સોનામાં સ્પષ્ટ વલણના અભાવે જ્વેલરી ઉત્પાદકો નવી ખરીદી અંગે અવઢવમાં

વેપાર વાણિજ્ય

કોમોડિટી -રમેશ ગોહિલ

વીતેલા સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં થઈ રહેલી વધઘટને ધ્યાનમાં લેતા વૈશ્ર્વિક સોનાના ભાવ બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા. જોકે, સપ્તાહના મધ્યથી યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ સ્પીકર નેન્સી પેલોસ્કીની તાઈવાનની મુલાકાતને પગલે અમેરિકા અને ચીન વચ્ચે રાજકીય-ભૌગોલિક તણાવ સપાટી પર આવતાં સોનામાં સલામતી માટેની માગને ટેકે વૈશ્ર્વિક ભાવમાં ચમકારો આવ્યો હતો. તેમ જ સપ્તાહના અંતે અમેરિકાના જોબ ડેટા અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી આર્થિક વૃદ્ધિની ચિંતા દૂર થવાને કારણે સોનામાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો.
વધુમાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક નિર્દેશો ઉપરાંત ડૉલર સામે રૂપિયામાં જોવા મળતી વધઘટને આધારે સોનાના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. એકંદરે સોનાના ભાવમાં લોલક જેવી સ્થિતિ અથવા તો સ્પષ્ટ વલણના અભાવને કારણે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ ગ્રાહકોએ નવી ખરીદી મોકૂફ રાખતા એકંદરે સપ્તાહ દરમિયાન માગ ખપપૂરતી મર્યાદિત રહી હતી. ગત સપ્તાહે સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંતે અથવા તો ૨૯ ઑગસ્ટના ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧,૪૬૬ના બંધ સામે સાધારણ નરમાઈના ટોને રૂ. ૫૧,૪૦૫ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ૫૧,૪૩૭ અને ઉપરમાં રૂ. ૫૨,૧૪૦ની સપાટી દાખવ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે રૂ. ૫૫૩ના ઘટાડા સાથે રૂ. ૫૨,૦૧૯ના મથાળે બંધ રહ્યા હતા.
એકંદરે સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ભારે ચંચળતાનું વલણ રહ્યું હોવાથી મોટા ભાગના જ્વેલરો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોએ નવી લેવાલી મોકૂફ રાખી હોવાનું મુંબઈ સ્થિત એક બુલિયન ડીલરે જણાવતાં ઉમેર્યું હતું કે નિરસ માગને કારણે ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૧૪ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યાના અહેવાલ હતા.
નોંધનીય બાબત એ છે કે આગલા સપ્તાહે ડિસ્કાઉન્ટ છ ડૉલર આસપાસની સપાટીએ હતું. વધુમાં નવી દિલ્હી સ્થિત એક ડીલરે જણાવ્યું હતું કે હાલ દેશમાં ખરીફ વાવેતર થઈ રહ્યું હોવાથી ગ્રામીણ વિસ્તારોમાં પણ સોનાની માગ તળિયે બેસી ગયેલી છે. તેમ છતાં જો સોનાના ભાવમાં ત્રણથી ચાર ટકા જેટલો ઘટાડો આવે તો રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ ખૂલે તેવો આશાવાદ બજારમાં સેવાઈ રહ્યો છે. દરમિયાન ગત સપ્તાહે સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે ખાસ કરીને અમેરિકી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાતને પગલે ચીન અને અમેરિકા વચ્ચે રાજકીય-ભૌગોલિક તણાવ સપાટી પર આવ્યો હોવાથી રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગ નીકળી હોવાના અને ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૪થી ૧૧ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યાના અહેવાલ હતા. ગ્રેટર ચાઈના સ્થિત એમકેએસ પીએએમપીના રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવ્યું હતું કે અમેરિકા-ચીન વચ્ચેના તણાવ ઉપરાંત બિજિંગ તરફથી આયાત ક્વૉટાની કોઈ જાહેરાત ન થઈ હોવાથી સોનાના પ્રીમિયમમાં વધારો જોવા મળ્યો છે. એકંદરે ચીન ખાતે ગત સપ્તાહે સોનામાં સલામતી માટેની માગને બાદ કરતાં રિટેલ સ્તરની માગ શુષ્ક જ રહી હોવાનું અન્ય એક ડીલરે જણાવ્યું હતું. આ ઉપરાંત હૉંગકૉંગ ખાતે પણ મર્યાદિત માગ વચ્ચે ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સમકક્ષ અથવા તો ઔંસદીઠ ૧.૮૦ ડૉલર સુધીમાં ઑફર કરી રહ્યા હતા. તેમ જ સિંગાપોર ખાતે ડીલરો સોનાના ભાવ ઔંસદીઠ ૧.૮૦થી ૨.૩૦ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા.
અમેરિકી અર્થતંત્ર આર્થિક મંદીની ગર્તામાં સરી જાય એવી ભીતિ હેઠળ ગત સપ્તાહના અંતે શુક્રવારે અમેરિકી રોજગારીના ડેટાની જાહેરાત પૂર્વે એક તબક્કે સોનાના વૈશ્ર્વિક ભાવ એક મહિનાની ઊંચી સપાટી આસપાસ પ્રવર્તી રહ્યા હતા. જોકે, ત્યાર બાદ રોજગારીના ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવતા સોનાના વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે વધતા ફુગાવાને નાથવા માટે ગત સપ્તાહે બૅન્ક ઑફ ઈંગ્લેન્ડે વ્યાજદરમાં વધારો કર્યો હતો. તેમ જ રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ પણ બૅન્ચમાર્ક દરમાં ૫૦ બેઝિસ પૉઈન્ટ વધાર્યા હતા. જોકે, વર્તમાન સપ્તાહે અમેરિકા-ચીન વચ્ચેના તાઈવાનના મુદ્દે રાજકીય-ભૌગોલિક તણાવની ચિંતા સપાટી પર રહે તેવી શકયતાને ધ્યાનમાં લેતા સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧,૨૦૦થી ૫૩,૪૦૦ આસપાસની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
ગત જુલાઈ મહિનામાં અમેરિકી કંપનીઓમાં રોજગાર વૃદ્ધિ ૫,૨૮,૦૦૦ની સપાટીએ રહી હોવાનું શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું. જોકે, બજાર વર્તુળો રોજગારમાં ૨,૫૦,૦૦૦નો વધારો થવાની ધારણા મૂકી રહ્યા હતા. તેમ જ જુલાઈ મહિનાનો બેરોજગારીને દર કોવિડ-૧૯ મહામારી પૂર્વેની ૩.૫ ટકાની સપાટીએ રહ્યો હોવાના અહેવાલ હતા. આમ અમેરિકાનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં હોવાનું જણાતાં રોજગારીના ડેટાની જાહેરાત બાદ ડૉલર ઈન્ડેક્સમાં ૦.૮ ટકાનો ઉછાળો આવ્યો હતો અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારાતરફી વલણ રહેતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ આગલા બંધથી ૦.૯ ટકા ઘટીને ઔંસદીઠ ૧૭૭૫.૯૦ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૯ ટકા ઘટીને ૧૭૯૧.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. રોજગારી સર્જનના જેટા સકારાત્મક આવ્યા હોવાથી આર્થિક મંદીની ભીતિ દૂર થઈ છે અને ફેડરલ રિઝર્વને વ્યાજદરમાં વધુ વધારો કરવાનો અવકાશ મળે તેમ હોવાથી સોનાના ભાવ પુન: દબાણ હેઠળ આવે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી
રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.