શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
એવી સિનેમેટિક મોમેન્ટ્સ, જેમાં દિલ કહે ‘યે ક્યા હુઆ’
૨૦૨૨ના આખરી દિવસોમાં ઘણી બધી ચીજોનાં લેખાંજોખાં ચાલી રહ્યાં છે. ગયા સપ્તાહે આપણે વર્ષ દરમિયાન બનેલી સિનેમાને લગતી હેપ્પી હાઈલાઈટ્સ જોઈ હતી. અવિરત બનતા રહેતા સિનેમામાં સતત ઘણું બધું ઘટતું જ રહેતું હોય છે. એટલે ફક્ત હેપ્પી જ નહીં, અમુક ઘટનાઓ એવી પણ તો હોવાની જે ઈન્ડસ્ટ્રીના લોકો કે દર્શકો માટે હેપ્પી ન પણ હોય. તો ચાલો આજે એવી અમુક સિનેમેટિક મોમેન્ટ્સ પર નજર કરીએ કે જેમાં ખુશીથી મલકાવાની ગેરેન્ટી હોય પણ આખી બાજી એવી તો પલટી જાય કે ચહેરા પર અરે! ‘યે ક્યા સે ક્યા હો ગયા’ જેવા ભાવ ઊપસી આવે! સો લેટ્સ રિવાઇન્ડ:
———-
વ્હેર ધેર ઈઝ વીલ
ફિલ્મ ‘કિંગ રિચર્ડ’. ટેનિસ ખેલજગતની બે મહાન ખેલાડી વિનસ અને સેરીના વિલિયમ્સ અને તેમના પિતા રિચર્ડ વિલિયમ્સની આ બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ફિલ્મને ૯૪મા એકેડમી એવોડ્ઝમાં ૬ નોમિનેશન્સ મળ્યા. એ સાથે જ બેસ્ટ એક્ટર કેટેગરીમાં વિલ સ્મિથને પાંચમા બ્લેક એક્ટર તરીકેનો એવોર્ડ મળે અને તે વાહવાહી મેળવે એ પહેલા જ તેની આખી કારકિર્દીને કાળી ટીલી લાગે તેવી એક ઘટના બની ગઈ. કોમેડિયન હોસ્ટ ક્રિસ રોકે વીલની પત્નીની સ્ટેજ પરથી મજાક કરી અને વીલને ગુસ્સો આવ્યો ને તેણે સ્ટેજ પર જઈને સૌના આશ્ર્ચર્ય વચ્ચે ક્રિસને થપ્પડ મારી દીધી. પછી વીલે માફી તો માગી પણ બ્લેક કમ્યુનિટીને ગૌરવ અપાવતી એ એવોર્ડ ક્ષણ કરતા થપ્પડ પરની હોહા વધુ ધ્યાન ખેંચી ગઈ!
———-
કંગના કા ખાલી અંગના
કંગના રનૌત એટલે એક તગડી અદાકારા. ી કેન્દ્રીય ફિલ્મ્સના મહત્ત્વમાં તેનું ઘણું યોગદાન. છેલ્લાં અમુક વર્ષોથી રાજકીય અને સામાજિક બાબતોને લઈને પણ કંગના ચર્ચામાં જરૂર રહે છે.
એટલે જ આ વર્ષે રિલીઝ થયેલી કંગનાની એકમાત્ર ફિલ્મ ‘ધાકડ’ પર સૌની નજર હતી. પણ ‘ટુમ રેડર’ પ્રકારની અમેરિકન ફિલ્મની સ્ટાઈલ અને એક્શનમાં સજાવેલી આ ફિલ્મ વાર્તા અને દિગ્દર્શન બાબતે અતિશય નબળી સાબિત થઈ.
કંગનાની આ ફિલ્મે ફક્ત નિષ્ફ્ળતા જ મેળવી એટલું નહીં, રિલીઝના આઠમા દિવસે દેશભરમાંથી ફક્ત ૪,૪૨૦ રૂપિયાની કમાણી કરીને રેકોર્ડબ્રેકિંગ અને શરમજનક નિષ્ફ્ળતા પોતાના નામે કરી!
——–
બીના કોમેડી કા સર્કસ
છેલ્લાં કેટલાંય વર્ષોથી હિટ મશીન ગણાતા ડિરેક્ટર રોહિત શેટ્ટી કોરોનાકાળમાં પણ એટલા જ અસરકારક તેમની ‘સૂર્યવંશી’ થકી સાબિત થયા હતા. હમણાં જ રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘સર્કસ’ એટલે ‘સિમ્બા’ પછી એનર્જી પેકેજ રોહિત અને રણવીર સિંહનો કોમ્બો. પણ આ માત્ર અપેક્ષા હતી, જે ટ્રેલરમાં દેખાઈ નહોતી. છતાં લોકોને એમ કે ટ્રેલર બનાવવામાં ભૂલ થઈ હશે, બાકી રોહિત શેટ્ટી આ વર્ષના બોલીવૂડના સૂકા રણમાં વીરડો ગાળશે જ. પણ દર્શકો અને વિવેચકોએ શબ્દો ચોર્યા વિના રણવીર અને રોહિતની ‘સર્કસ’ને સૌથી નબળી ફિલ્મનું બિરુદ આપી દીધું છે!
