Homeઆમચી મુંબઈઉછીના આપેલાં નાણાં પરત કરવાનું કહેવું કચ્છી મહિલાને ભારે પડ્યું

ઉછીના આપેલાં નાણાં પરત કરવાનું કહેવું કચ્છી મહિલાને ભારે પડ્યું

સાડી પહેરીને આવેલા આરોપીએ ભીષણ હુમલો કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ઉછીના લીધેલા રૂપિયા પાછા માગનારી કચ્છી મહિલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બોરીવલીમાં બનતાં પોલીસે શકમંદને તાબામાં લીધો હતો. મહિલા કે અડોશપડોશના લોકો ઓળખી ન કાઢે તે માટે આરોપી સાડી પહેરીને હુમલો કરવા આવ્યો હતો અને બાદમાં મહિલાને હૉસ્પિટલમાં લઈ જવામાં કથિત રીતે મદદરૂપ પણ બન્યો હતો.
બોરીવલી પોલીસના જણાવ્યા મુજબ મંગળવારની બપોરે બનેલી ઘટનાની ફરિયાદ રવિવારે મળસકે કરાઈ હતી. આ પ્રકરણે ગુનો નોંધી કમલેશ હાતીમ (૩૪)ને તાબામાં લેવાયો હતો. આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
બોરીવલી પશ્ર્ચિમના ગોરાઈ ખાતે રહેતાં હીના વિસરિયા (૫૯)ની ફરિયાદને આધારે પોલીસે એફઆઈઆર નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે હીનાબહેનનો પુત્ર પારસ પુણેમાં નોકરી કરતો હોવાથી હીના બહેન ગોરાઈના ઘરમાં એકલાં જ રહે છે. વન પ્લસ વન રૂમનો નીચેનો માળ એક લૅબોરેટરી માટે ભાડે આપ્યો હોવાથી આરોપી હાતીમ તેમાં નોકરી કરતો હતો. જરૂર પડ્યે હાતીમ ફરિયાદીની મદદ માટે દોડી જતો હોવાથી વિશ્ર્વાસુ બની ગયો હતો.
વિરારમાં પોતાની લૅબ શરૂ કરવાને બહાને આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા માગ્યા હતા. સમયાંતરે લગભગ પાંચ લાખ રૂપિયા લીધા પછી હાતીમ રૂપિયા પાછા આપવામાં ઠાગાઠૈયા કરતો હતો. ફરિયાદી વારંવાર રૂપિયાની માગણી કરતાં હોવાથી આરોપી ગિન્નાયો હતો.
મંગળવારની બપોરે ફરિયાદી ઘરમાં આરામ કરી રહ્યાં હતાં ત્યારે આરોપી સાડી પહેરીને ઘરમાં ઘૂસ્યો હતો અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ફરિયાદીએ વિરોધ કરતાં આરોપી ત્યાંથી રવાના થઈ ગયો હતો અને જતાં જતાં દરવાજાને બહારથી કડી લગાવી ગયો હતો. આ હુમલામાં ફરિયાદીના પેટ, હાથ અને ગળા નજીક ઇજા થઈ હતી.
ફરિયાદ અનુસાર હુમલા બાદ ભાગી ગયેલો આરોપી કપડાં બદલીને પડોશી સાથે મદદ કરવાને બહાને પાછો ફર્યો હતો. હૉસ્પિટલે પહોંચ્યા પછી હાતીમ ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. હાતીમ ફરી હુમલો કરશે, એવા ભયથી હીનાબહેને પોલીસ અને ડૉક્ટર સામે તેના નામનો ઉલ્લેખ કર્યો નહોતો. જોકે પુણેથી પાછા ફરેલા પુત્ર પારસને હકીકત જણાવ્યા પછી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. પારસે જણાવ્યું હતું કે સારવાર બાદ માતાની તબિયત સુધારા પર છે, પરંતુ હજુ તેમને ઑક્સિજન પર રાખવામાં આવ્યાં છે.

RELATED ARTICLES

Most Popular