થાણે: ભિવંડીમાં વ્યાવસાયિક અદાવતને પગલે ગોળી મારી લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરવામાં આવતાં પોલીસે ફરાર બાઈકસવાર બે જણની તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ બુધવારે સાંજે કોન્ટ્રાક્ટર ગણેશ કોકાટે (૩૩) તેની કારમાં જઈ રહ્યો હતો ત્યારે થાણે-ભિવંડી રોડ પર કશેલી ગામ નજીક બાઈકસવાર હુમલાખોરોએ તેને આંતર્યો હતો. પૉઈન્ટ બ્લૅન્ક રૅન્જથી કોકાટે પર ગોળીબાર કરી બન્ને હુમલાખોર ફરાર થઈ ગયા હતા.
બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અને કોકાટેનાં સગાંસંબંધી તેને ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. હત્યા પાછળનો હેતુ લેબર કોન્ટ્રાક્ટ આપવાના મુદ્દે થયેલી દુશ્મનાવટ હોવાની શક્યતા છે, એમ નારપોલી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર મદન બલ્લાળે જણાવ્યું હતું.
પોલીસના કહેવા મુજબ હુમલાખોરોને ઓળખી કાઢવામાં આવ્યા છે. લેબર કોન્ટ્રાક્ટર કોકાટે વિરુદ્ધ પણ અનેક ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં જણાયું હતું.
ઉલ્લેખનીય છે કે ૧૮ ઑક્ટોબરે પણ કોકાટે પર હુમલો થયો હતો અને તે બચી ગયો હતો. કારમાં જઈ રહેલા કોકાટે પર તે સમયે પણ ચારથી પાંચ જણે ગોળીબાર કર્યો હતો. એ કેસમાં પોલીસે બે જણની ધરપકડ સુધ્ધાં કરી હતી. (પીટીઆઈ)
ભિવંડીમાં લેબર કોન્ટ્રાક્ટરની ગોળી મારી હત્યા
RELATED ARTICLES