———
આદિ-વીએફએક્સ
‘બાહુબલી’ પછી એક્ટર તરીકે પ્રભાસ એક બહુ જ મોટી બ્રાન્ડ બની ગયો છે. છતાં ‘સાહો’ કે ‘રાધે શ્યામ’ જેવી પ્રભાસની ફિલ્મ્સ ચાલી નથી. જોકે રામાયણ પર આધારિત ‘આદિપુરુષ’ પાસે સૌને મોટી અપેક્ષાઓ હતી. પણ ઓક્ટોબરમાં તેનું ટીઝર રિલીઝ થયું કે એ અપેક્ષાઓથી વિપરીત જ પ્રતિક્રિયાઓ દર્શકો તરફથી મળી. ક્યાં લોકો ઓવારી જવાની ધારણા ને ક્યાં વીએફએક્સ માટે ટ્રોલ ન થવાની વિચારણા! આખરે મેકર્સે વીએફએક્સમાં સુધારો કરવા ફિલ્મની રિલીઝ ડેટ બે વખત પાછળ ઠેલીને ૧૬ જૂન ૨૦૨૩ કરવી પડી છે!
———–
અપયશગાથા
હજુ નજીકના ભૂતકાળ સુધી અનેક હિટ્સ અને બ્લોકબસ્ટર્સ આપી ચૂકેલા દેશના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયોમાંના એક એવા ‘યશરાજ ફિલ્મ્સ’નું આ વર્ષ અતિશય ખરાબ ગયું. વાયઆરએફની ૨૦૨૨ની ત્રણ ફિલ્મ્સ- ૧. જયેશભાઈ જોરદાર’ ૨. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અને ૩. ‘શમશેરા’. સારી છતાં આઉટડેટેડ વાર્તા અને રણવીરની માચો ઇમેજની ગેરહાજરીના કારણે ‘જયેશભાઈ જોરદાર’ લોકોએ નકારી, તો વાર્તામાં ઝીણવટ અને અક્ષયની મહેનતમાં ઓછપ વર્તાતા જબરી આર્થિક નિષ્ફ્ળતા અપાવવામાં ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કારણભૂત બની. અને ‘શમશેરા’માં તો ખુદ વાયઆરએફને જ ભરોસો નહોતો એવું તેના પ્રમોશન પરથી જણાઈ આવતું હતું!
——
લવ કી હેટ સ્ટોરિયાં
એપ્રિલ મહિનામાં રણબીર અને આલિયાના લગ્નના અવસરે ‘બ્રહ્મા’ના ગીત ‘કેસરિયાં’ના ટીઝરમાં રહેલી મીઠાશના કારણે ફક્ત અમુક સેક્ધડઝની ઝલક છતાં ગીતની ધૂન અને શબ્દો અતિશય લોકપ્રિય થઈ ગયા હતા. મેકર્સ તો રાજીના રેડ થઈ ગયેલા કે વાહ! હવે આખું ગીત રિલીઝ થશે ત્યારે તો આના કરતા પણ ધમાલ મચી જશે. પણ જ્યારે જુલાઈમાં આખું ગીત આવ્યું ત્યારે ધારણા કરતાં સાવ જ ઊલટું થયું. એનું કારણ એટલે- ‘લવ સ્ટોરિયાં’. હા, ‘કેસરિયા’ સાથે પ્રાસ મેળવવામાં આ શબ્દો વાપરવામાં તો આવ્યા, પણ આખા હિન્દી ગીતમાં રહેલા આ ઈંગ્લિશ શબ્દો લોકોને બહુ જ ખૂંચ્યા અને ગીત ખોટા કારણોસર ચર્ચામાં રહ્યું!
———–
સેવિયર બના ફેઈલ્યર
‘ક્યા સે ક્યા હો ગયા’ શબ્દસમૂહ ખાસ કરીને કોઈ એક્ટર માટે ચાલુ વર્ષે બંધ બેસતો હોય તો તે એટલે અક્ષય કુમાર. જરા યાદ કરવાની કોશિશ કરશો તો ખ્યાલ આવશે કે અક્ષયની ફિલ્મ્સ નથી ચાલતી એ ચર્ચાથી વિપરીત ફક્ત અક્ષય જ કોરોનાકાળ પછી ઈન્ડસ્ટ્રીને હિટ અપાવી શક્યો એવી ચર્ચા ગયા વર્ષે જોરમાં હતી. રિલીઝની તારીખો અનેકવાર બદલ્યા પછી પણ ‘સૂર્યવંશી’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને અક્ષયને સેવિયર કહેવામાં આવ્યો હતો. પણ એ પછી જે રીતે આ વર્ષે અક્ષયે ફ્લોપની વણઝાર આપી છે, તેના નામ સાથેના ટેગ ૩૬૦ ડિગ્રી ફરી ગયા છે!