં, પ્રશ્ર્નો ઘણાં છે અને રોજબરોજ તેની સંખ્યામાં વધારો થતો જાય છે!!!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.