નાલાસોપારામાં પત્નીની ગળું દબાવી હત્યા: કચ્છી શૅરદલાલની ધરપકડ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પ્રેમલગ્નના એક વર્ષમાં જ કચ્છી શૅરદલાલે પત્નીની ગળું દબાવી કથિત હત્યા કરી હોવાની ઘટના નાલાસોપારામાં બની હતી.
નાલાસોપારા પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ ભાવિક રમેશભાઈ ઠક્કર (૨૫) તરીકે થઈ હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
શૅરદલાલીનું કામ કરતા ઠક્કરની મિત્રતા મુન્ની (૨૩) સાથે ફેસબુક પર થઈ હતી. ચૅટિંગ પર વાતચીત પછી બન્નેએ એકબીજાના મોબાઈલ નંબર શૅર કર્યા હતા. બન્ને વચ્ચે પ્રેમપ્રકરણ પછી એકાદ વર્ષ પહેલાં બન્નેએ લગ્ન કરી લીધાં હતાં, એમ નાલાસોપારા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર વિલાસ સુપેએ જણાવ્યું હતું.
કહેવાય છે કે દંપતી વચ્ચે નાની નાની વાતે ઝઘડા થતા હતા. તાજેતરમાં મુન્નીએ ૨૦ હજાર રૂપિયાની માગણી કરી હતી. ઠક્કરે રૂપિયા ન આપતાં તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રોષમાં આવી આરોપીએ પત્નીને લાફો માર્યો હતો. પછી ગળું દબાવી તેની કથિત હત્યા કરી હતી. પોલીસે રવિવારે મોડી રાતે આરોપીની ધરપકડ કરી હતી. મુન્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.